Mon Dec 22 2025

Logo

White Logo

બંગાળમાં ખરાબ હવામાનને કારણે પીએમ મોદીનું હેલિકોપ્ટર ઉતરી શક્યું નહીં: : હવે વર્ચ્યુઅલ સંબોધન કરશે

2 days ago
Author: Tejas Rajpara
Video

પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર નદિયા જિલ્લાના તહેરપુર હેલીપેડ પર ઉતરાણ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી અત્યંત ઓછી હોવાથી હેલિકોપ્ટરને હેલીપેડ ઉપર જ હવામાં રહેવું પડ્યું હતું, પરંતુ સુરક્ષાના કારણોસર ઉતરાણ શક્ય ન બનતા અંતે પીએમનું હેલિકોપ્ટર પરત કોલકાતા એરપોર્ટ પર ઉતર્યું હતું.

વડાપ્રધાન મોદી સવારે 10:40 વાગ્યે કોલકાતા પહોંચ્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે તહેરપુર જવા રવાના થયા હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય બંગાળમાં મહત્વના હાઈવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાનો અને ભાજપની 'પરિવર્તન સંકલ્પ સભા' ને સંબોધિત કરવાનો હતો. જોકે, હવામાનના અવરોધ બાદ હવે વડાપ્રધાન એરપોર્ટ પરથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જનસભાને સંબોધન કરે તેવી શક્યતા છે.

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન પશ્ચિમ બંગાળને આશરે 3200 કરોડ રૂપિયાના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સની ભેટ આપવાના છે. જેમાં નદિયા જિલ્લામાં NH-34 ના બરજાગુલી-કૃષ્ણનગર સેક્શનના ફોર-લેનનું ઉદ્ઘાટન અને ઉત્તર 24 પરગણા જિલ્લામાં  17.6  કિલ્લોમીટર લાંબા બારાસાત-બરજાગુલી સેક્શનના ફોર-લેનનું ખાતમુહૂર્ત સામેલ છે. આ પ્રોજેક્ટ્સથી કોલકાતા અને સિલીગુડી વચ્ચે કનેક્ટિવિટી વધશે, જેનાથી રાજ્યમાં વેપાર અને પર્યટનને મોટો વેગ મળશે.

વડાપ્રધાનનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે પશ્ચિમ બંગાળમાં 'S.I.R' (Special Information Revision) પ્રક્રિયાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસનો આરોપ છે કે આ પ્રક્રિયા ઉતાવળમાં કરવામાં આવી રહી છે, જેના કારણે 58 લાખથી વધુ લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટીએમસીના 'કુશાસન' અને 'લૂંટ' સામે આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે બંગાળની જનતા હવે ભાજપ તરફ આશાની નજરે જોઈ રહી છે.