મિજાજ મસ્તી - સંજય છેલ
ટાઈટલ્સ:
મરે તો બધાં જ, બહુ ઓછા જીવી જાણે. (છેલવાણી)
એક માણસને રાત્રે ઝેરી સાપ કરડ્યો ને એને થયું કે ઝેર ચઢવાથી એ મરી જશે તો? એણે પત્નીને કહ્યું, `ડાર્લિંગ, આપણે સાથે મરી જઇએ તો આપણો પ્રેમ અમર થઇ શકે' અને તરત બિચારી બૈરીને બચકું ભર્યું! પછી બેઉ બેભાન. ઝેર ચઢ્યાને ઘણીવાર થવાથી પતિ તો ઝેર પચાવીને બચી ગયો, પણ પત્નીની સારવારમાં સહેજ ગડબડ થઇ એટલે એ દુ:ખિયારી દુનિયા છોડી ગઇ.
`મોતનું સરનામું' કોઇકને નામે હતું ને `કફનનો કાગળ' કોઇકને ત્યાં જઇ પહોંચ્યો! વળી એ મરનાર સ્ત્રીનું નામ `અમીરી દેવી' હતું, જેણે પતિ સાથે અમર થઇ જવા દિલની `અમીરી' દાખવીને જાન આપ્યો. અને ઝેર પચાવી જનાર પતિનું નામ `શંકર' હતું! વાહ રે દેવાધિદેવા મહાદેવા, રચ્યા તેં યોગાનુયોગ કેવા!
મોટેભાગે પ્રણયત્રિકોણમાં પતિને એની પત્ની જ નડતી હોય છે. પછી પત્નીનો કાંટો દૂર કરવા પતિ આડોઅવળો કે સીધો રસ્તો પણ અપનાવે ને એમાં પ્રેમિકા સાથ આપે. રોમાંસ હોય કે મહારાષ્ટ્ર-બિહારનું રાજકારણ, એમાં જાતજાતના ટ્વિસ્ટ આવે જ રાખે. (ગુજરાતમાં હવે એવી મજા રહી નથી)
ખેર, કર્ણાટકના દેવનહલ્લી શહેરમાં સતીશ, બંશી અને કલ્પનાનો લવ ટ્રાયએંગલનો ટેરિફિક કિસ્સો બન્યો. સતીશ અને બંશી ટિપિકલ મિડલક્લાસિયા પતિપત્ની. પછી સતીશ,યોગાનુયોગે યોગાટીચર કલ્પના પાસે આસનો શીખતા શીખતા `પ્રેમાસન'માં પડી ગયો. `પ્રાણાયામ' કરતાં કરતાં એકમેકનાં `પ્રાણ' એકાકાર થવા માંડ્યા. સતીશ કલ્પનાની `યોગસાધના', ધીમેધીમે `ભોગસાધના' બનવા માંડી. યોગાનુયોગે, પત્ની બંશીને આ `સંભોગ સે સમાધિ'ની ખબર પડી. પોતાના પતિ સતીશને છોડી દેવા યોગદેવી કલ્પનાને બંશીએ ખૂબ સમજાવી, પણ પેલી `હઠયોગી' પ્રેમિકા ના જ માની એટલે પત્ની બંશીએ કલ્પનાને સદાય માટે `શવાસન'માં પોઢાડી દેવા, કોઇ પ્રાઈવેટ ડિટેક્ટિવને સુપારી આપી.
હવે એ જાસૂસ, કલ્પનાના યોગાક્લાસમાં જોડાયો અને કલ્પના સાથે દોસ્તી વધારી. એ જબરા જાસૂસે, `હું પ્રોપર્ટી ડીલર છું અને મારી પાસે એક કમાલનો પ્લોટ છે' એવું કહીને એવો પ્લોટ રચ્યો કે યોગગુ કલ્પનાની બુદ્ધિ `શીર્ષાસન'માં જતી રહી અને એ ફસાણી. જાસૂસ કલ્પનાને જંગલમાં લઈ ગયો, ત્યાં એના સાથીઓની મદદથી કલ્પનાનું ગળું રસ્સીથી દબાવીને હત્યા કરી.
કલ્પના લગભગ તરફડી તરફડીને `શવાસન'માં સરી પડી. જાસૂસ અને સાથીઓ તરત ત્યાંથી ભાગ્યા પણ કલ્પનાએ તો કોઇને `કલ્પના' પણ ના આવે એવી રીતે `શ્વાસ રોકવાની ટેક્નિક અજમાવી'ને મરી જવાનો ઢોંગ કરેલો! આખરે હતી તો યોગાચાર્યા જ ને? પછી કલ્પનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી તો જાસૂસ, સાથીઓ અને સતીશની પત્ની બંશી ઝડપાઇ ગયા. તો હે વાચકો, કલ્પનાની આ ઘટના પરથી બોધ મળે છેઠ `યોગથી લાંબુ જીવાય તો ખં જ' પણ `મોતને પણ લાંબે ધકેલી શકાય!'
ઇન્ટરવલ:
જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઇ
ઘર જેટલી વિશાળ કોઇની કબર નથી. (બેફામ)
એકચ્યુઅલી, મોતમાં જે `રોમાંસ' ને `રોમાંચ' છે, એ જીવનમાં યે નથી. હોલિવૂડના નિર્દેશક અભિનેતા વૂડી એલન કહે છે: `ફોર આર્ટિસ્ટ, ડેથ ઇઝ અ ગૂડ કરિયર મૂવ' અર્થાત્ `ઘણીવાર મોત, એ કલાકારની કારકિર્દી માટે સારી ચાલ છે!'
કોલ્હાપુરમાં પણ મોત સાથે રીતસર થપ્પો મારીને આવનાર એક મજેદાર કિસ્સો બન્યો હતો.
વૃદ્ધ પાંડુરંગ ઉલ્પેનું હાર્ટએટેકથી મૃત્યુ થયું. અંતિમસંસ્કાર માટે પાંડુજીને એમ્બ્યુલન્સમાં લઈ જવાતા હતા ત્યારે એક ખાડા પર એંબ્યુલંસ ઊછળી એટલે પાંડુનો પરવારી ગયેલો આત્મા પણ ઉછળી, પલટી મારીને પૃથ્વી પર પરત પ્રગટ થયો! પાંડુજીનાં પગ સળવળ્યા, હાથ હલ્યા... પછી ઘરનાંઓ એમ્બ્યુલન્સને સ્મશાનને બદલે હોસ્પિટલ લઈ ગયા ને ત્યાં ડોક્ટરોએ પાંડુરંગને જીવતો જાહેર કર્યો. પછી સૌ `પાંડુરંગ-વિઠ્ઠલા..પાંડુરંગ વિઠ્ઠાલા...' એમ મરાઠી ભજન ગાતા ગાતા હસીખુશી ઘરે આવ્યા. કોણ કહે છે કે દેશની નગરપાલિકાઓ રસ્તા ખરાબ બનાવે છે? માણસનો જાન પાછો લાવે એવો ખાડો બનાવવો શું જેવું તેવું પ્રદાન કહેવાય? ખરેખર તો એ રોડના કોન્ટ્રાક્ટરનું ને કોલ્હાપુરનાં કરપ્ટ નગરસેવકનું, સાક્ષાત્ યમરાજના હસ્તે સન્માન થવું જોઇએ!
મોત, ખરેખર માનવીના તનમન સાથે સંતાકૂકડી રમતું હોય છે. યુરોપમાં એક ઇલેક્ટ્રિશિયનની મોટરબાઈક સાથે ટક્કર બાદ ડોક્ટરે મરેલો કહ્યો અને સાત જ કલાક પછી શબઘરના ફ્રીઝરમાં એ હલનચલન કરતો હતો. લોકો દોડી આવ્યા ત્યારે મરેલા ઇલેક્ટ્રિશિયને કહ્યું, `સાલાઓ, એ.સી. ઓછું કરો, આમાં તો હું ઠુઠવાઇને મરી જઇશ!'
1955માં વિવાદાસ્પદ, તોફાની-તેજાબી જર્મન અમેરિકન લેખક ચાર્લ્સ બુકોવ્સ્કી દિનરાતની શરાબખોરીને લીધે મોતની કગારે કોમામાં હતા. ડૉક્ટરોએ એમને ઓલમોસ્ટ મૃત જાહેર કરેલા પણ પછી સ્હેજ હોશ આવતા જ ડૉક્ટરોએ બુકોવસ્કીને બચાવી લીધા ને પછી એમને ચોખ્ખી ચેતવણી આપી: `જો હવે તમે એકપણ ટીપું શરાબનું પીશો તો તરત જ મરી જશો!' પણ નટખટ ને નિંભર ચાર્લ્સને હૉસ્પિટલમાંથી જેવી રજા મળી કે ટેક્સી પકડીને પાસેના પીઠામાં ગયા. આખી રાત દારૂ ઢીંચ્યો. બીજા દિવસે ખૂબ ઊલટીઓ થઈ, અંદરની બધી ગંદકી બાહર નીકળી ગઇ. ત્યાર બાદ તો બુકોવ્સ્કીએ પહેલું પુસ્તક પૂરું કર્યું. પછી ખૂબ નામના કે ટીકાઓ કમાઇને `નોટ્સ ઓફ અ ડર્ટી ઓલ્ડ મેન' જેવું બિંદાસ પુસ્તક લખ્યું, બીજા લગ્ન પણ કર્યાં ને અનેક વરસો પછી છેક 1994માં મર્યા!
એવા જ નશેડી લેખક બુકોવ્સ્કીને આજેય અમેરિકાની કાળીવરવી વાસ્તવિકતા ચીતરનારા લેખક તરીકે અમેરિકન સાહિત્યના ઈતિહાસમાં આદરથી યાદ કરાય છે.
ઈન શોર્ટ, મોતને મસ્ત મીઠું ચુંબન આપી આવનારા ઓર એક રંગીન આત્મા!
એંડટાઇટલ્સ:
આદમ: મર્યા પછી યાદ કરીશ મને?
ઈવ : અત્યારથી શેની ખોટી આશાઓ આપે છે?