Mon Dec 08 2025

Logo

White Logo

વિરાટ-રોહિત કે સાથ મસ્તી મત કરો... : આવી `ચેતવણી' ગંભીર-આગરકરને કોણે આપી જાણી લો

2 days ago
Author: Ajay Motiwala
Video

નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને રોહિત શર્મા શાનદાર કરીઅરની જ્યારે ટોચ પર હતા એવું જ અત્યારે કારકિર્દીની સંધ્યાકાળે રમી રહ્યા છે, પરંતુ ટી-20માંથી પોતાની મરજીથી અને ટેસ્ટમાંથી રહસ્યમય સંજોગોમાં નિવૃત્ત થઈ ગયા પછી હવે વન-ડેમાંથી પણ તેમને જાણે ઉતાવળે રિટાયર થઈ જવા આડકતરી રીતે દબાણ થઈ રહ્યું હોય એવી ભારતીય ક્રિકેટમાં જે અટકળો અને ચર્ચા છે એને પગલે ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ સિલેક્ટરોને તેમ જ ટીમ-મૅનેજમેન્ટને વિનંતી કરી છે કે વિરાટ અને રોહિતને એકલા છોડી દેજો (મુક્ત મનથી રમવા દેજો). શાસ્ત્રીએ આ આડકતરી ચેતવણી (Warning)માં તેમને એવું પણ કહ્યું છે કે આ બે મહારથીઓની બાકી રહેલી કારકિર્દી સાથે કોઈ પણ પ્રકારની ગરબડ થશે તો એના પરિણામો ઠીક નહીં હોય.

વિરાટ 37 વર્ષનો અને રોહિત 38 વર્ષનો છે. વિરાટની છેલ્લી પાંચ ઇનિંગ્સમાં બે ઝીરો, પરંતુ અણનમ 74 રન અને બૅક-ટુ-બૅક સેન્ચુરી સામેલ છે, જ્યારે રોહિતની છેલ્લી પાંચ ઇનિંગ્સમાં એક અણનમ સદી અને બે હાફ સેન્ચુરી સામેલ છે. બન્ને પ્લેયર હમણાં ઘણું સારું રમી રહ્યા હોવાથી 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી તેઓ રમતા રહેશે એવી તેમના કરોડો ચાહકોને તો આશા છે જ, પરંતુ હાલમાં હેડ-કોચ ગૌતમ ગંભીર તથા ચીફ સિલેક્ટર અજિત આગરકરના બન્ને મહારથી સાથેના કથિત વિવાદાસ્પદ અભિગમને કારણે લોકોને ડર છે કે વિરાટ-રોહિત વન-ડેમાંથી પણ અકાળે નિવૃત્તિ જાહેર કરી દેશે.

તાજેતરના એક ઇન્ટરવ્યૂમાંથી લેવામાં આવેલા ટીઝર વીડિયોમાં શાસ્ત્રીને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે અંગત મતભેદને કારણે જો રોહિત-વિરાટને કોઈક રીતે મજબૂર કરવામાં આવશે (વન-ડેમાંથી પણ નિવૃત્ત થઈ જવાની ફરજ પાડવામાં આવશે) તો એવું કરાવનાર વ્યક્તિ સમજી લે કે તેણે પોતાના જ પગ પર ગોળી મારી છે.

રવિ શાસ્ત્રીએ આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ` આ બે ખેલાડીઓ મહારથી છે, વાઇટ-બૉલ ક્રિકેટના દિગ્ગજો છે. તો ઐસે પ્લેયર્સ કે સાથ આપ મસ્તી મત કરો યાર. અગર ઉન કા દિમાગ ઠીક હો ગયા ના ઍન્ડ સહી બટન દબાયેગા ના તો સબ આજુ-બાજુ નિકલ જાયેંગે.' શાસ્ત્રીનું એવું કહેવું હતું કે બન્ને ટોચના ખેલાડીઓને જો વધુ પરેશાન કરવામાં આવશે અને જો એ સ્થિતિમાં તેઓ કોઈ ચોંકાવનારો નિર્ણય લેશે (કોઈ પગલું ભરશે) તો તેમને પજવનારા ભાગમભાગ કરવા લાગશે.

વિરાટ-રોહિત સાથે કોણ મસ્તી કરી રહ્યું છે? તમારી દૃષ્ટિએ એ કોણ છે? એવું પૂછાતાં શાસ્ત્રીએ એટલું જ કહ્યું કે ` જેમને આવી મજાક કરવામાં મજા આવે છે તેમની વાત હું કરી રહ્યો છું. આ ખેલાડીઓ એવા અનુભવીઓ છે જેમનો કોઈ વિકલ્પ નહીં જડે. એક ચેઝ માસ્ટર છે અને બીજાએ વન-ડેમાં વિક્રમજનક ત્રણ ડબલ સેન્ચુરી ફટકારી છે.'

ક્રિષ્ણમાચારી શ્રીકાંત અને મોહમ્મદ કૈફે તાજેતરમાં ચોખ્ખું કહી દીધું હતું કે 2027માં ભારત આ બે દિગ્ગજ ખેલાડીઓ (વિરાટ અને રોહિત) વિના વર્લ્ડ કપ નહીં જીતી શકે.