અમદાવાદ/નવી દિલ્હીઃ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહી છે. પવન 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યો છે.જ્યારે અમુક વિસ્તારોમાં તેની ઝડપ 25 કિ.મી. પ્રતિ કલાક સુધીની રહી છે. ત્યારે 15 ડિસેમ્બર સુધીમાં પહેલા પવનની ગતિ થોડી વધીને ફરીથી પવનની ગતિ સામાન્ય થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો નીચો જઇ શકે છે. જો કે આગામી 5 દિવસ બાદ ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં લઘુતમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું. 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. રાજ્યમાં 14 ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં 12 ડિગ્રી નજીક લઘુતમ તાપમાન નોંધાયું હતું.
દેશમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ અનુસાર 13 ડિસેમ્બર, શનિવારના રોજ દિલ્હીમાં આકાશ આંશિક વાદળછાયું રહેશે. સવારે અને સાંજે રસ્તાઓ પર હળવું ધુમ્મસ છવાયેલું રહેશે. પહાડી રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે જતાં પાણી થીજવવા લાગ્યો છે, જ્યારે ગંગા-સિંધુના મેદાની વિસ્તારોમાં ધુમ્મસ, ભેજ અને ઝેરી હવાએ લોકોનું શ્વાસ લેવું મુશ્કેલ કરી દીધું છે.
ઉત્તર-પૂર્વમાં 13 ડિસેમ્બરથી આવનારા નવા પશ્ચિમી વિક્ષોભને કારણે દેશના મોટા ભાગના રાજ્યોમાં હવામાન બદલાઈ શકે છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર દેશના ઘણા ભાગોમાં ડિસેમ્બરની ઠંડી તેના અસલી સ્વરૂપમાં દેખાવા લાગી છે. ઉત્તર ભારતના ગંગા-સિંધુના મેદાનોમાં આ સમયે ઠંડી, પ્રદૂષણ, ધુમ્મસ અને ઝાકળ જોવા મળી રહ્યા છે. ઓછું તાપમાન, હવાની ધીમી ગતિ અને ભેજને કારણે પ્રદૂષકો વાતાવરણમાં નીચલી સપાટી પર અટવાઈ રહે છે, જેનાથી ધુમ્મસ અને ધુમાડો ભેગા થઈને ગાઢ સ્મૉગ બનાવે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમી યુપી અને રાજસ્થાનના ઘણા ભાગોમાં આ સ્તર જાડું થઈ રહ્યું છે, જેના કારણે વિઝિબિલિટી ઘટવાની સાથે-સાથે શ્વાસ સંબંધિત બીમારીઓનું જોખમ વધી રહ્યું છે.