Sun Dec 14 2025

Logo

White Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ : સુપર કાઇલેન અર્બન પાર્ક, કોપનહેગન

20 hours ago
Author: Hemant Wala
Video

હેમંત વાળા

ક્યારેક એમ જણાય છે કે શહેરી-માનવી પોતાની જાતને ફરીથી શોધવાનો પ્રયત્ન કરે છે. અન્યની સાથે જોડાવા તે તત્પર હોય છે. નાની નાની ચેષ્ટામાં તે ખુશી શોધતો હોય છે. મોકળાશનો સમય કેવી રીતે પસાર કરવો તે વિશે તે ચિંતિત હોય છે. શહેરની એકધારી જિંદગી તથા પરિસ્થિતિથી તે કંટાળી ગયો હોય તેમ જણાય છે. કંઈક નવું કંઈક જુદું અને સાથે સાથે કંઈક વિચિત્ર માણવાની, પામવાની તેની ઈચ્છા હોય છે. 

શહેરી માનવીની આ પ્રકારની માનસિકતાને પ્રતિભાવ આપવા સ્થપતિ પોતાની રીતે પ્રયત્ન કરતો હોય છે. ડેનિશ રાજધાની કોપનહેગનનું સુપર કાઇલેન અર્બન પાર્ક આવો એક પ્રયત્ન છે. અન્ય દરેક શહેરની જેમ અહીં પણ સાંસ્કૃતિક વિવિધતા છે. જર્મન સ્થપતિ કંપની બજાર્કે ઇંગેલ્સ ગ્રુપ તથા ટોપોટેક-1 દ્વારા નિર્ધારિત કરાયેલ આ રચના વર્ષ 2012માં શહેરી નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. લગભગ એક કિલોમીટર લાંબા અને ક્યાંક આશરે 750 મીટરની પહોળાઈ ધરાવતા આ પાર્કનું નામ તેનાં આકાર પ્રમાણે `કાઈલેન' અર્થાત્‌‍ `ફાચર' રાખવામાં આવ્યું છે.

આ અર્બન પાર્કની રચનામાં લોકોની ભાગીદારી હતી. અર્બન પાર્કમાં સામાન્ય રીતે હોય છે તે પ્રમાણે અહીં બેઠક, સુશોભિત લાઈટના થાંભલા, દેખાવમાં સારી કહી શકાય તેવી કચરાપેટી જેવી બાબતો મૂકવાને બદલે જુદા જુદા દેશોના પડોશીઓને તેમનાં વતનની યાદગીરી સમાન વસ્તુઓ સૂચવવા માટે કહેવામાં આવ્યું. આ રીતે જે યાદી તૈયાર થયેલી યાદીમાં જે જે વસ્તુઓ નોંધપાત્ર તેમ જ જરૂરી હતી તેનો ઉપયોગ કરી આ અર્બન પાર્કની રચના નિર્ધારિત કરવામાં આવી. એક દ્રષ્ટિકોણથી એમ પણ કહી શકાય કે આ આશરે 30000 ચોરસ મીટરનો વિસ્તાર એક ખુલ્લી `સાર્વત્રિક ગેલેરી' સમાન છે.

આ અર્બન પાર્કના ત્રણ વિભાગ છે અને દરેક વિભાગને ચોક્કસ રંગ-લાલ, કાળો અને લીલો- દ્વારા વિશેષતા અપાઈ છે. દરેકમાં ભિન્ન ભિન્ન પ્રકારની ઉપયોગીતા અને દરેકની એક ખાસ મનોવૈજ્ઞાનિક પ્રસ્તુતિ છે. લાલ વિસ્તાર ચોક્કસ પ્રકારની રમત તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે નિર્ધારિત કરાયો છે, જે સપ્તાહના અંતે સ્થાનિક બજાર બની જાય છે. 

આ સમગ્ર વિસ્તારમાં જુદા જુદા શેડની લાલ લાદી જડી દેવામાં આવી છે. જે કાળો વિસ્તાર છે તે શહેરના દીવાનખંડ સમાન છે તેમ કહેવાય છે. અહીં મોરોક્કન શૈલીના ફુવારાની આસપાસ અને અન્ય સ્થાને પણ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમગ્ર વિસ્તારમાં સફેદ રંગના લહેરાતા પટ્ટા દોરવામાં આવ્યા છે જે વિરામસ્થાનને આવનજાવનના માર્ગથી અલગ નિર્ધારિત કરે છે. જ્યાં બેઠક વ્યવસ્થા હોય ત્યાં આ પટ્ટા વળાંક લઈ લે અને જાણે બેઠક વ્યવસ્થાને માન આપે. લીલો વિસ્તાર એ જાણે બાળકો સાથેના પારિવારિક પિકનિકનું સ્થાન છે. 

અહીં સૂર્યપ્રકાશનું સ્નાન પણ લઈ શકાય અને કેટલીક હળવી રમત પણ રમી શકાય. અહીં પ્રમાણમાં વધુ લીલોતરી છે. આ સમગ્ર રચનામાં ઇરાકના પરંપરાગત હીંચકા, બ્રાઝિલની પ્રચલિત જાહેર બેઠક, રશિયાનું ચર્ચિત બસ સ્ટોપ, મોરોક્કોથી ઐતિહાસિક ફુવારો, બ્રિટનની કચરાપેટી, ઝાંઝીબાર તથા પેરિસના મેનહોલ કવર, જેવી ઘણી વસ્તુઓ આયાત કરવામાં આવી છે અથવા વિદેશી ડિઝાઇન મુજબ તેની નકલ તૈયાર કરવામાં આવી છે. 

આ અર્બન પાર્કમાં આ બધી વસ્તુ સાથે જમીનમાં એક નાની સ્ટેનલેસ પ્લેટ જડેલી હોય છે જેના પર જે તે વસ્તુની માહિતી આલેખવામાં આવી છે. આ પ્રકારની સામગ્રીના ઉપયોગથી આ પાર્ક `સહિયાં' હોવાની ભાવના જાગ્રત કરી શકે. સાથે સાથે એમ કહી શકાય કે આ પાર્ક વિવિધતાને ટેકો આપે છે.

આ અર્બન પાર્ક એક સારું કૌટુંબિક તેમ જ સામાજિક સ્થાન તો બની જ શકે પણ સાથે સાથે તે ફિટનેસ એરિયા પણ છે. અહીં બાળકો, યુવાનો તથા વૃદ્ધો માટે ઉપયોગિતા છે. અહીં એકલ વ્યક્તિ માટે અને વ્યક્તિ-સમૂહ માટે પણ સંભાવના છે. અહીં વાહનનો બાધ છે પરંતુ અહીંના કોઈપણ સ્થાને કોઈપણ વાહનથી પહોંચી શકાય છે. યુરોપમાં અન્ય સ્થાને હોય છે તેમ આ પાર્કમાં પણ સાયકલની છૂટ હોય તેમ જણાય છે. 

આ એક સાંપ્રત સમયનું અર્બન પાર્ક છે જેમાં લગભગ બધી જ અર્બન-શહેરી જરૂરિયાતોનો સમાવેશ થયો હોય તેમ લાગે છે. અહીં મોકળાશ છે અને સંભાવના છે. અહીં સ્વતંત્રતા છે અને સાથે સૂચન છે. અહીં આદર્શ સામાજિક વ્યવસ્થા સ્થાપિત કરવાનો પ્રયત્ન છે અને સાથે સાથે કોઈપણ સામાજિક ગ્રૂપને અવહેલનાની ભાવના ન જન્મે તેનું ધ્યાન રખાયું છે. આ એક આદર્શવાદી રચના છે.

ડિઝાઇનની દ્રષ્ટિએ જોઈએ તો ક્યાંક અતિશયોક્તિ થઈ હોય તેમ લાગે છે. અમુક રંગ અમુક સમય પછી કદાચ આંખમાં ખૂંચી શકે. પાર્કની વિશાળતા સામાન્ય સંજોગોમાં `ખાલીપો' દર્શાવી શકે. સમગ્ર પાર્ક જે રીતે એક કિલોમીટર જેટલો લાંબો છે અને જેને ત્રણ વિભાગમાં વિભાજિત કરી દેવાયો છે ત્યાં પરસ્પરનું સંકલન લગભગ અશક્ય બની રહે. તેની લંબાઈને કારણે પણ તેની ઉપયોગીતામાં મર્યાદા પણ રહે. આ એ વિસ્તાર છે જ્યાં સામાન્ય રીતે ઉષ્ણતામાન નીચું રહે છે. તેવા સંજોગોમાં ઠંડી સામે રક્ષણની પણ આવશ્યકતા હતી. એમ માનવા મન પ્રેરાય છે કે શનિ-રવિમાં આ પાર્કમાં ચહલપહલ રહેતી હશે પરંતુ બાકીના સમયે તેની ઉપયોગીતા અતિ મર્યાદિત હશે.

આ દેશમાં નિર્વાસીત લોકોની વસ્તી અહીં સૌથી વધુ હોવાથી અહીં જે તે કારણસર, ગુનાનું પ્રમાણ પણ વધુ છે. વર્ષ 2006માં ઇસ્લામના પયગંબરનાં વિવાદાસ્પદ ચિત્રણને કારણે આ સ્થળ ઉપર રમખાણો થયાં હતાં. એમ કહેવાય છે કે સુપર કાઇલેનની રચના બે સાવજ ભિન્ન વિચારધારા ધરાવતાં સામાજિક સમૂહને જોડવાનો પ્રયત્ન છે. આ પ્રકારનો દાવો વધુ પડતો હોય તેમ જણાય છે. 

ઈરાદો સારો છે, સન્નિષ્ઠ પ્રયત્ન છે, પરંતુ જે વિઘટનવાદી અને આક્રમક વિચારધારા છે તેને સામાન્ય પ્રવાહમાં લાવવી એ સ્થાપત્યના ક્ષેત્રનો વિષય નથી. એમ કહેવાય છે કે અહીં જાતિ, ધર્મ, સંસ્કૃતિ, દેશ, વતન, વિચારધારા અને ભાષાના એકીકરણને પ્રોત્સાહન આપવાનો સ્થાપત્યકીય પ્રયત્ન કરાયો છે. આ વાત થોડી વધુ પડતી જણાય છે.