Thu Jan 01 2026

Logo

White Logo

આતંકી ખતરો અને સુરક્ષાના કારણે વિશ્વના અનેક શહેરોમાં ન્યૂ યરના કાર્યક્રમો રદ : ---

3 days ago
Author: Tejas Rajpara
Video

નવી દિલ્હી: વર્ષ 2025 પૂર્ણ થવાને આરે છે અને નવા વર્ષની ઉજવણી માટે દેશ વિદેશમાં ભારો ભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વર્ષે ન્યૂ યર ઈવની ઉજવણી પર સુરક્ષાના ખતરાની અસર જોવા મળી રહી છે. વિશ્વના અનેક મોટા શહેરોએ આતંકી હુમલાની ધમકીઓ, તાજેતરની હિંસક ઘટનાઓ અને ભીડને કારણે થતા જોખમોને ધ્યાનમાં રાખીને જાહેર કાર્યક્રમો રદ કર્યા છે અથવા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક સત્તાધીશો દ્વારા લેવાયેલા આ નિર્ણયોનો મુખ્ય હેતુ જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને અપ્રિય ઘટનાઓને ટાળવાનો છે.

તાજેતરમાં અમેરિકાના લોસ એન્જલસમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બોમ્બ વિસ્ફોટ કરવાનું મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. એફબીઆઈ (FBI) ના અહેવાલ મુજબ, ચાર શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેઓ રણમાં હુમલાનું રિહર્સલ કરી રહ્યા હતા. આ શંકાસ્પદ લોકો અનેક સ્થળોએ વિસ્ફોટકોથી હુમલો કરવાની યોજના ધરાવતા હતા. જોકે, અધિકારીઓએ સમયસર દરમિયાનગીરી કરીને આ સાજિશને નાકામ કરી દીધી છે. લોસ એન્જલસમાં કાર્યક્રમો રદ નથી કરાયા, પરંતુ સુરક્ષા વ્યવસ્થાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે.

ફ્રાન્સની રાજધાની પેરિસમાં ચેમ્પ્સ-એલિસીસ પર યોજાનાર ન્યૂ યર મ્યુઝિક કોન્સર્ટને રદ કરી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અનિયંત્રિત ભીડ અને નાસભાગના જોખમને ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે. જોકે, આર્ક ડી ટ્રાયમ્ફ પર આતશબાજી થશે, પરંતુ લાઈવ પ્રદર્શનને બદલે રેકોર્ડેડ સંગીત વગાડવામાં આવશે. તેવી જ રીતે, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ બોન્ડી બીચ પરના કાર્યક્રમો રદ કરાયા છે. આ મહિનાની શરૂઆતમાં થયેલા આતંકી હુમલા અને યહૂદી સમુદાય પ્રત્યે એકતા દર્શાવવા માટે સ્થાનિક કાઉન્સિલ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

જાપાનના ટોક્યોમાં ભીડભાડ અને સંભવિત હુમલાઓના જોખમને ટાળવા માટે પ્રખ્યાત 'શિબુયા કાઉન્ટડાઉન' કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. શિબુયાના મેયરે સ્પષ્ટ કર્યું છે કે વહીવટીતંત્રનું મુખ્ય ધ્યાન ભીડને કારણે થતા અકસ્માતો રોકવા પર છે. આ ઉપરાંત, સર્બિયાના બેલગ્રેડમાં પણ સત્તાવાર ઉજવણી ન કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ, ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર પરંપરાગત 'બોલ ડ્રોપ' કાર્યક્રમ સાથે આગળ વધી રહ્યું છે, જ્યાં લાખોની ભીડને કાબૂમાં રાખવા માટે અમેરિકાની સૌથી સખત પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.