અમદાવાદઃ 31 ડિસેમ્બરને હવે ગણતરીના જ દિવસોની વાર છે. અમદાવાદ અને તેની આસપાસના ફાર્મહાઉસમાં પોલીસના દરોડા વધતા પાર્ટી પ્રેમીઓ ગુજરાત બહાર જઈ રહ્યા છે. અત્યાર સુધી આ માટે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુ અને ઉદયપુર મોખરે હતા પરંતુ હવે ડુંગરપુર અને રતનપુર નવા પાર્ટી ડેસ્ટિનેશન બની રહ્યા છે.
રાજસ્થાનમાં દારૂ બંધી ન હોવાથી પાર્ટી પ્રેમીઓ ચિંતા વગર મહેફિલ માણી શકે છે. આ ટ્રેન્ડને કારણે ગુજરાતની સરહદે આવેલા જિલ્લાઓમાં હોટલની ક્ષમતામાં મોટો ઉછાળો આવ્યો છે, જેનાથી મુસાફરીનો સમય પણ બચે છે અને કોઈપણ ડર વગર ઉજવણી પણ કરી શકાય છે. સૂત્રો મુજબ છેલ્લા બે-ત્રણ વર્ષમાં આબુ રોડ, રતનપુર અને ડુંગરપુરમાં 1200 થી વધુ નવા હોટલ રૂમ શરૂ થયા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 31 ડિસેમ્બર માટે અમદાવાદીઓ, ગુજરાતીઓની પ્રથમ પસંદગી ઉદયપુર અને માઉન્ટ આબુ રહી છે, પરંતુ હવે Gen Zમાં રતનપુર અને ડુંગરપુર જેવા નવા ડેસ્ટિનેશન ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે. ઓછો મુસાફરી સમય, સસ્તી હોટલો અને પાર્ટી પેકેજ આ આકર્ષણ પાછળના મુખ્ય કારણો છે.
આ ઉપરાંત સૂત્રોએ કહ્યું, યુવાનો અને તેમના વાલીઓ ન્યૂ યર માટે ઉદયપુર જેવા સ્થળો પસંદ કરે છે. ત્યાં તેઓ કાયદાનો ભંગ કર્યા વિના તણાવમુક્ત પાર્ટી કરી શકે છે. ઉદયપુરમાં હોટલો 31 ડિસેમ્બર માટે 15,000 થી એક લાખ રૂપિયા સુધીના પેકેજ ઓફર કરી રહી છે. યુવાનો આજે કોઈ ગેરકાયદેસર પરિસ્થિતિમાં ફસાવા માંગતા નથી. તેથી જ પરિવારો પોતે જ એવા રાજ્યમાં જવાની સલાહ આપે છે જ્યાં દારૂબંધી નથી.
સૂત્રો મુજબ ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સૌંદર્ય અને વારસો હોવા છતાં, હોટલ માલિકો અને ટ્રાવેલ ઓપરેટરો માને છે કે દારૂબંધીને કારણે રાજ્ય પ્રવાસન વ્યવસાય ગુમાવી રહ્યું છે. કોવિડ પછી ઉદયપુર અને આસપાસના વિસ્તારોમાં પાર્ટીના ટ્રેન્ડમાં સ્પષ્ટ વધારો થયો છે. આબુ રોડ, રતનપુર અને ડુંગરપુરમાં આવેલા 1200 નવા રૂમ મુખ્યત્વે ગુજરાતી પ્રવાસીઓને કારણે જ બન્યા છે. હોટલ માલિકોની દલીલ છે કે જો ગુજરાતમાં દારૂને કાયદેસર કરવામાં આવે તો તેનાથી રાજ્યની આવકમાં મોટો વધારો થઈ શકે છે. હાલમાં તો મોટાભાગના લોકો 30 અને 31 ડિસેમ્બરના રોજ રાજ્ય બહાર જ રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.