મુંબઈ: મરાઠી મતોના સહારે પોતાનું અસ્તિત્વ ટકાવવા બંને પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ ઠાકરેએ સંયુક્ત રીતે મુંબઈ મહાનગરપાલિકાની ચૂૂંટણી લડવાના છે. જોકે પૂર્વ ઉપનગરમાં વિધાનસભ્યો, ભૂતપૂર્વ નગરસેવક અને તમામ ભાષાના મતદારોના ગણિતને જોતા ભાજપ અને શિંદે સેનાનું જોર વધુ હોવાનું જણાઈ આવે છે. જોકે આ વિસ્તારોમાં મરાઠીઓનું પ્રભુત્વ વધુ હોવાથી તેમના મત કોની તરફ વળે છે તેના આધારે પૂર્વ ઉપનગરના સમીકરણો બદલાઈ શકે છે.
પૂર્વ ઉપનગરમાં ૧૧ વિધાનસભામાંથી મહાયુતિ પાસે આઠ વિધાનસભ્યો છે. ભાજપ પાસે મુલુંડ, ઘાટકોપર પૂર્વ, ઘાટકોપર પશ્ર્ચિમ છે. તો શિંદે સેના પાસે ભાંડુપ, ચેમ્બુર, કુર્લા અને ચાંદિવલી તથા અણુશક્તિ નગરમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો (અજીત પવાર) વિધાનસભ્ય છે. તેથી એમ જોઈએ તો આ વિસ્તારમાં મહાયુતિ મજબૂત જણાઈ રહી છે. તો કલિના અને વિક્રોલી ઉદ્ધવની સેના પાસે અને માનખુર્દમાં સમાજવાદી પક્ષના વિધાનસભ્ય છે.
મુલુંડ અને ઘાટકોપરમાં ભાજપ તથા મરાઠી વિસ્તાર ગણાતા ભાંડુપ અને વિક્રોલીમાં ઉદ્ધવના નગરસેવકોને ફોડીને પોતાના પક્ષમાં પ્રવેશ કરાવનારા શિંદે સેનાનું જોર વધ્યું હોવાનું માનવામાં આવે છે. ભાંડુપમાં શિંદે સેનાનો વિધાનસભ્ય છે, છતાં એક ભૂતપૂર્વ નગરસેવકને છોડીને ત્રણ ભૂતપૂર્વ નગરસેવક ઉદ્ધવ પાસે છે. વિક્રોલીમાં ઉદ્ધવનો વિધાનસભ્ય હોવા છતાં ચાર ભૂતપૂર્વ નગરસેવકો શિંદે સેનામાં જોડાઈ ગયા છે. ઘાટકોપર અને અણુશક્તિ નગરના ઉદ્ધવ સેનાના તમામ ભૂતપૂર્વ નગરસેવકો શિંદે સેનામાં જોડાઈ ગયા છે.
૨૦૧૭ની સાલમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ ઉપનગરમાં કુલ ૬૯ વોર્ડમાંથી મરાઠી મતદારોનું પ્રભુત્વ ૪૬ વોર્ડમાં રહ્યું છે. મુસ્લિમો ૧૭ અને પાંચ બેઠકોમાં ગુજરાતીઓ અને એકમાં ઉત્તર ભારતીઓનું પ્રભુત્વ એક વોર્ડમાં રહ્યું છે. હાલના તબક્કે પૂર્વ ઉપનગરની કુલ ૬૯ બેઠકોમાંથી શિંદે સેના પાસે ૨૪, ઉદ્ધવ સેના પાસે ૧૪, ભાજપ પાસે ૧૯, કૉંગ્રેસ પાસે પાંચ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ ચાર, સમાજવાદી પાર્ટી પાસે ત્રણ ભૂતપૂર્વ નગરસેવકો છે.
મુલુંડ અને ઘાટકોપરમાં ભાજપનું જોર અને ઉદ્ધવની સેનાના ફોડેલા નગરસેવકોને કારણે શિંદે સેનાનું બળ વધ્યું છે. જોકે આ વિસ્તારોમાં મરાઠી મતદારોનું પ્રભુત્વ વધારે હોવાથી ઉદ્ધવની સેના અને રાજ ઠાકરેની મનસે એક થઈને આ મરાઠી મતદારોને પોતાની તરફ વાળવામાં સફળ થાય છે તે ભાજપ-શિંદે સેનાને ફટકો પડવાની શક્યતા હોવાનું માનવામાં આવે છે.