Thu Jan 01 2026

Logo

White Logo

ઓડિશામાં સુરક્ષા દળોને મોટી સફળતા: : 1 કરોડના ઈનામી નક્સલી કમાન્ડરનું એન્કાઉન્ટર

6 days ago
Author: Tejas Rajpara
Video

ઓડિશામાં સુરક્ષા દળોએ ક્રિસમસના દિવસે નક્સલવાદની કમર તોડી નાખતું એક અત્યંત સફળ ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્યમાં માઓવાદી ગતિવિધિઓના માસ્ટરમાઇન્ડ અને સીપીઆઈ (માઓઇસ્ટ)ના સેન્ટ્રલ કમિટી મેમ્બર ગણેશ ઉઇકેને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા આ કુખ્યાત કમાન્ડર પર 1.1 કરોડ રૂપિયાનું ઈનામ હતું. આ ઓપરેશન માત્ર એક એન્કાઉન્ટર નથી, પરંતુ દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાની દિશામાં એક નિર્ણાયક પગલું માનવામાં આવે છે.

આ ઓપરેશન કોઈ એક ટીમનું નહીં, પરંતુ સ્પેશિયલ ફોર્સ SOG, CRPF અને BSFનું સંયુક્ત અભિયાન હતું. ગુપ્તચર વિભાગ પાસેથી મળેલી સચોટ માહિતીના આધારે કંધમાલ અને ગંજામ જિલ્લાની સરહદ પર આવેલા રામ્પાના ગીચ જંગલોમાં ઘેરાબંધી કરવામાં આવી હતી. જવાનોને જોતા જ નક્સલીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારે ગોળીબાર બાદ પોલીસે ઘટનાસ્થળેથી ગણેશ ઉઇકે સહિત કુલ ચાર નક્સલીઓના મૃતદેહ મેળવ્યા છે, જેમાં બે મહિલા કેડરનો પણ સમાવેશ થાય છે.

69 વર્ષીય ગણેશ ઉઇકે માઓવાદી સંગઠનમાં અત્યંત મહત્વનું પદ ધરાવતો હતો. તે માત્ર ઓડિશા જ નહીં, પરંતુ છત્તીસગઢ સહિત કુલ 7 રાજ્યમાં મોસ્ટ વોન્ટેડ હતો. તે સાઉથ સબ ઝોનલ ઈન્ચાર્જ તરીકે કાર્યરત હતો અને રાજ્યમાં મોટા હુમલાઓનું આયોજન કરતો હતો. તેની પાસેથી બે ઇન્સાસ (INSAS) રાઇફલ અને એકે .૩૦૩ રાઇફલ જેવા હથિયારો મળી આવ્યા છે. તેની મોતના સમાચારથી નક્સલી સંગઠનોને મોટો આંચકો લાગ્યો છે અને પ્રદેશમાં તેમનું નેટવર્ક છિન્નભિન્ન થઈ ગયું છે.

કેન્દ્ર સરકારે માર્ચ 2026 સુધીમાં સમગ્ર દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ (LWE) ને સંપૂર્ણપણે ખતમ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ઓડિશામાં થયેલું આ ઓપરેશન તે જ મિશનનો એક ભાગ છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના મતે ગણેશ ઉઇકેનું મોત એ આ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટેનું એક મોટું પગલું છે. હાલમાં પણ જંગલના અંતરિયાળ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ ચાલુ છે જેથી અન્ય છુપાયેલા નક્સલીઓને શોધી શકાય.