Thu Dec 11 2025

Logo

White Logo

બળાત્કારના કેસમાં 8 વર્ષે મળ્યો અભિનેતાને ન્યાય: : કોર્ટે નિર્દોષ જાહેર કરતા જાણો શું કહ્યું

1 day ago
Author: Mumbai Samachar Team
Video

થિરુવનંતપુરમ: ન્યાય આપવામાં મોડું થાય, તો વાંધો નહી. પરંતુ નિર્દોષ વ્યક્તિને સજા ન થવી જોઈએ. ભારતનું ન્યાયતંત્ર આ કથનને સાર્જક કરે છે. તેથી ચૂકાદાઓ આવવામાં મોડું થાય છે અને સાચા ગુનેગારોને સજા મળે છે. તાજેતરમાં આવો જ એક ચૂકાદો સામે આવ્યો છે. કેરળમાં એક અભિનેતા બળાત્કારના આરોપમાંથી 8 વર્ષ બાદ નિર્દોષ જાહેર થયો છે. સાથોસાથ 7 આરોપીઓને ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે. 

બળાત્કારના કેસમાં કેવી રીતે ફસાયો અભિનેતા

17 ફેબ્રુઆરી 2017ના રોજ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક અભિનેત્રી પોતાનું કામ પૂરૂ કરીને  ત્રિચૂરથી કોચ્ચી જઈ રહી રહી હતી. આ સમયે તેની ઓડી કાર એક વાન સાથે ટકરાઈ હતી. વાનમાં રહેલા લોકોએ અભિનેત્રીની કારમાં ઘૂસીને તેની સાથે લગભગ બે કલાક સુધી યૌન શોષણ કર્યું હતું. અભિનેત્રીનો વીડિયો પણ શૂટ કરવામાં આવ્યો હતો. અભિનેત્રી સાથે યૌન શોષણ કરનાર પલ્સર સુની નામનો વ્યક્તિ હતો. પરંતુ તેની ધરપકડ બાદ અભિનેતા દિલીપનું નામ પણ સામે આવ્યું હતું. દિલીપ પર આરોપ હતો કે, તેણે પલ્સર સુનીને અભિનેત્રીને બદનામ કામ કરવા માટે રાખ્યો હતો. જેથી અભિનેતા દિલીપની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, દિલીપ જામીન પર છૂટી ગયો હતો. પરંતુ આ કેસ છેલ્લા 8 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેને લઈને તાજેતરમાં ચૂકાદો આવ્યો છે. 

 મલયાલમ અભિનેત્રી પર બળાત્કારને લઈને તાજેતરમાં એનાર્કુલમ કોર્ટ ખાતે સુનાવણી કરવામાં આવી હતી. ન્યાયધીશ હની એમ. વર્ગીસે દિલીપ સહિત ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે એનએસ સુનીલ ઉર્ફ પલ્સર સુની, માર્ટિન એંટન, બી. મણિકંદન, વીપી વિજેશ, એસ. સલીમ ઉર્ફ વાડીલાલ સલીમ અને પ્રદીપને સામુહિક બળાત્કાર માટે ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે. ગુનેગારોને 12 ડિસેમ્બરના રોજ સજા સંભળાવવામાં આવશે.  

મારું કરિયર સમાપ્ત કરવાનું કાવતરું હતું 

ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં અભિનેતા દિલીપનું પલ્સર સુની સાથેનું કોઈ કનેક્શ સાબિત થઈ શક્યું નથી. કોર્ટમાંથી નિર્દોષ સાબિત થયા બાદ દિલીપે જણાવ્યું હતું કે, "સાચું કાવતરું મને આ કેસમાં આરોપી બનાવીને મારું કરિયર સમાપ્ત કરવાનું હતું." 

ગુનેગારો પર સામુહિક બળાત્કાર, અપરાધિક ષડયંત્ર, મહિલાની ગરિમા ભંગ કરવી, ખોટી રીતે બંધક બનાવવી, બળ પ્રયોગ કરવો, પુરાવાનો નાશ કરવો, અશ્લીલ ફોટો લેવા તથા તેને શેર કરવા જેવા ગુનાઓ સાબિત થાય છે. જેને લઈને તેઓને આજીવન કારાવાસ સહિત કડક સજા મળવાની સંભાવના છે.