Thu Jan 01 2026

Logo

White Logo

વડોદરાથી કચ્છ ફરવા આવેલા પ્રવાસીઓની મીની બસ : અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ લાગી આગ, ૧૪ પ્રવાસીઓનો બચાવ...

3 days ago
Author: MayurKumar Patel
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: અકસ્માત ઝોન બની ચૂકેલા ભચાઉ તાલુકાના વોંધ ગામ પાસેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડોદરાથી રણોત્સવ માણવા કચ્છ આવેલા પ્રવાસીઓની ટેમ્પો ટ્રાવેલર બસની પાછળ વાહન ટકરાયા બાદ આ મીની બસ તેની આગળ લાકડાં ભરીને જઈ રહેલા ટ્રકની પાછળ અથડાયા બાદ મીની બસ તથા ટ્રકમાં વિકરાળ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. સદ્ભાગ્યે આ  બર્નિંગ બસમાં ફસાઈ ગયેલા ૧૪ મુસાફરોનો આબાદ બચાવ થતાં સૌએ રાહતનો દમ લીધો હતો. 

સમગ્ર ઘટનાક્રમ અંગે ભચાઉ અગ્નિશમન દળના પ્રવિણ દાફડાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડોદરાથી ટેમ્પો ટ્રાવેલર બસમાં વીજતંત્રના કર્મચારીઓ સહપરિવાર કચ્છમાં ફરવા આવ્યા હતા. ધોરડોમાં ચાલી રહેલા રણોત્સવની મુલાકાત લઈને ગત રાત્રીના અરસામાં પરત વડોદરા જઈ રહ્યા હતા. 

ટેમ્પો ટ્રાવેલર વોંધ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આગળ ધપી રહી હતી તે વેળાએ પાછળથી આવેલાં કોઈ અજાણ્યા આ મીની બસને ટક્કર મારતાં આગળ લાકડાનો જથ્થો ભરીને જતા ટ્રકમાં અથડાઈ જતાં બસના ઢોળાઈ ગયેલા ડિઝલમાં આગનું છમકલું થયું હતું અને જોતજોતામાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે દોડી ગયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક ટેમ્પો ટ્રાવેલર બસમાં ફસાઈ ગયેલા ૧૪ જેટલા મુસાફરો અને ચાલકને સહીસલામત રીતે બહાર કાઢયા હતા.

ભચાઉ અગ્નિશમન દળના અને ખાનગી કંપીના ફાયર ફાઇટરોએ આખી રાત સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગજનીના આ બનાવમાં બસ સળગીને રાખ ગઈ હતી તેમજ અમુક અંશે લાકડાના જથ્થાને પણ નુકશાન પહોંચ્યું હોવાનું પ્રવિણ દાફડાએ ઉમેર્યું હતું.