મુંબઈમાં ઘર ખરીદવાનું સપનું તો લગભગ બધા જ લોકો જુએ છે, પરંતુ મુંબઈમાં ખરીદી કરવું એ અનેક લોકોના ખિસ્સાને પોષાય એવી બાબત નથી. મુંબઈમાં હાલમાં ઉચ્ચભ્રુ વર્ગના લોકો જ ઘર ખરીદી રહ્યા છે. પરિણામે મુંબઈ સહિત પુણે જેવા અનેક શહેરોમાં ઘરી ખરીદવાના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, લોકો મુંબઈ, પુણેમાં ઘર ખરીદવાને બદલે બીજી મુંબઈ ગણાતા નવી મુંબઈમાં ઘર ખરીદવાને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ પાછળનું કારણ એટલું જ કે મુંબઈ જેટલા જ પૈસામાં શહેરથી ભલે થોડું દૂર પણ મોટું ઘર ખરીદી શકાય.
મુંબઈ, પુણે જ નહીં પણ દેશના નવ મહત્ત્વના શહેરોમાં ઘરના વેચાણમાં ચોથા ત્રિમાસિકમાં 16 ટકાનો ઘટડો જોવા મળ્યો છે. ઓફિશિયલ આંકડા અનુસાર તો કુલ વેચાણમાં 98.19 યુનિટ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. 2021 પછીનો આ સૌથી ઘટી ગયેલો આંકડો છે.
રિપોર્ટમાં આપવામાં આવેલી બીજી માહિતી અનુસાર રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મુખ્યત્વે પુણેમાં 31 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય નવા ઘરના પુરવઠામાં પણ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ પાછળના કારણો વિશે વાત કરીએ તો કાચા માલના પુરવઠામાં જોવા મળેલો ઘટાડો, ગ્રાહકો દ્વારા આલિશાન ઘરને આપવામાં આવતી પસંદગીને કારણે ડેવલપર પણ સાવધાનીથી આગળ વધી રહ્યા છે.
મુંબઈમાં નવા પ્રોજેક્ટના લોન્ચિંગમાં સુધારો જોવા મળ્યો હોય તો પણ ઘરોના વેચાણમાં 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય થાણેમાં પણ હાલમાં નવા ઘરના સ્ટોકમાં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ દેશમાં જોવા મળેલો સૌથી મોટો ઘટાડો સાબિત થઈ રહ્યો છે.
દેશભરમાં રિયલ એસ્ટેટ સહિત ઈકોનોમી પર મંડરાઈ રહેલા મંદીના સંકટને જોતા નવી મુંબઈએ તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. નવી મુંબઈમાં ઘરના વેચાણમાં 13 ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં 17 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એકલી નવી મુંબઈ નહીં પણ દિલ્હી-એનસીઆરમાં પણ ઘરોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. અહીં ઘરના વેચાણમાં અનુક્રમે 13 ટકા અને 4 ટકાનો વધારો થયો હોવાના આંકડા સામે આવી રહ્યા છે.
વાત કરીએ નવી મુંબઈ ખાતે ઘર ખરીદીમાં જોવા મળેલાં વધારાની તો એના અનેક કારણો છે, પરંતુ પ્રમુખ કારણ એટલે મુંબઈમાં જેટલા રૂપિયામાં વન બી-એચ ફ્લેટ ખરીદી શકાય એટલા જ પૈસામાં નવી મુંબઈમાં 1.5 બીએચકે કે પછી ટુ-બીએચકે ફ્લેટ મળી જાય છે. આ સિવાય ધીરે ધીરે નવી મુંબઈ એ બીજું મુંબઈ બની રહ્યું છે. બેટર કનેક્ટિવિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે પણ વધુને વધુ લોકો મુંબઈ અને પુણેને છોડીને હવે નવી મુંબઈમાં ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.