શો-શરાબા - દિવ્યકાંત પંડ્યા
વેલકમ 2026!
વર્ષની શરૂઆત કરીએ મનોરંજન દેવને નમન કરીને. આશા એટલી જ કે ગયા વર્ષે જેમ સિનેમાએ આપણને મજા કરાવી, એ મજા આ વર્ષે ડબલ થઈ જાય. વિશ્વ સિનેમાએ ગયા વર્ષે ઘણી એવી ફિલ્મ્સ આપી, જે ચર્ચામાં રહી અને દિલમાં પણ ઉતરી. હિટ-ફ્લોપની ચર્ચા કરતાં આગળ જઈને, દર્શકોને કંઈક નવું આપવાનો પ્રયાસ કરતી ફિલ્મ્સ વધારે યાદ રહી. આ વર્ષે પણ મનોરંજનની યાત્રા પૂરજોશમાં છે. તો ચાલો, નવા વર્ષના પ્રથમ છ મહિનાના રસપ્રદ અને મહત્ત્વાકાંક્ષી જણાતા સ્ટોપ્સ પર નજર કરીએ.
સૌપ્રથમ બોલિવૂડની વાત કરીએ તો, વર્ષના પહેલા જ દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇક્કિસ’ એક ગંભીર શરૂઆત આપે છે.
આ ફિલ્મ 1971ના યુદ્ધના વીર સેક્ધડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની સાચી કહાની પર આધારિત છે. આજના યુગમાં જ્યાં યુદ્ધ માત્ર સમાચારની હેડલાઈન બની જાય છે ત્યારે આવી ફિલ્મ્સ આપણને એ યાદ અપાવે છે કે આ પાછળ સાચા બલિદાન હોય છે. દિગ્દર્શક શ્રીરામ રાઘવન પોતાની અલગ સ્ટાઇલ માટે જાણીતા છે અને આ ફિલ્મમાં એ દેશભક્તિને શો-શરાબા વગર પણ પ્રભાવશાળી રીતે રજૂ કરશે એવું લાગી રહ્યું છે.
જાન્યુઆરીના અંતમાં આવનારી ‘બોર્ડર ટુ’ પણ યુદ્ધ ફિલ્મ છે. ‘બોર્ડર’ની સિક્વલ હવે નવી પેઢીના કલાકારો સાથે મોટા પડદા પર આવશે. સની દેઓલનું નામ જ આ ફિલ્મ સાથે જોડાય એટલે જૂના દર્શકો માટે નોસ્ટેલ્જિયા છે અને વરુણ ધવન તથા દિલજીત દોસાંજ જેવા કલાકારો નવા દર્શકોને જોડશે. રિપબ્લિક- ડેના સમયગાળામાં આવતી દેશભક્તિ ફિલ્મ્સ હંમેશાં ખાસ અસર છોડી જાય છે અને ‘બોર્ડર ટુ’ એ જ માર્ગ પર આગળ વધશે એવી અપેક્ષા છે.
ફેબ્રુઆરીમાં આવનારી ‘મર્દાની થ્રી’ એક અલગ પ્રકારની ઉત્સુકતા જગાવે છે. રાણી મુખર્જી દ્વારા ભજવાયેલું શિવાની શિવાજી રોયનું પાત્ર બોલિવૂડના મજબૂત મહિલા પાત્રોમાં ગણાય છે. આ શ્રેણીની ખાસ વાત એ છે કે અહીં એક્શન અને ઈમોશન બન્ને સાથે હોય છે. મહિલા કેન્દ્રિત ફિલ્મ્સ હજુ પણ ઓછી બને છે ત્યારે ‘મર્દાની’ જેવી ફિલ્મ્સ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
માર્ચમાં ઇદના અવસર પર આવનારી ‘ધુરંધર ટુ’ એક મોટા સ્કેલની એક્શન ફિલ્મ છે. પહેલો ભાગ તેની સ્ટોરી અને પ્રેઝેન્ટેશન માટે હજુ પણ બોક્સઓફિસ પર કમાલ દેખાડી રહ્યો છે. હવે બીજા ભાગમાં કહાની વધારે વિસ્તૃત થશે અને એક્શન વધારે તીવ્ર હશે એવી અપેક્ષા છે.
એપ્રિલમાં આવનારી ‘ભૂત બંગલા’ એકદમ અલગ સ્વાદની ફિલ્મ છે. હોરર અને કોમેડીનું મિશ્રણ આજકાલ લોકોમાં લોકપ્રિય છે. અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની જોડીએ અગાઉ પણ હિટ ફિલ્મ્સ આપી છે. આ જ સમયમાં આવનારી ‘આવારાપન ટુ’ એક રોમેન્ટિક ડ્રામા હશે. પહેલો ભાગ આજે પણ દર્શકો માટે કલ્ટ ફિલ્મ ગણાય છે. હવે બીજા ભાગમાં એ જ ઈમોશન નવી કહાની સાથે આગળ વધશે કે કેમ એ તો સમય જ કહેશે.
એપ્રિલમાં જ આવનારી ‘બેટલ ઓફ ગલવાન’ એક એવી ફિલ્મ છે જે તાજેતરના ઇતિહાસને મોટા પડદા પર લાવે છે. સલમાન ખાન જેવા મોટા સ્ટાર સાથે આ ફિલ્મ માત્ર એક્શન સુધી સીમિત નહીં રહે, પરંતુ સૈનિકોના જીવન અને તેમના બલિદાનને દર્શાવશે. જોકે સલમાનનો બોક્સઓફિસ પરનો ખરાબ સમય આ ફિલ્મ દૂર કરે છે કે નહીં એ જોવું રહ્યું.
હવે જો હોલિવૂડ તરફ નજર કરીએ તો ત્યાં પણ મજેદાર ફિલ્મ્સ ઓછી નથી. જાન્યુઆરીમાં આવનારી ‘મર્સી’ એક ફ્યુચરિસ્ટિક થ્રિલર છે. આ ફિલ્મ ટેકનોલોજી અને ન્યાય વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે. ક્રિસ પ્રેટ જેવા લોકપ્રિય અભિનેતા હોવાને કારણે ફિલ્મને દર્શકવર્ગ મળશે એવું લાગી રહ્યું છે.
માર્ચમાં આવનારી ‘પ્રોજેક્ટ હેલ મેરી’ હોલિવૂડની સૌથી વધુ ચર્ચાતી ફિલ્મ્સમાંથી એક છે. રાયન ગોસ્લિંગ એક એવા સ્પેસમેનની ભૂમિકા ભજવે છે જે એકલો અંતરિક્ષમાં ફસાઈ જાય છે. ધીમે ધીમે તેને ખબર પડે છે કે માનવજાતને બચાવવાની જવાબદારી તેના ખભા પર છે. ‘ધ માર્શિયન’ ફિલ્મ ગમી હોય તો આ ફિલ્મ ગમશે એવું જણાઈ રહ્યું છે.
જૂન મહિનામાં આવનારી ‘સુપરગર્લ’ પણ ખાસ છે. સુપરહીરો ફિલ્મ્સ હવે એક જ ફોર્મ્યુલાથી બહાર આવવાની કોશિશ કરી રહી છે અને સુપરગર્લ તેનું ઉદાહરણ છે. આ ફિલ્મ નવા ડીસી યુનિવર્સ માટે પણ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
હોલિવૂડમાં નોસ્ટેલ્જિયા પણ મોટો ફેક્ટર છે અને ‘ધ ડેવિલ વેર્સ પ્રાડા ટુ’ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પહેલી ફિલ્મ આજે પણ લોકપ્રિય છે. હવે બદલાયેલા મીડિયા અને ફેશનના સમયમાં એ જ પાત્રો કેવી રીતે આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે.
મેરિલ સ્ટ્રીપ જેવી અભિનેત્રીનું સ્ક્રીન પ્રેઝન્સ પોતે જ એક મોટું આકર્ષણ હોય છે પણ આવી રીતે તો આવનારી ફિલ્મ્સની ચર્ચા વર્ષ પૂરું થયે પણ પૂરી નહીં થાય. તો બાકીની મજેદાર લાગતી ફિલ્મ્સ આ રહી: ‘ક્રાઇમ 101’, ‘માઇકલ’, ‘ડિસ્ક્લોઝર ડે’, ‘ઓ રોમિયો’, ‘રાજા શિવાજી’, વગેરે.
આ બધું મળીને એક વાત સ્પષ્ટ કરે છે કે 2026ના પહેલાં છ મહિના સિનેમાપ્રેમીઓ માટે ખૂબ જ આકર્ષક રહેવાના છે.
મોટા સ્ટાર્સ, મોટી કહાનીઓ અને ઘણી ઇવેન્ટ ફિલ્મ્સ આવી રહી છે.
લાસ્ટ શોટ
‘ઇક્કિસ’ આપણા પ્રિય સદ્ગત ધર્મેન્દ્રની આખરી ફિલ્મ છે!