જયપુરઃ મુંબઈના ઓપનર અંગક્રિશ રઘુવંશીને અહીં શુક્રવારે ઉત્તરાખંડ સામે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટની રોમાંચક મૅચ દરમ્યાન ફીલ્ડિંગ દરમ્યાન ગરદનની નીચેના ભાગમાં અને માથામાં ઈજા થઈ હતી, પરંતુ સમયસરની સારવાર બાદ તેની તબિયત હવે ઘણી સારી છે અને સ્કૅનના રિપોર્ટમાં જણાવાયું છે કે તેની ઈજા ગંભીર નથી. અંગક્રિશને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે અને હૉટેલમાં પાછો આવી ગયો છે.
Angkrish Raghuvanshi injured pic.twitter.com/98cZulfUYY
— Rohit Kumar (@Rk2751) December 26, 2025
21 વર્ષના અંગક્રિશને ઉત્તરાખંડની 30મી ઓવર દરમ્યાન આ ઈજા થઈ હતી. વિકેટકીપર સંસ્કાર રાવતે (Sanskar Rawat) મુંબઈના ઑફ-સ્પિનર તનુશ કોટિયનના એક બૉલમાં સ્વીપ શૉટ માર્યો ત્યારે બૉલ હવામાં ઉછળતાં ડીપ મિડ-વિકેટ પર ઊભેલા અંગક્રિશે એક હાથે કૅચ ઝીલવાનો પ્રયત્ન કર્યો હતો. કૅચ ઝીલવા જતાં અંગક્રિશનું માથું નીચે પટકાયું હતું અને તેને માથામાં ઈજા થઈ હતી. માથાની ઈજા કંકશન તરીકે ઓળખાય છે.
અંગક્રિશ (Angkrish) થોડી ક્ષણો માટે બેઠો થઈ ગયો હતો, પરંતુ માથામાં અને ગરદનના નીચેના ભાગમાં તેને અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. તરત જ ટીમના ફિઝિયો મેદાન પર દોડી આવ્યા હતા.
અંગક્રિશ ફરી રમી નહીં શકે એવું પારખીને ફિઝિયો (Physio)એ તેને હૉસ્પિટલમાં લઈ જવાનું સૂચવ્યું હતું. તેના માટે સ્ટ્રેચર મગાવવામાં આવ્યું હતું અને મેદાનની બહાર ઊભી રાખવામાં આવેલી ઍમ્બ્યૂલન્સમાં સૂવડાવીને તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
એ પહેલાં, સવારે મુંબઈને પ્રથમ બૅટિંગ મળી હતી અને અંગક્રિશ 20 બૉલમાં એક ફોરની મદદથી 11 રન કરી શક્યો હતો. જોકે તેની અગાઉ રોહિત શર્મા (0) ગોલ્ડન-ડકનો શિકાર થયો હતો. અંગક્રિશે મુશીર ખાન સાથે બીજી વિકેટ માટે 18 રનની ભાગીદારી કરી હતી. મુંબઈએ છેવટે આ મૅચ 51 રનથી જીતી લીધી હતી.