Tue Dec 09 2025

Logo

White Logo

ભ્રષ્ટાચાર મુદ્દે મનસુખ વસાવાને ચૈતર વસાવાએ : શું આપ્યો સણસણતો જવાબ?

1 day ago
Author: Mayur Kumar Patel
Video

નર્મદાઃ ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર અંગે કરેલા ગંભીર આક્ષેપો બાદ વિવાદ વકર્યો છે. વસાવાએ ભ્રષ્ટાચાર કરનારાઓના નામ કે પુરાવા જાહેર કર્યા નહોતા, પરંતુ મુખ્ય નિશાન આમ આદમી પાર્ટી (આપ)ની ટીમને બનાવ્યું હતું. તેના જવાબમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી, ઉલટાનું ભાજપ પર જ આદિજાતિ વિકાસના ફંડના દુરુપયોગનો આરોપ લગાવી રાજકીય માહોલ ગરમાવ્યો છે.

મનસુખ વસાવાએ શું કર્યો હતો આક્ષેપ

મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે આપની ટીમ એજન્ટો મૂકી વિકાસ કાર્યોમાં ક્ષતિઓ શોધી તોડ કરે છે. એક વર્ષ પહેલાં આપના એક નેતાએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આરએફઓ) પાસેથી રૂ. 50 લાખનો તોડ કર્યો હતો. હત્યાના પીડિતોને સહાય અપાવવા માટે પણ તમામ પક્ષના નેતાઓ સહિતની ટીમે રૂ. 10-10 લાખનો તોડ કર્યો હતો.

ચૈતર વસાવાએ શું આપ્યો જવાબ

જેની સામે ચૈતર વસાવાનો વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, જો ભાજપના સાંસદ મારા વિરુદ્ધ પુરાવા નહીં આપે તો અમે માનીશું કે તેમને મનોચિકિત્સક પાસે સારવાર લેવાની જરૂરત છે. મારા વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવે, નહીં તો હું માનહાનીનો કેસ કરીશ. આ સાથે મનરેગા કૌભાંડ સમયે પણ મનસુખ વસાવાએ આરોપોને નકાર્યા હતા, પરંતુ બાદમાં કૌભાંડ બહાર આવ્યું હતું. મનસુખ વસાવા ભ્રષ્ટાચાર કરનારાઓનું લિસ્ટ સરકારને આપે તેવો પડકાર ફેંક્યો હતો.

મનસુખ વસાવાએ દાવો કર્યો હતો કે, આપ નેતાઓની ટીમ વિકાસના કામમાં કોઈના કોઈ રીતે રોળા નાખી રહી છે અને સંકલનની બેઠકોમાં નાના કામોમાં તપાસ માંગી સોશિયલ મીડિયામાં વહેતા કરીને તોડ કરે છે. 'ચોર સાહુકારને દંડે તેવા કૃત્ય' થઈ રહ્યા છે.    

સાંસદના આ આક્ષેપો સામે આપના ધારાસભ્યએ વળતો પ્રહાર કર્યો હતો કે,  પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ખર્ચ આદિજાતિ વિકાસના ફંડમાંથી કરવામાં આવ્યો છે. જ્યારે મેં સવાલ ઉભા કર્યા, ત્યારે સાંસદના પેટમાં તેલ રેડાયું. આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિ અને કુપોષિત બાળકોની ગ્રાન્ટ માટે પણ સરકાર પાસે પૈસા નથી.

મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, આ જિલ્લામાં નેતાઓની એકબીજા સાથે મિલીભગત છે (ભાજપ, કોંગ્રેસ, આપ સહિત), એટલે કોઈ બોલતું નથી. આપ નેતાઓ અધિકારીઓને ધમકાવે છે છતાં કોઈ બોલતું નથી. એક આદિવાસી નેતાએ રૂ. 75 લાખ માંગ્યા હોવાનો આધાર પુરાવા વગરનો દાવો કર્યો હતો, અને કહ્યું કે. ભ્રષ્ટાચાર કરનારને હું છોડતો નથી

સાંસદ વસાવાના આ આક્ષેપોના જવાબમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પલટવાર કરતા જણાવ્યું હતું કે, નર્મદામાં આંગણવાડી કે શાળાઓ માટે ગ્રાન્ટ નથી, તો તમે રૂ. 10 કરોડનું ફાઇવસ્ટાર કમલમ કોના પૈસાથી બનાવ્યું? આદિવાસી વિસ્તારના સિકલ સેલ પીડિતો માટે સબસીડીની યોજના હતી, પરંતુ માર્ચથી આજ દિન સુધી ગ્રાન્ટ ન હોવાનું જણાવી સહાય ચૂકવાતી નથી.