શિરડીમાં સાઈ બાબાનું મંદિર આખી રાત ખૂલ્લું રાખવામાં આવશે
નવી દિલ્હી: નવા વર્ષ નિમિત્તે ભગવાનના આશીર્વાદ લેવા માટે દેશના જાણીતા મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. કાશીથી લઈને વૈષ્ણવોદેવી અને અયોધ્યાથી લઈને રામેશ્વરમ સુધીના દરેક મંદિરોમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી છે. ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે મંદિર ટ્રસ્ટો અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ ગાઈડલાઈન્સ અને એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
મથુરા-વૃંદાવનમાં સ્થિતિ એટલી ગંભીર છે કે બાંકે બિહારી મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓને અત્યારે વૃંદાવન નહીં આવવા માટે વિનંતી કરી છે. હોટલ અને ગેસ્ટ હાઉસ ફૂલ થઈ ગયા છે અને હજારોની ભીડને કારણે ધક્કામુક્કીની સ્થિતિ સર્જાય છે. બીજી તરફ, શિરડી સાઈબાબાના ભક્તો માટે સારા સમાચાર છે. નવા વર્ષના સ્વાગત માટે 31 ડિસેમ્બરે શિરડી મંદિર આખી રાત ભક્તો માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તો બીજી બાજું બાબા વિશ્વનાથની નગરી કાશીમાં અત્યારે દરરોજના ત્રણથી 4 લાખ ભક્તો ઉમટી રહ્યા છે, જેના કારણે 2 જાન્યુઆરી સુધી 'સ્પર્શ દર્શન' પર રોક લગાવી દેવામાં આવી છે. મંદિરની બહાર 2-2 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. તેવી જ રીતે રામનગરી અયોધ્યામાં રામલલાના દર્શન માટે દરરોજ 1 લાખથી વધુ ભક્તો પહોંચી રહ્યા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, નવા વર્ષ પર આ સંખ્યા 2 લાખને પાર પહોંચી શકે છે. આ પરિસ્થિતીને પહોંચી વળવા માટે પોલીસે ખાસ બેરિકેટિંગ અને સીસીટીવી મોનિટરિંગ શરૂ કર્યુ છે.
જ્યારે માતા વૈષ્ણો દેવીના દર્શને જતા યાત્રિકો માટે શ્રાઈન બોર્ડે કડક નિયમો લાગુ કર્યા છે. હવે શ્રદ્ધાળુઓએ RFID કાર્ડ મેળવ્યાના 10 કલાકની અંદર પોતાની યાત્રા શરૂ કરવી પડશે. એટલું જ નહીં, દર્શન કર્યાના 24 કલાકમાં બેઝ કેમ્પ પર પરત ફરવાનું ફરજિયાત છે. ભીડને નિયંત્રિત કરવા માટે દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. પહાડોમાં વધતી ઠંડી અને ભક્તોના ધસારાને જોતા સુરક્ષા દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.