નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન વર્ષ 2025-26ની ખાંડ મોસમમાં ગત ઑક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખાંડના ઉત્પાદનમાં તીવ્ર વધારો થતાં કુલ ઉત્પાદન આગલી મોસમના સમાનગાળાના 95.6 લાખ ટન સામે 23.43 ટકા વધીને 1.183 કરોડ ટનની સપાટીએ રહ્યું હોવાનું નેશનલ ફેડરેશન ઑફ કૉ ઑપરેટિવ સુગર ફેક્ટરીઝ (એનએફસીએસએફ)એ એક યાદીમાં જણાવ્યું છે.
નોંધનીય બાબત એ છે ગત ખાંડ મોસમ 2024-25માં દેશમાં ખાંડનું ઉત્પાદન 2.618 કરોડ ટનની સપાટીએ રહ્યું હતું. ફેડરેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત 31મી ડિસેમ્બર સુધી દેશમાં કુલ 499 ખાંડ મિલો કાર્યરત હતી અને 13.4 કરોડ ટન શેરડીનું પિલાણ કરવામાં આવતા ખાંડનો રિકવરી રેટ અથવા તો ઊપજનો દર 8.83 ટકાના સ્તરે રહ્યો છે.
વધુમાં ફેડરેશનના જણાવ્યાનુસાર સમીક્ષા હેઠળના સમયગાળામાં દેશનાં અગ્રણી ખાંડ ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશ ખાતે ખાંડનું ઉત્પાદન ગત મોસમના સમાનગાળાના 32.6 લાખ ટન સામે વધીને 35.6 લાખ ટનના સ્તરે, બીજા ક્રમાંકના ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ગત સાલના સમાનગાળાના 29.9 લાખ ટન સામે 63 ટકા વધીને 48.7 લાખ ટન અને ત્રીજા ક્રમાંકના ઉત્પાદક રાજ્ય કર્ણાટક ખાતે ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 20.5 લાખ ટન સામે વધીને 22.1 લાખ ટનના સ્તરે રહ્યું છે.
આ સિવાય અન્ય રાજ્યોમાં ગુજરાત ખાતે ઉત્પાદન વધીને 2.85 લાખ ટન, બિહાર ખાતે 1.95 લાખ ટન અને ઉત્તરાખંડમા ઉત્પાદન 1.30 લાખ ટનના સ્તરે રહ્યું હોવાનું યાદીમાં જણાવવાની સાથે ફેડરેશને વર્તમાન ખાંડ મોસમમાં ઉત્પાદનનો અંદાજ 3.15 કરોડ ટનનો મૂક્યો છે, જોકે, આ અંદાજમાં ઈથેનોલ માટે વિકેન્દ્રિત થનારી 35 લાખ ટન ખાંડની ગણતરી કરવામાં ન આવી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.
ખપપૂરતાં કામકાજો વચ્ચે ખાંડમાં ધીમો ઘસારો
મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગે્રડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3600થી 3630માં ટકેલા ધોરણે થયાના ઓવરનાઈટ અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં હાજર ભાવમાં ક્વિન્ટલે રૂ. ચારથી 10નો અને નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગ મર્યાદિત રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. 10નો ઘસારો આગળ ધપ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ઉપાડ લગભગ 26થી 27 ટ્રકનો રહ્યો હતો. એકંદરે માગ મર્યાદિત રહેતાં આજે હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ચારથી આઠના ઘટાડા સાથે રૂ. 3772થી 3862માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10 અને ઉપલા મથાળેથી રૂ. આઠના ઘટાડા સાથે રૂ. 3882થી 3972માં થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી છૂટીછવાઈ રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. 10નો ઘટાડો આવ્યો હતો, જેમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3710થી 3770માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3800થી 3830માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.