Thu Dec 25 2025

Logo

White Logo

મોટી જાહેરાત : LRD જવાનો માટે બદલાયા નિયમો, હવે વતનમાં જ નોકરી કરવાની મળશે તક!

1 day ago
Author: Devayat Khatana
Video

ગાંધીનગર: ગુજરાત રાજ્યના પોલીસ દળમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મહત્વનો નિર્ણય લીધો છે. નિમણૂક પામેલા લોકરક્ષક દળ (LRD) ના જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે, હવેથી નવનિયુક્ત ઉમેદવારો પોતાની પસંદગીનો જિલ્લો જાતે જ પસંદ કરી શકશે. આ નિર્ણયથી હજારો ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે આનાથી તેમને વતન કે નજીકના જિલ્લામાં ફરજ બજાવવાની સુવિધા મળી રહેશે.

ગાંધીનગરના સેક્ટર-૧૧ સ્થિત રામકથા મેદાન ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવનિયુક્ત ઉમેદવારોને વિધિવત રીતે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. લોકરક્ષક કેડરમાં કુલ ૧૧,૮૯૯ જગ્યાઓ પૈકી ૮,૭૮૨ પુરુષ અને ૩,૧૧૭ મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરનાર ઉમેદવારોને આવતીકાલે પોલીસ દળમાં સામેલ કરવામા આવ્યા છે. 

આ સમારોહમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, જેલ રાજ્ય મંત્રી કમલેશ પટેલ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, પોલીસ વડા વિકાસ સહાય અને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નીરજા ગોટરૂ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા હાલની પોલીસ ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાંની સાથે જ અન્ય ૧૩,૫૯૧ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે, જે રાજ્યના યુવાનો માટે રોજગારીની મોટી તક સાબિત થશે.