મુંબઈઃ 2026ના નવા વર્ષને આવકારવા માટે દેશના નાગરિકો થનગની રહ્યા છે ત્યારે મુંબઈના લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. 31મી ડિસેમ્બરના રોજ ન્યુ યર સેલિબ્રેટ કરવા જનારા પ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવેએ મોડી રાતે સ્પેશિયલ લોકલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ માહિતી જાણી લેવી તમારા માટે જરૂરી છે.
મધ્ય રેલવેની સાથે સાથે જ હવે પશ્ચિમ રેલવે દ્વારા 31મી ડિસેમ્બરની રાતે ચાર અપ-ડાઉન સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ચાર સ્પેશિયલ લોકલ 31મી ડિસેમ્બરના રાતે 1.15 કલાકે, મોડી રાતે બે વાગ્યે, 2.30 કલાકે અને 3.24 કલાકે ચર્ચગેટથી રવાના થશે. અનુક્રમે આ ચારેય લોકલ વિરાર ખાતે મોડી રાતે 2.55 કલાકે, 3.40 કલાકે, વહેલી સવારે 4.10 કલાકે અને 5.05 કલાકે પહોંચશે.
અધિકારીએ આપેલી વધુ માહિતી અનુસાર વિરારથી ચાર સ્પેશિયલ ટ્રેન 12.15 કલાકે, 12.45 કલાકે, 1.40 કલાકે અને 3.05 કલાકે રવાના થઈને અનુક્રમે 1.55 કલાકે, 2.25 કલાકે, 3.20 કલાકે અને 4.45 કલાકે ચર્ચગેટ ખાતે પહોંચશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવે દ્વારા મેન લાઈન અને હાર્બર લાઈન એમ મળીને કુલ ચાર સ્પેશિયલ ટ્રેન 31મી ડિસેમ્બરના દોડાવવામાં આવશે. અધિકારીએ આપેલી માહિતી અનુસાર પહેલી સ્પેશિયલ લોકલ 31મી ડિસેમ્બરના રાતે 1.30 કલાકે સીએસએમટીથી રવાના થશે અને 3 વાગ્યે કલ્યાણ પહોંચશે. બીજી સ્પેશિયલ લોકલ ટ્રેન 1.30 કલાકથી કલ્યાણ સ્ટેશનથી રવાના થશે અને રાતે 3 વાગ્યે સીએસએમટી સ્ટેશન પહોંચશે.
હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર પહેલી સ્પેશિયલ લોકલ 1.30 કલાકે સીએમએમટીથી દોડાવવામાં આવશે અને 2.50 કલાકે પનવેલ સ્ટેશન પહોંચશે. બીજી સ્પેશિયલ લોકલ બુધવારે રાતે 1.30 કલાકે પનવેલ સ્ટેશનથી રવાના થશે અને સવારે 2.50 કલાકે સીએસએમટી રેલવે સ્ટેશન પહોંચશે.