Thu Dec 25 2025

Logo

White Logo

નાલાસોપારામાં યુવકની હત્યાના કેસમાં : ફરાર આરોપીની 16 વર્ષ બાદ ધરપકડ

12 hours ago
Author: Yogesh D Patel
Video

1998માં ઉત્તર પ્રદેશમાં પણ હત્યા કરી હોવાની આરોપીની કબૂલાત

પાલઘર: નાલાસોપારામાં યુવકની હત્યાના કેસમાં ફરાર 42 વર્ષના આરોપીને પોલીસે 16 વર્ષ બાદ નાયગાંવથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ અવિનાશ લાલતાપ્રસાદ સોની તરીકે થઇ હોઇ તેણે 1998માં ઉત્તર પ્રદેશના આઝમગઢમાં પણ મિત્રો સાથે મળી એક વ્યક્તિની હત્યા કરી હોવાનું પૂછપરછમાં કબૂલ્યું હતું.

મીરા રોડ પૂર્વમાં સાઇબાબા નગરમાં રહેનારો વિનોદ શંકરલાલ જયસ્વાલ નામનો યુવક એપ્રિલ, 2009માં દલાલીના પૈસા લેવા નાલાસોપારા પૂર્વમાં ગયો હતો, જ્યાં આરોપી અવિનાશ સોનીએ કિરણ ધર્મેન્દ્ર, કૈલાસ યાદવ તથા વિનય ઉર્ફે અજય સાથે મળીને વિનોદ જયસ્વાલના હાથ-પગ રસ્સીથી બાંધી દીધા બાદ ગળું દબાવીને તેની હત્યા કરી હતી. આ પ્રકરણે નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.

આ કેસમાં મુખ્ય આરોપી અવિનાશ સોની ફરાર હતો અને પોલીસ ઘણાં વર્ષોથી તેની શોધ ચલાવી રહી હતી. આરોપી અવિનાશ ગુનો આચર્યા બાદ મધ્ય પ્રદેશ ભાગી છૂટ્યો હતો અને ત્યાં પોતાની ઓળખ બદલીને રહેતો હતો. તાજેતરમાં તે પાલઘર જિલ્લામાં આવ્યો હતો, જેની માહિતી પોલીસ અધિકારીઓને મળી હતી. આથી પોલીસ ટીમે નાયગાંવ પૂર્વમાં 22 ડિસેમ્બરે છટકું ગોઠવ્યું હતું અને અવિનાશને ઝડપી પાડ્યો હતો.

અવિનાશે પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે તેણે 1998માં ઉત્તર પ્રદેશના આઝમગઢમાં ચાર મિત્રો સાથે મળીને હોળીને દિવસે એક વ્યક્તિની હત્યા કરી હતી. આરોપીની કબૂલાત બાદ પોલીસ અધિકારીઓએ આઝમગઢની કોતવાલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો.