Mon Dec 08 2025

Logo

White Logo

ટ્રાફિકમાં ફસાવાનું નક્કી! : સુભાષ બ્રિજ છ દિવસ નહીં પણ છ મહિના રહી શકે છે બંધ, જાણો કારણ

2 days ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ શહેરના સુભાષ બ્રિજના મધ્યભાગમાં તિરાડ પડતાં રિપેરિંગ માટે પાંચ દિવસ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શુક્રવારે ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુભાષ બ્રિજના તમામ સ્પાનની તપાસ કરવા માટે બ્રિજ કન્સલ્ટન્ટ્સને જવાબદારી સોંપવામાં આવી છે. આ બ્રિજના જે સ્પાનમાં તિરાડ પડી છે અને અમુક ભાગ બેસી ગયો છે, તે અંગે ત્રણ જેટલાં બ્રિજ કન્સલ્ટન્ટ્સ અને રાજ્ય સરકારના બિલ્ડિંગ વિભાગ સાથે ચર્ચા-વિચારણા અને બેઠકો યોજાઈ હતી. 

સુભાષ બ્રિજ કેમ છ મહિના બંધ રહી શકે છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુભાષ બ્રિજના તમામ છ સ્લેબ પર અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ અને કોન્ક્રીટ કોર ટેસ્ટ સહિત પાંચથી વધુ ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ટેસ્ટ કોન્ક્રીટમાંથી પસાર થતા અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોની ગતિ માપીને કોન્ક્રીટની સ્થિતિ નક્કી કરે છે. આ ટેસ્ટનો વિગતવાર રિપોર્ટ આગામી ત્રણ દિવસમાં રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે બ્રિજના સ્લેબનું સમારકામ કરવું કે નહીં અને કેવી રીતે કરવું તે અંગે નિર્ણય લેવામાં આવશે. સૂ્ત્રોએ ઉમેર્યું કે,  સ્પાનનું સમારકામ અથવા અન્ય કામોમાં ઓછામાં ઓછા છ મહિના લાગશે. તેથી, બ્રિજ આગામી છ મહિના સુધી બંધ રહી શકે છે. 

કયા છે વૈકલ્પિક રૂટ

સુભાષ બ્રિજ બંધ હોવાના કારણે વૈકલ્પિક માર્ગ પણ જાહેર કરવામાં આવ્યો હતો. વૈકલ્પિક માર્ગની વાત કરવામાં આવે તો, ચાંદખેડા, સાબરમતિ તરફથી આવતા વાહનો ચિમનભાઇ પટેલ બ્રિજ ઉતરી પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ ડી-માર્ટ થઈ નવા બનેલા રોડ ઉપર થઇ વાડજ સર્કલથી દધિચી બ્રિજ ઉપર થઈ દિલ્હી દરવાજા,શાહીબાગ, સિવિલ તરફ જઈ શકશે. જ્યારે સાબરમતિ, ચાંદખેડા તરફથી આવતા વાહનો કે જેઓને સિવિલ તરફ જવું હોય તેઓ ભાટ-કોટેશ્વર રોડ થઈ ઇન્દિરાબ્રિજ થઇ એરપોર્ટ રોડ થઈ સિવિલ હોસ્પિટલ તરફ જઇ શકશે.  આ ઉપરાંત શાહીબાગ તરફથી જેઓને સુભાષબ્રિજ તરફ જવું છે તે વાહન ચાલકો શાહીબાગ અંડરબ્રિજ સર્કલથી કે શાહીબાગ રેલ્વે બ્રિજ ઉપરથી નમસ્તે સર્કલથી કેન્દ્રીય વિદ્યાલય કટથી દેવજીપુરા થઇ મેલડી માતા સર્કલ થઇ દધિચી બ્રિજ થઇ વાડજ સર્કલ થઇ રાણીપ ડી-માર્ટ તરફ અવર-જવર કરી શકશે. 

ક્યારે બન્યો હતો સુભાષ બ્રિજ

એએમસીએ સુભાષ બ્રિજનું નિર્માણ 1973 માં કર્યું હતું. આ બ્રિજ 453.7 મીટર લાંબો અને 12.8 મીટર પહોળો છે. ગુરુવારે સાંજે 4.30 વાગ્યાની આસપાસ, જ્યારે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચાલી રહી હતી, ત્યારે અધિકારીઓને બ્રિજ પર તિરાડ અંગેની ફરિયાદ મળી હતી. કેટલાક અધિકારીઓ તાત્કાલિક બેઠક છોડીને સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ બ્રિજની ડાબી બાજુના એક સ્પાનમાં તિરાડ અને સેટલમેન્ટ જોયું હતું. જેના કારણે પરિણામે, ગુરુવારે સાંજે 6 વાગ્યાથી વાહનચાલકો માટે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.