Thu Jan 01 2026

Logo

White Logo

ડૅટિંગ ઍપ પર સંપર્કમાં આવેલી મહિલાએ : વેપારીને 53 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો

6 days ago
Author: Yogesh D Patel
Video

મુંબઈ: ડૅટિંગ ઍપ થકી મિત્રતા કર્યા બાદ મહિલાએ બાવન વર્ષના વેપારીને છેતરામણી યોજનામાં રોકાણ કરવા માટે પ્રેરિત કરીને 53 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.

ફરિયાદીનો લોજિસ્ટિક્સનો વ્યવસાય છે અને તે માર્કેટિંગ કંપની ચલાવે છે. ફરિયાદી લગ્ન કરવા માગતો હોવાથી તેણે ડૅટિંગ ઍપ પર અકાઉન્ટ ક્રિયેટ કર્યું હતું. બાદમાં તેને એક મહિલા યુઝરની ફ્રેન્ડ રિકવેસ્ટ પ્રાપ્ત થઇ હતી, જેણે પોતાની ઓળખ જુહુ વિસ્તારની રહેવાસી પ્રિયંકા ગુપ્તા તરીકે આપી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે તે પોતાના પતિથી અલગ થઇ ગઇ છે અને છ વર્ષની પુત્રી સાથે રહે છે. બાદમાં બંને વચ્ચે વ્હૉટ્સઍપ પર ચેટિંગ શરૂ થઇ હતી.

મહિલાએ તેને કહ્યું હતું કે તે વેપારી સાથે પરણવા માગે છે, નોકરિયાત સાથે નહીં. આથી બંનેએ ટૂંક સમયમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. 13 ઑક્ટોબરે મહિલાએ ફરિયાદીને કહ્યું હતું કે તેણે ‘માર્કેટ એક્સેસ કંપની’ નામની ફર્મ થકી ગોલ્ડ ટ્રેડિંગ કર્યું છે અને તેને આકર્ષક વળતરો મળ્યાં છે. તેણે ફરિયાદીને પણ રોકાણ કરવા માટે કહ્યું હતું.

આરંભમાં ફરિયાદીએ ખચકાટ અનુભવ્યો હતો, પણ બાદમાં તે રોકાણ કરવા માટે તૈયાર થયો હતો. મહિલાએ કંપનીના પ્લેટફોર્મ પર તેને માટે અકાઉન્ટ નિર્માણ કર્યું હતું અને સમયાંતરે ફરિયાદીએ 53.30 લાખ રૂપિયા જમા કર્યા હતા. અકાઉન્ટમાં વર્ચ્યુઅલ બેલેન્સ 1.08 કરોડ પહોંચ્યું હોવાનું જણાયું હતું. ફરિયાદીએ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે કંપનીના અધિકારીએ જમા રકમના 30 ટકા પહેલા ડિપોઝિટ કરવા પડશે, એવું જણાવ્યું હતું.

આટલી રકમની વ્યવસ્થા ન થતાં ફરિયાદીએ રોકાણની મૂળ રકમ રિફંડ કરવા કહ્યું હતું, પણ તેને કંપની તરફથી ઉડાઉ જવાબ આપવાનું શરૂ કરાયું હતું. દરમિયાન પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)