Wed Jan 07 2026

Logo

White Logo

મુખ્ય પ્રધાનના પીએ અને ડીસીપીના : પતિના સ્વાંગમાં 74 લાખની છેતરપિંડી

3 weeks ago
Author: yogesh c patel
Video

મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) અને ડીસીપીના પતિના સ્વાંગમાં ઠગે સાંતાક્રુઝના ગુજરાતી પાસેથી 74 લાખ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
સાંતાક્રુઝ પોલીસના જણાવ્યા મુજબ અલ્પેશ રતિલાલ પટેલની ફરિયાદને આધારે આરોપી વૈભવ પરેશ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર આ વર્ષના ફેબ્રુઆરીમાં પટેલ ઠક્કરના સંપર્કમાં આવ્યો હતો. ઠક્કરે દાવો કર્યો હતો કે તે મુખ્ય પ્રધાનનો પીએ છે અને તેની પત્ની મુંબઈમાં ડેપ્યુટી પોલીસ કમિશનર પદે છે. પટેલ વિરુદ્ધ નોંધાયેલા ચાર કેસમાં મદદરૂપ થવાની ખાતરી ઠક્કરે આપી હતી. આ કામ માટે તેણે પટેલ પાસેથી 74 લાખ રૂપિયા લીધા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ઠક્કર લક્ઝુરિયસ એસયુવીમાં બૉડીગાર્ડ્સ સાથે ફરતો હોવાથી પટેલને તેના પર કોઈ શંકા ગઈ નહોતી. જોકે બાદમાં તેની વિરુદ્ધના એકેય કેસમાં કોઈ પ્રગતિ ન જણાતાં પટેલે ઠક્કરની પૂછપરછ કરી હતી. ઉડાઉ જવાબ આપનારા ઠક્કરે વધુ 76 લાખ રૂપિયાની માગણી કરી હતી.

દરમિયાન એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના એક કેસમાં ઠક્કરની ધરપકડ કરાઈ હોવાના સમાચાર પટેલે અખબારમાં વાંચ્યા હતા. તરત જ પટેલે સાંતાક્રુઝ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)