Mon Dec 22 2025

Logo

White Logo

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મહાયુતિનો દબદબો: : 15 જાન્યુઆરીની ચૂંટણીનું આ 'ટ્રેલર' છે, શિંદેનો દાવો

1 day ago
Author: mumbai samachar teem
Video

મુંબઈઃ મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૧૫ જાન્યુઆરીએ યોજાનારી નગર નિગમ ચૂંટણીમાં શું થવાનું છે તેનું ટ્રેલર છે, એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે મતગણતરી દરમિયાન દાવો કર્યો હતો. તેમણે શિવસેનાના "સ્ટ્રાઈક રેટ" ની પણ પ્રશંસા કરતા કહ્યું કે પરિણામો તેમના પક્ષ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યનું સમર્થન છે.

મહારાષ્ટ્રભરમાં ૨૮૬ નગર પરિષદો અને નગર પંચાયતોમાં પ્રમુખ અને સભ્યોના પદો માટેની ચૂંટણી માટે મતગણતરી સવારે ૧૦ વાગ્યે શરૂ થઈ. શરૂઆતમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી), અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) અને શિંદેની શિવસેનાનો સમાવેશ કરતી મહાયુતિ આરામથી આગળ હોવાનું જણાઈ રહ્યું હતું.

જનતા માત્ર રાજકારણ નહીં, પણ વિકાસ પસંદ કરે છે. મહાયુતિનો ભવ્ય વિજય આગામી  મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ટ્રેલર સમાન છે અને તેનું પુનરાવર્તન થશે, એમ તેમણે અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

મહાયુતિએ 286 સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ૨૦૦નો આંકડો પાર કર્યો હોવાનું ભારપૂર્વક જણાવતા શિંદેએ દાવો કર્યો કે "ભાજપે સદી ફટકારી છે" અને શિવસેનાએ "અર્ધ સદી" ફટકારી છે અને રાજ્યમાં બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. 

કોંકણ શિવસેનાનો ગઢ છે. પાર્ટી ફક્ત મુંબઈ અને થાણે સુધી મર્યાદિત નથી પરંતુ રાજ્યના દરેક ઘર સુધી પહોંચી છે. જ્યાં પાર્ટીને નુકસાનનો સામનો કરવો પડ્યો છે ત્યાં પણ મહાયુતિનો સામૂહિક વિજય પ્રાથમિકતા છે. ભાજપ અને શિવસેના વચ્ચે ઘણી બેઠકો પર "મૈત્રીપૂર્ણ લડાઈ" થઈ હતી.

તેમણે શિવસેના (યુબીટી) ના નેતા ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું કે મતદારોએ ચૂંટણીમાં ઘરે બેઠેલા લોકોને ઘરે બેસાડી દીધા છે. તેમણે કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે શિવસેનાએ મહા વિકાસ આઘાડીની સંયુક્ત સંખ્યા કરતાં વધુ બેઠકો જીતી છે. 

શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને મનસે નેતા અને પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે જોડાણ કરવાના પ્રશ્નોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તેનો કોઈ પ્રભાવ પડશે નહીં કારણ કે લોકોએ કામ કરનારાઓને મત આપવાનું નક્કી કર્યું છે. શિંદેએ "લાડકી બહીન" (રાજ્ય સરકારની યોજનાના મહિલા લાભાર્થીઓ) અને પાર્ટીના કાર્યકરોનો પણ વિજય માટે આભાર માન્યો હતો.
(પીટીઆઈ)