ક્લેપ એન્ડ કટ..! - સિદ્ધાર્થ છાયા
હૃતિક રોશન, એકતા કપૂર,
‘ધુરંધરીય’ સફળતા બાદ રણવીર સિંહે ફરહાન અખ્તરની ‘ડોન 3’ છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ પાછળનું કારણ જે હોય તે પણ ફરહાન જરૂર તકલીફમાં મુકાઈ ગયો છે કારણ કે આ ફિલ્મમાં રણવીર હશે એવી જાહેરાત મહિનાઓ અગાઉ વાજતેગાજતે સોશ્યલ મીડિયામાં કરવામાં આવી હતી, પણ અચાનક રણવીર જતો રહ્યો એટલે નાક તો કપાયું એની સાથે હવે રણવીરનું રિપ્લેસમેન્ટ શોધવાનું અઘરું કામ પણ માથે આવી પડ્યું.
વળી, આ ફ્રેન્ચાઇઝીનો ડોન પણ વટ્ટ પડે એવો હોવો જોઈએ એ પણ એટલી જ મોટી જવાબદારી છે. બીજી તરફ કાને પડ્યા સમાચાર અનુસાર રણવીરને રિપ્લેસ કરવા માટે ઘણાં બધાં નામો વિચારણા હેઠળ છે, પરંતુ આ બધાં નામોમાં એક નામ આગળ છે. આ નામ છે હૃતિક રોશનનું. જાણવા મળ્યાં અનુસાર હજી તો આ વાત ફરહાન અને એની નજીકનાં લોકો માટે સાવ પ્રાથમિક કક્ષાએ જ છે, પણ જો લેવો હોય તો હૃતિક જ લેવો એવી એક ભાવના આ બધામાં અત્યારે તો ફરી રહી છે. બાકી, ‘ડોન 3’ માટે શાહરૂખ પછી રણવીર અને હવે હૃતિક એમ ત્રીજો ડોન શોધવો પડ્યો છે.
એટલે હાલના તબક્કે તો શાહરૂખ કા રિપ્લેસમેન્ટ શોધના મુશ્કિલ હી નહીં- નામુમકીન હૈ એવું અત્યારે તો લાગી રહ્યું છે.
આ ‘અપવિત્ર રિશ્તાથી’ કોણ રોષે ભરાયું છે?
યાદ છે, વર્ષો અગાઉ ઝી પર ‘પવિત્ર રિશ્તા’ નામની સિરિયલ આવતી હતી? હા, એ જ સિરિયલ જેમાં આપણે સુશાંતસિંહ રાજપૂતને પહેલીવાર મળ્યાં હતાં. સુશાંત અને એકતા લોખંડેનો પ્રેમ પણ આ જ સિરિયલનાં સેટ ઉપર પાંગર્યો હતો. જોકે કોવિડ દરમિયાન સુશાંત અસામાન્ય સંજોગોમાં અવસાન પામ્યો, જેનું રહસ્ય હજી પણ અકબંધ છે.
હવે ઝી ‘પવિત્ર રિશ્તા’ નામની સિરિયલ ફરીથી ઓન એર કરી રહી છે. આ ઘટનાક્રમથી ઓરિજીનલ સિરિયલની નિર્માત્રી બાલાજીની એકતા કપૂર ગુસ્સે છે. એકતાને લાગે છે કે ઝીનો આ એક તરફી નિર્ણય નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય નથી. સામે ઝીનો દાવો એવો છે કે ફેબ્રુઆરીમાં આવનારી આ નવી સિરિયલ માટે એકતાની સિરિયલમાંથી અમે ફક્ત એનું નામ જ ઉપાડ્યું છે. બાકી એની વાર્તા સાથે સીધો કે આડકતરો કોઈ જ સંબંધ નથી.
એ સિરિયલ ભલે એકતા કપૂરે કે ‘બાલાજી ટેલિફિલ્મ્સ’ દ્વારા નિર્માણ પામી હતી, પણ કાયદેસરનાં હક્ક ઝી પાસે જ છે. ટૂંકમાં ઝી કાયદાની દ્રષ્ટિએ કશું ખોટું નથી કરી રહ્યું. વળી, એ સિરિયલનાં પૂર્ણ થયે ઘણો સમય વીતી ગયો છે આથી એની સાથે એ વખતનો દર્શક સંકળાય એ જરૂરી નથી. ટૂંકમાં એકતાબેન કરતાં ઝીનો કેસ અહીં વધુ મજબૂત લાગે છે.
‘3 ઈડિયટ્સ’: સિક્વલ સત્ય કે કલ્પના?
હજી બે અઠવાડિયા પહેલાં જ ‘મજબૂત સૂત્રો’ પાસેથી સાંભળ્યું હતું કે હિન્દી સિનેમાની ‘આઇકોનિક’ ફિલ્મોમાંથી એક એવી ‘3 ઈડિયટ્સ’ની સિકવલ આવી રહી છે. આ માટે આમિર ખાન, માધવન, અને શર્મન જોશી સાથે વાત પણ થઇ ગઈ છે. આટલું જ નહીં. પણ રાજકુમાર હિરાણીએ એની સ્ક્રિપ્ટ સજજડબંબ રીતે લોક પણ કરી નાખી છે, પરંતુ, જ્યારે ફરહાન સોરી, આર. માધવનને આ બાબતે પૂછવામાં આવ્યું તો એણે તો આ આખી ઘટનાનો છેદ જ ઉડાડી નાખ્યો.
બોલો! માધવને પહેલા બોલે એવી સિકસર મારી કે ‘ભાઈ મને તો આની કોઈ ખબર જ નથી. મારો સંપર્ક સાધવામાં જ નથી આવ્યો!’ પત્યું? પછી બીજા બોલે ફોર મારી કે, આ ફિલ્મની સિક્વલ બને એ જ કોઈ કલ્પનાતીત વાત જેવું છે.માધવને એક વાત તો જોકે સાચી કહી કે ભાઈ, હવે અમારી બધાની ઉંમર જુઓ. એ સમયે અમે કોલેજ સ્ટુડન્ટ લાગતા હતા હવે? હવે અમે બધાં ઉંમરવાન થઇ ગયાં છીએ? એ વખતનો સ્પાર્ક અત્યારે અમે બધાં આપી શકીએ એમ છીએ ખરાં? ટૂંકમાં, સૂત્રો ગમે તેટલાં મજબૂત હોય પણ એ સાચાં જ હોય એવું માનવું નહીં અને ઉતાવળે જાહેરાત કરવી જ નહીં, બરાબરને?
બાકી, માધવનની વાતમાં દમ તો છે જ. જો ખરેખર આ પ્રકારનું કશું ‘ઉકળ્યું’ હોત તો એની મોટી જાહેરાત થઇ હોત. વિધુ વિનોદ ચોપરા અને રાજકુમાર હિરાણી પ્રેસ સમક્ષ આવ્યા હોત, અને ચેતન ભગતે સોશ્યલ મીડિયા ગજવી નાખ્યું હોત!
કટ એન્ડ ઓકે..
‘ગોલમાલ’ સિરીઝની આગામી ફિલ્મમાં એની મૂળ કાસ્ટ એટલેકે અજય દેવગણ, અર્શદ વરસી, શર્મન જોશી અને તુષાર કપૂર ભેગી થશે. વત્તા એમાં વિલન તરીકે હશે કોઈ મહિલા એક્ટર!