Mon Dec 15 2025

Logo

White Logo

પિગ બુચારિંગ : ઝડપથી પૈસા કમાવવાનું ચક્કર મુશ્કેલી સર્જી શકે

11 hours ago
Author: Mumbaisamachar Team
Video

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

દેશમાં અનેક સાયબર ફ્રોડના કેસ થયા છે. દરેક સાયબર ફ્રોડમાં નવા નવા પેંતરા સામે આવતા ડિજિટલ સુરક્ષા કેટલી એ અંગે મતમતાંર છે. નવી નવી એપ્લિકેશનથી સવલત તો ઊભી થઈ રહી છે. આ સાથે સમસ્યાઓ પણ પાર વગરની સર્જાઈ રહી છે. 
લોભામણી જાહેરાતો અને ઓનલાઈન શોપિંગને મળતી આવતી લિંકથી થતા ફ્રોડ સામાન્ય થતા જાય છે. છેલ્લાં બે વર્ષથી ઓનલાઈન ફ્રોડની દુનિયામાં બે નવા પેંતરાએ સૌને ચોંકાવ્યા છે. એ છે ડિજિટલ અરેસ્ટ અને પિગ બુચારિંગ. 

ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલી વ્યક્તિ કોઈ ફરિયાદ જ ન કરે અને ચોક્કસ સમય બાદ ફરી એ જ પીડિતને છેતરવામાં આવે તો? આ જ વાતને થોડી વધુ સરળતાથી સમજીએ. 

ધારો કે કોઈ એક સોસાયટીમાં ચોરી થઈ હોય એ અન્ય ચોર ટોળકીને ખબર હોય. પોલીસ તપાસ સુધી મામલો પહોંચ્યો હોય. ચોક્કસ સમયગાળા બાદ એ જ સોસાયટીના બીજા ઘરમાં ચોરી બીજી ટોળકી દ્વારા થાય ત્યારે એ નક્કી થાય કે, ટોળકીને એટલી ખબર છે કે, સોસાયટીમાં પૈસાદારો રહે છે.

 આ જ પેંતરો હવે ડિજિટલ પ્લેટફોર્મ પર શક્ય છે. નોકરી આપવાના બહાને કે ઓનલાઈન કમાવી દેવાના બહાને સાયબર ગઠિયાઓ એક એવું નેટવર્ક ઊભું કરે જેમાં તમને શરૂઆતમાં પૈસા આપે અને પછી તમારી તિજોરીનું તળીયું દેખાડી દે. જુદી જુદી જોબસાઈટ પર પોતાના મોબાઈલ નંબરથી જોબ શોધતા યુવાનો આ  સ્કેમનો પહેલો ટાર્ગેટ હોય છે. શિકાર જાળમાં ફસાયો છે એ જાણ્યા બાદ ફેક ફોન કોલ્સ જ નહીં, ખાતામાં પૈસા સુધીની વ્યવસ્થા થઈ જાય છે. વસ્તુ વિશ્વસનીય છે એનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે, ગઠિયાઓ ગૂગલ સર્વિસનો ઉપયોગ કરે છે. 

‘પિગ બુચારિંગ’ કે ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ આજે દુનિયાભરમાં થાય છે. એવી વ્યક્તિના મોબાઈલ નંબર અને એકાઉન્ટ ડિટેઈલ પર ફોક્સ થાય છે, જે મહિનામાં લાખો-કરોડોની હેરફેર કરે છે. અથવા જે નોકરી-ધંધાની શોધમાં છે અને નજીવી ફી ભરી શકે છે.  જોકે  જેના ખાતામાં લાખો રૂપિયા છે એનો પહેલા શિકાર થાય છે. સૌ પ્રથમ જોબ વેબસાઈટમાં શેર થતાં નંબર પર ફોક્સ થાય છે. આ નંબર સિવાય સોશ્યલ મીડિયા કે મેસેજિંગ એપથી તેમ જ ડેટા સાયન્સની મદદથી એ જાણકારી લેવામાં આવે છે કે, શિકારને ખરેખર ગમે છે શું.

આ પછીના તબક્કામાં એ વ્યક્તિને એના ગમતા ક્ષેત્રમાં જોબ કે એસ્યોર ગિફ્ટની ઓફર કરવામાં આવે છે. ટોકન મની રૂપે કે ફી રૂપે પૈસા ભરાવવામાં આવે છે. ગિફ્ટની વાત હોય તો ગિફ્ટ પ્લસ એકાઉન્ટ નંબરથી એ જાણવામાં આવે છે ખાતું એક્ટિવ છે કે નહીં. પછી શરૂ થાય છે અસલી ખેલ. 

પિગ બુચારિંગનો પહેલો કેસ વર્ષ 2016માં થયો હતો, જેમાં એક સ્કિમ આપવામાં આવતી હતી કે, ઓનલાઈન શોપિંગથી ચોક્કસ કિંમતની વસ્તુ ખરીદો એટલે બીજા પૈસાનો કેશ બેનિફિટ. ફેસબુક, ઈન્સ્ટા કે ટ્વિટર એકાઉન્ટથી બેઝિક માહિતી લઈને એવી સ્કિમ આપવામાં આવે, જે પહેલી નજરે જોતા ઓફિશિયલ હોય એવું લાગે. પછી એ લિંક કે સ્કિમ અંગે વાંચવા-જાણવા ક્લિક કરો એટલે ફોનનું મોનિટરિંગ શરૂ થાય. જેમાંથી વાત છેક ખાતા નંબર સુધી પહોંચે. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ સુધી પહોંચે. એવું નથી કે, ગઠિયાઓ એક જ ઝાટકે લૂંટી લે. પહેલા વસ્તુઓ અને સ્કિમનો લાભ આપે અને ચોક્કસ સમય બાદ લૂંટવાનું શરૂ કરે. વિશ્વાસ પાક્કો થયા બાદ વધુ ખરીદી કરવા કે સ્કિમ આપવાનું શરૂ થાય.

 વ્યક્તિ એમાં ન પડે તો સતત ફેક ઓફર્સનો મારો શરૂ થાય. એક સમયે વસ્તુ ફ્રીમાં આપવા સુધીની ઓફર થાય જેની ડાયરેક્ટ લિંક જે તે મેસેજિંગ એપ પર મળે. જેમાં નામ-નંબર, લોગો અને કંપનીના લોકલ એડ્રેસ સુધીનું બધુ સાચું હોય પણ ગઠિયો સાત સમંદર પાર બેઠો હોય. ફ્રીની લાલચે એના પર ક્લિક કે ઓર્ડર આપ્યા બાદ તિજોરી ખાલી થવાનું શરૂ થાય. જેમાં જે તે ક્યૂઆર કે નંબર પર પૈસા ક્રેડિટ કર્યા એના ડાયરેક્ટ મેસેજ જ આવે. આવું થાય ત્યારે વ્યક્તિ ફોન સ્વિચઓફ કરી દે તો પણ રકમ કપાવવાનું શરૂ જ રહે. કારણ કે, સોફ્ટવેરની મદદથી એમના જ સાગરિતોના મોબાઈલ નંબર પર એક જ એકાઉન્ટમાંથી રકમ પર ટ્રાંઝેક્શન આપવામાં આવ્યા હોય છે. પછી આ તમામ નંબર બંધ થઈ જાય છે અને જેને લિંક મોકલી હોય એનો ફોન પણ સ્વિચઓફ થઈ જાય છે. આની ફરિયાદ રૂપે મામલો ગંભીરતાથી લેવાય છે, પણ ગઠિયો મળશે કે નહીં એની કોઈ ગેરેન્ટી હોતી નથી. લોન એપ્લિકેશન, ઝીરો વ્યાજની લોન, લોન પે ગિફ્ટ, લોન સ્કિમ, વન ક્લિક પર લોન અને ઈઝી મની જેવા શબ્દો ગઠિયાઓના છે, જેના દ્વારા પિગ બુચારિંગ થયેલા છે.

ચાર વર્ષ પહેલા આપણા જ દેશમાંથી ‘શોપિંગ કુપન્સ ઓન ટેલિગ્રામ’ નામના વર્ડથી ચીન-મલેશિયા અને હોંગકોગ સુધી પૈસા ઠલવાયા હોવાના રિપોર્ટ છે. દેશના ગૃહમંત્રાલયે આવા કેસની નોંધ લઈને દરેક રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સાયબર ગાઈડલાઈન્સ જાહેર કરી હતી, જેમાં આ પ્રકારના પેંતરાને વિગતવાર સમજાવવામાં  આવ્યા હતા. સાવધાની એ જ સુરક્ષા છે. બને ત્યાં સુધી મોબાઈલમાં આવતી લિંક કે સ્કિમને તપાસ્યા વગર ક્લિક ન જ કરો એ જ હિતકારી પગલું છે.

આઉટ ઓફ ધ બોક્સ

એક વર્ષમાં ટેલિગ્રામ ફ્રોડ સંબંધીત કેસની સંખ્ય ા 7000થી વધારે છે. ક્લાઉડ ક્નેક્ટ અને સ્પેસ ફ્રી એપના કારણે આનો આંધળો ઉપયોગ મુશ્કેલી સર્જી શકે છે.