Mon Dec 08 2025

Logo

White Logo

સેલિના જેટલીને દેખાયું આશાનું કિરણ: UAEની જેલમાં કેદ ભાઈ માટે વિદેશ મંત્રાલયે ભર્યું મહત્ત્વનું પગલું : દિલ્હી હાઈ કોર્ટની સુનાવણીમાં વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

23 hours ago
Author: Himanshu Chavada
Video

નવી દિલ્હી: બોલીવુડની જાણીતી અભિનેત્રી સેલિના જેટલી તાજેતરમાં પોતાના પતિ વિરૂદ્ધ કરેલા ઘરેલુ હિંસાના કેસને લઈને ચર્ચામાં આવી હતી. જોકે, આ અભિનેત્રી UAEની જેલમાં કેદ પોતાના ભાઈને છોડાવવા માટે પણ કાનૂની લડત લડી રહી છે. જેને લઈને તે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને ન્યાયની માંગણી કરતી રહે છે. આ અંગે તેણે  દિલ્હી હાઈ કોર્ટમાં એક અરજી પણ કરી હતી. જેની સુનાવણી બાદ સેલિના જેટલીના ભાઈના પરત ફરવાની આશા વ્યક્ત થઈ છે.

સેલિના જેટલીનો ભાઈ કેવી રીતે કેદ થયો

6 સપ્ટેમ્બર, 2024ના રોજ UAEમાં સેલિના જેટલીના ભાઈ રિટાયર્ડ મેજર વિક્રાંત કુમાર જેટલીની ધરપકડ કરવામાં આવી હતી.  છેલ્લા 15 મહિનાથી સેલિના જેટલીનો ભાઈ વિક્રાંત જેટલી સાથે કોઈ સંપર્ક થઈ રહ્યો ન હતો. જેને લઈને સેલિના જેટલીએ દિલ્હી હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે, રિટાયર્ડ મેજર વિક્રાંત કુમાર જેટલી  UAEના મૈટિટી ગૃપમાં કામ કરી રહ્યા હતા. જે ટ્રેડિંગ, કન્સલ્ટિંગ અને રિસ્ક મેનેજમેન્ટ જેવા કામ સાથે જોડાયેલું છે. ગયા વર્ષે 6 સપ્ટેમ્બરના રોજ તેમનું ગેરકાયદે અપહરણ કરીને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. અરજીમાં વિદેશ મંત્રાલય પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ ઘટનાને એક વર્ષથી વધારે સમય વિતી ગયો હોવા છતાં મંત્રાલય આ અંગે પ્રાથમિક માહિતી મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. આ અરજીને લઈને તાજેતરમાં દિલ્હી હાઈ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. 

દિલ્હી હાઈ કોર્ટની સુનાવણીમાં વિદેશ મંત્રાલયે પોતાના સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, વિક્રાંત સુધી પહોંચવા માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી છે.  જેથી પોતાનો ભાઈ જલ્દી UAEની જેલમાંથી બહાર આવશે એવી સેલિના જેટલીને આશા બંધાઈ છે.

હું તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છું

દિલ્હી હાઈ કોર્ટે સુનાવણી બાદ સેલિના જેટલીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, "મમ્મી અને પપ્પા... હું મારી તરફથી તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છું. છેલ્લા 15 મહિનાથી વિક્રાંત સાથે વાત થઈ નથી. આજે આશાનું કિરણ દેખાયું છે. થેન્ક યૂ યુનિવર્સ. મારા ભાઈ, રિટાયર્ડ મેજર વિક્રાંત કુમાર જેટલીને 6 સપ્ટેમ્બર, 2024ના રોજ UAEમાં કિડનેપ કરવામાં આવ્યો છે. તેમની સુરક્ષા અને તેના સુધી પહોંચવા માટે મેં કરેલી અરજી પર દિલ્હી હાઈ કોર્ટે સુનાવણી કરી હતી. અત્યારસુધી વિક્રાંત સાથે વાત કરી શકી નથી. પરંતુ ભારત સરકારના એડિશનલ સોલિસિટર જનરલ અને સીનિયર વકીલ ચેતન શર્માએ કોર્ટને વિશ્વાસ અપાવ્યો છે કે, તે જલ્દી મને વિક્રાંત સાથે વાત કરાવવાના પૂરતા પ્રયાસો કરશે."