નવી દિલ્હીઃ છેલ્લા એક દાયકામાં જાહેર ક્ષેત્રના ફ્યુઅલ રિટેલરોએ તેના બજાર હિસ્સાને જાળવી રાખવા અને વાહન માલિકીમાં સતત વધારા વચ્ચે તેઓએ ગ્રામીણ અને હાઈવે કોરિડોરમાં ઈંધણની પહોંચને ઊંડે સુધી પહોંચાડવા માટે આક્રમક ધોરણે રિટેલ આઉટલેટ્સમાં વધારો કરતાં પેટ્રોલ પંપોની સંખ્યા એક લાખની પાર કરી ગઈ છે. તેમ જ વર્ષ 2015થી અત્યાર સુધીમાં સંખ્યા બમણી પણ થઈ છે.
તેલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ ઍન્ડ એનાલિસીસ સેલ (પીપીએસી)ની આંકડાકીય માહિતી અનુસાર ગત નવેમ્બરના અંતે દેશમાં પેટ્રોલ પંપની સંખ્યા વધીને 1,00,266ના મથાળે રહેતાં સૌથી વધુ પેટ્રોલ પંપની સંખ્યામાં ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજા ક્રમાંકે રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દેશનાં કુલ પેટ્રોલ પંપ પૈકી અંદાજે 90 ટકા હિસ્સો જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.નો છે
જોકે, ખાનગી ફ્યુઅલ રિટેલરોમાં સૌથી વધુ રશિયાની રોઝનેફ્ટ હેઠળની નાયારા એનર્જી લિ. 6921 આઉટલેટ ધરાવે છે, ત્યાર બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું સંયુક્ત સાહસ 2114 અને બીપી શૅલ 346 આઉટલેટ અથવા સ્ટેશન ધરાવે છે. નોંધનીય બાબત એ છે કે વર્ષ 2015માં 50,451 સ્ટેશન હતાં, જેમાં ખાનગી ધારકોની સંખ્યા 5.9 ટકા હિસ્સા સાથે 2967 સ્ટેશનની હતી. જોકે, હાલમાં ખાનગી ધારકોનો હિસ્સો વધીને 9.3 ટકા થયો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે રિટેલ આઉટલેટ બિઝનૅસમાં ખાનગી ક્ષેત્રની સહભાગીતાની શરૂઆત નાણાકીય વર્ષ 2004થી થઈ હતી ને ત્યારે 27 પંપ હતા.
પેટ્રોલ પંપ નેટવર્કમાં ભારત વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે. સૌથી વધુ સંખ્યા અમેરિકા ખાતે છે. વર્ષ 2024નાં અહેવાલમાં આઉટલેટની સંખ્યા જણાવવામાં નથી આવી પરંતુ વર્ષ 2024માં ગૅસ સ્ટેશનોની સંખ્યા 1,96,643 હતી. જોકે, ત્યાર બાદ અમુક આટલેટ શક્ય છે બંધ થયા હોય. ચીન ખાતે 1,15,228 ગૅસ સ્ટેશનો છે. સિનોપેકની વેબસાઈટ અનુસાર તે 30,000 ઈન સર્વિસ ગૅસ સ્ટેશન સાથે ચીનની સૌથી મોટી ફ્યુઅલ રિટેલર છે. ચાઈના પેટ્રોકેમિકલ કોર્પોરેશન (સિનોપેક)કદમાં સૌથી મોટી હોવા છતાં તેનાં આઉટલેટ ભારતની અગ્રણી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનાં 41,664 આઉટલેટ્સ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનનાં 24,418 આઉટલેટ્સની સંખ્યા સામે તેની સંખ્યા ઓછી લાગેછે.
દરમિયાન આપણા દેશમાં આઉટલેટ્સની કુલ સંખ્યા પૈકી ગ્રામીણ વિસ્તારોનાં આઉટલેટ્સની ટકાવારી જે વર્ષ 2025માં બાવીસ ટકા હતી તે વધીને 29 ટકા થઈ છે. વધુમાં પેટ્રોલ અને ડીઝલ ડિસ્પેન્સિંગ ઉપરાંત હવે સીએનજી અને ઈલેક્ટ્રિક વાહનોનાં ચાર્જિંગ જેવાં વૈકલ્પિક ઈંધણ માટે આઉટલેટ્સમાં ફેરફારો પણ થઈ રહ્યા છે.
જોકે, ઈંધણના ભાવ પર સરકારના આડકતરા નિયંત્રણો હોવાને કારણે ભારતીય ફ્યુઅલ રિટેલિંગમાં ખાનગી ક્ષેત્રની સહભાગીતા ઓછી હોવાનું ઉદ્યોગના અધિકારીઓ જણાવતા ઉમેર્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ મુક્ત કરવામાં આવ્યા હોવા છતાં સરકારી માલિકીની કંપનીઓની બહુમતી હોવાથી સરકારના નિયંત્રણ રહે છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જાહેર ક્ષેત્રના રિટેલરોએ નવેમ્બર, 2021થી દૈનિક ધોરણે ઈંધણના ભાવમાં થતાં ફેરફારો બંધ કર્યા હતા. તે પૂર્વે ઘણી વખત એવું બનતું કે ઈંધણના ભાવ પડતર કરતાં પણ નીચા રહેતા હોવાથી ખાનગી ક્ષેત્ર માટે પોસાણક્ષમ નહોંતુ.