મુંબઈ: ટીવી સુપરસ્ટાર ગૌરવ ખન્નાએ તાજેતરમાં લોકપ્રિય રિયાલીટી શો 'બિગ બોસ 19'ની ટ્રોફી પોતાના નામે કરી છે. ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલાએ પણ 'ભાગ્યલક્ષ્મી' અને 'સ્વરાગી'ની જેવા ટીવી શોમાં કામ કર્યું છે, પરંતુ હવે ગૌરવ ખન્નાની પત્ની મુશ્કેલીમાં મૂકાઈ છે. આકાંક્ષા ચમોલાના નામે કોઈ છેતરપિંડી કરી રહ્યું છે, જેને લઈને આકાંશા ચમોલાએ પોતાના ફેન્સને માહિતી આપી છે અને સાવચેત રહેવા જણાવ્યું છે.
આકાંક્ષાના નામે કોઈ કરી રહ્યું છે મેસેજ
પોતાના નામે થઈ રહેલી છેતરપિંડીને લઈને આકાંક્ષા ચમોલાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને જણાવ્યું કે કોઈ વ્યક્તિ આકાંક્ષા ખન્નાના નામનો ઉપયોગ કરીને વોટ્સએપ પર મારા ફેન્સ અને ફોલોઅર્સને મેસેજ કરી રહી છે અને તે આકાંક્ષા છે એવું વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આકાંક્ષાએ સોશિયલ મીડિયા પર તેના નામે થયેલા મેસેજના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. સ્ક્રીનશોટમાં આકાંક્ષાના નામે થયેલા વોટ્સએપ મેસેજ જોઈ શકાય છે, જેને લઈને આકાંક્ષાએ તેના ફેન્સને આ અંગે કાર્યવાહીનો આગ્રહ કર્યો છે.

આકાંક્ષાએ સ્ક્રીનશોટ શેર કરીને કેપ્શનમાં લખ્યું કે સ્કેમ એલર્ટ, ફેક...કૃપયા આ નંબરને નજરઅંદાજ કરો અને તેને રિપોર્ટ કરો. કારણ કે તે મારી ઓળખનો દુરુપયોગ કરીને મારા મિત્રોને મેસેજ મોકલી રહ્યો છે. તમામ લોકો સાવધ રહો અને એ હું નથી. મારી પાસે બીજો કોઈ નંબર પણ નથી.
ઉલ્લેખનીય છે કે બિગ બોસ-19 (Bigg Boss 19)ના ફેમિલી વીક દરમિયાન ગૌરવ ખન્નાની વાઈફ આકાંક્ષા ચમોલાએ બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરી હતી. ત્રણ મહિના બાદ પત્નીને મળીને ગૌરવની ખુશીનો પાર રહ્યો નહોતો. બંને જણ કેમેરા સામે જ રોમેન્ટિક મુડમાં આવી ગયા હતા. જેને જોઈને અમાલ મલિકે આંખો બંધ કરી દીધી હતી.