પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર સાથે જોડાયેલી કંપનીનો ભાગીદાર દિગ્વિજય પાટીલ પુણેમાં વિવાદાસ્પદ જમીન સોદાના કેસમાં સોમવારે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.
પુણેના મુંઢવા વિસ્તારમાંની 40 એકરની જમીન 300 કરોડ રૂપિયામાં અમેડિયા એન્ટરપ્રાઇઝીસ એલએલપીને વેચવાનો સોદો થયો હતો, જેમાં પાર્થ પવાર અને પાટીલ ભાગી દાર છે. જોકે બાદમાં આ જમીન સરકારની હોવાનું અને કંપનીને 21 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી હોવાનું સામે આવ્યા બાદ તપાસ હાથ ધરાઇ હતી.
દરમિયાન પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડમાં બાવધન પોલીસે દિગ્વિજય પાટીલ, જેની પાસે પાવર ઓફ એટર્ની હતી એ શીતલ તેજવાની તથા સબ-રજિસ્ટ્રાર રવીન્દ્ર તરુ સામે ગુનો દાખલ કર્યો હતો. એફઆઇઆરમાં પાર્થ પવારનું નામ નહોતું.
પુણે શહેર પોલીસે પાટીલ, તેજવાની અને તહેસીલદાર સૂર્યકાંત યેવલા વિરુદ્ધ જમીન સોદા સંદર્ભે બીજો કેસ નોંધ્યો છે અને તેની તપાસ આર્થિક ગુના શાખા કરી રહી છે.બાવધન પોલીસે પૂછપરછ માટે પાટીલને સમન્સ પાઠવ્યા હતા. આથી પાટીલ સોમવારે બાવધન પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને પોલીસે તેની પૂછપરછ કરી હતી.
પિંપરી ચિંચવડના ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-2) વિશાલ ગાયકવાડે કહ્યું હતું કે પાટીલની સોમવારે પૂછપરછ કરીને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.પુણે પોલીસની આર્થિક ગુના શાખાએ 3 ડિસેમ્બરે શીતલ તેજવાનીની ધરપકડ કરી હતી, જેની પાસે જમીનની પાવર ઓફ એટર્ની હતી. બાવધન પોલીસે ગયા સપ્તાહે રવીન્દ્ર તરુની ધરપકડ કરી હતી, જે જાણતો હતો કે જમીન સરકારની હોવાથી તેને વેચી શકાતી નથી. તેમ છતાં તેણે કથિત રીતે સોદામાં મદદ કરી હતી. (પીટીઆઇ)