નવી દિલ્હીઃ સ્થાનિક યુરિયા ઉત્પાદકોની છેલ્લાં 25 વર્ષથી ફિક્સ્ડ ભાવમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો હોવાની ફરિયાદને ધ્યાનમાં લેતા સરકાર આ વર્ષના અંત સુધીમાં 30 ગૅસ આધારિત યુરિયા ઉત્પાદકોના ફિક્સ્ડ કૉસ્ટ પેમેન્ટમાં વધારો કરવાની યોજના ધરાવે છે, એમ ફર્ટિલાઈઝર સક્રેટરી રજત કુમાર મિશ્રાએ તાજેતરમાં જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ફિક્સ્ડ કૉસ્ટમાં પગાર, પ્લાન્ટ મેઈન્ટેનન્સ, સહિતની કાર્યકારી મૂડીની આવશ્યકતાનો સમાવેશ થાય છે તેમાં વર્ષ 2000થી અત્યાર સુધીમાં ફુગાવામાં વધારો થયો હોવા છતાં વધારો કરવામાં નથી આવ્યો, એમ ગત બુધવારે ફર્ટિલાઈઝર એસોશિયેસન દ્વારા યોજાયેલા એક કાર્યક્રમ પશ્ચાત્ પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું.
અમે ટૂંક સમયમાં નિર્ણય લેશું... મારા મતે બહુ જલ્દી નિર્ણય આવશે આથી આપણે આશા રાખીએ કે આ વર્ષના અંત સુધીમાં તો નિર્ણય આવી જશે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે આ નિર્ણય માટે કેબિનેટની મંજૂરીની જરૂર નથી, મંત્રાલયના સ્તરથી લેવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે હજુ ભાવ નક્કી નથી કર્યા. જો ભાવમાં વધારો કરવામાં આવશે તો તે પહેલી અપિપ્રલ, 2025થી અમલી થશે અથવા તો પહેલી એપ્રિલ, 2014નાં નિર્ધારિત થયેલા લઘુતમ ટનદીઠ રૂ. 2300ના ભાવ યથાવત્ રહેશે. ટૂંકમાં કહું તો અમે અસરકારક રીતે તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે અર્થાત એક અથવા તો તબક્કાવાર એ બધુ નક્કી કરીશું.
હાલમાં કંપનીઓને ટનદીઠ રૂ. 2800થી 3000નું વળતર મળે છે.આ ઉપરાંત ટનદીઠ અતિરિક્ત રૂ. 350 માર્ચ, 2020માં વધારવામાં આવ્યા હતા જેનો પાછળથી ફ્લોર ભાવમાં ઉમેરો કરવામાં આવ્યો હતો. જોકે, ફર્ટિલાઈઝર એસોશિયેશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ એસ શંકરસુબ્રમણિયને જણાવ્યું હતું કે એકમોને કાર્યરત રાખવા અને આ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહિત કરવા માટે ફિક્સ્ડ કૉસ્ટમાં સમયસર સુધારા કરવા આવશ્યક છે.