Tue Dec 16 2025

Logo

White Logo

મુંબઈ થયું મેસીમયઃ સચિને સુપરસ્ટાર ફૂટબોલરની મુલાકાતને : સુવર્ણ ક્ષણો તરીકે ઓળખાવી

1 day ago
Author: Ajay Motiwala
Video

મુંબઈઃ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેન્ડુલકરે ફૂટબૉલના સુપરસ્ટાર અને વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાના ખેલાડી લિયોનેલ મેસી (MESSI)ની મુંબઈની મુલાકાતને રવિવારે આ શહેર માટે તેમ જ સમગ્ર દેશ માટે સુવર્ણ ક્ષણો તરીકે ઓળખાવી હતી.

સચિને (SACHIN) મેસીની મુંબઈ-વિઝિટને (ખાસ કરીને વાનખેડેની મુલાકાતને) 2011માં ભારતે જીતેલા વન-ડેના વર્લ્ડ કપની ક્ષણો સાથે સરખાવી હતી. મેસીએ રવિવારે મુંબઈમાં પહેલાં બે્રબર્ન સ્ટેડિયમમાં અને પછી વાનખેડેમાં ઇન્ટર માયામીની ટીમના સાથી ખેલાડીઓ લુઇસ સુઆરેઝ તથા રૉડ્રિગો ડિ પૉલ સાથે હાજરી આપી હતી.

સચિને વાનખેડેની ઇવેન્ટ વિશેના વકતવ્યમાં પ્રેક્ષકોને સંબોધતા કહ્યું, ` મેં અહીં કેટલીક અવિસ્મરણીય ક્ષણો માણી. મુંબઈ શહેર સપનાંનું શહેર કહેવાય છે અને આ જ મેદાન પર અનેકના સપનાં સાકાર થયા છે. તમારા બધાના (ક્રિકેટપ્રેમીઓના) સપોર્ટ વગર અમે 2011માં આ મેદાન પર સુવર્ણ ક્ષણો ન માણી શક્યા હોત. ત્યારની જેમ આજે પણ ગોલ્ડન મૉમેન્ટ્સ જ છે.'

માસ્ટર બ્લાસ્ટરે સૌથી વધુ આઠ બલૉં ડિઑર અવૉર્ડ મેળવી ચૂકેલા મેસી વિશે કહ્યું, ` લિયો (લિયોનેલ મેસી)ની વાત કરું તો જો મારે તેની રમત વિશે કંઈ બોલવું હોય તો આ યોગ્ય મંચ ન કહી શકાય. ખરું કહું તો તેના વિશે હું વધુ શું કહું! તેણે તેની રમતમાં બધુ જ હાંસલ કર્યું છે. પોતાની રમત પ્રત્યેની તેની સમર્પિતતા, સંકલ્પશક્તિ અને દૃઢતાથી આપણે સૌ કોઈ પ્રભાવિત થઈ જ ચૂક્યા છીએ. સૌથી ખૂબીની વાત એ છે કે મેસી ખૂબ જ વિનમ્ર સ્વભાવનો છે. હું તમામ મુંબઈકર અને ભારતીયો વતી તેને અને તેના પરિવારના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા આપું છું અને ઇચ્છું છું કે તેઓ સદા આનંદમાં રહે. અહીં આવીને યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા બદલ ફરી મેસીનો આભાર માનું છું.' સચિને એવી પણ આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં ભારત પણ ફૂટબૉલમાં ઊંચા શિખરો સર કરશે.

10 નંબરવાળા મેસીને પોતાનું 10 નંબરનું જર્સી આપ્યું

જેમ સચિન તેન્ડુલકર 10 નંબરનું જર્સી પહેરીને ક્રિકેટ રમતો હતો એમ લિયોનેલ મેસીના જર્સીનો નંબર પણ 10 છે. સચિને વાનખેડેની ઇવેન્ટમાં મેસીને પોતાના ઑટોગ્રાફ સાથેનું 10 નંબરનું જર્સી અર્પણ કર્યું હતું. મેસીએ તેને વળતી ભેટના રૂપમાં ફૂટબૉલ આપ્યો હતો.

મેસી સોમવારે દિલ્હીમાં પીએમ મોદીને મળશે

લિયોનેલ મેસી મુંબઈથી દિલ્હી જવા રવાના થયો હતો જ્યાં તે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમ જ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાને તથા ભારતીય લશ્કરના વડાને મળશે. મેસી સાથે એનસીપીના નેતા અને ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશનના પ્રમુખ પ્રફુલ પટેલ પણ મુલાકાત કરશે એવી ધારણા છે.