Sat Dec 13 2025

Logo

White Logo

મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થશે? : જાણો મહત્ત્વની અપડેટ

13 hours ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓ બાદ રાજ્યનું ધ્યાન હવે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ પર છે. મુંબઈ અને થાણે સહિત રાજ્યની 29 મ્યુનિસિપલ ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નગરપાલિકાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે તે લગભગ નક્કી છે અને હવે તેની તારીખો અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર 14 ડિસેમ્બરે પૂરું થવાનું છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી છે કે સાત-આઠ વર્ષથી રખડી પડેલી ચૂંટણીઓ 15 ડિસેમ્બર પછી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. રાજ્યમાં 100થી વધુ મોટા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન સમારોહ 15 ડિસેમ્બરના  યોજાશે તેવું જાણવા મળ્યું છે. એટલા માટે 15 ડિસેમ્બર પછી ચૂંટણી આચારસંહિતા લાગુ થવાની શક્યતા છે. ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે અને ચૂંટણી પ્રક્રિયા ઝડપી થશે.

રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી, નાગપુર અને ચંદ્રપુરમાં 50 ટકાથી વધુ OBC અનામત છે. જોકે, ચૂંટણી પંચે પહેલા જ બાકીની 27 મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે રસ્તો ખુલ્લો હોવાનો સંકેત આપી દીધો હતો. તેથી, હવે બધાનું ધ્યાન આગામી સપ્તાહે ચૂંટણી પંચના નિર્ણય પર છે. આ વર્ષની ચૂંટણી પ્રક્રિયા ફક્ત 30 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. 2017માં જાહેરાત અને મતદાન વચ્ચે બે મહિનાથી વધુનો સમય હતો.

ચૂંટણી પંચ 14 કે 15 જાન્યુઆરીએ ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યું હોવાની ચર્ચા છે. જો ચૂંટણી સોમવાર કે શુક્રવારે યોજાય તો નાગરિકો શનિવાર રવિવારની રજાઓ જોડીને બહાર જતા રહે છે જેના કારણે મતદાનની ટકાવારી ઘટી જાય છે, આ અનુભવને ધ્યાનમાં રાખીને મતદાન 14 જાન્યુઆરી અથવા 15 જાન્યુઆરીએ યોજાવાની શક્યતા છે.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ક્યારે યોજાશે?

રાજ્યમાં સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. મુંબઈ મહાનગરપાલિકામાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તેથી, ઠાકરે બંધુઓ અને મહાયુતિ સામસામે આવે તેવી શક્યતા છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ઉદ્ધવ ઠાકરે માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. શિવસેનામાં ભાગલા પડ્યા બાદ ઉદ્ધવ ઠાકરે સામે મુંબઈ મહાનગરપાલિકા જાળવી રાખવાનો પડકાર છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં યોજાવાની શક્યતા છે.