Mon Dec 22 2025

Logo

White Logo

પૃથ્વી શૉની ભાવુક પોસ્ટ કામ કરી ગઈ, દિલ્હીએ છેવટે : 75 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદી લીધો

5 days ago
Author: Ajay Motiwala
Video

નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ મંગળવારે અબુ ધાબીમાં મિની ઑક્શન (MINI AUCTION)માં ઓપનિંગ બૅટ્સમૅન પૃથ્વી શૉ (PRITHVI SHAW)ને ખરીદીને પોતાની ટીમમાં ફરી સામેલ થવાનો અવસર આપ્યો એ વિશે એક ઇન્ટરવ્યૂમાં આશા વ્યક્ત કરી છે કે પૃથ્વી શૉ આ વખતે નવી અવસરનો પૂરો લાભ ઉઠાવશે. બીજી તરફ, પૃથ્વી શૉએ મંગળવારે શરૂઆતની નિરાશા બાદ મીડિયામાં જે ભાવુક પોસ્ટ મોકલી એ ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી.

પૃથ્વી શૉને મંગળવારે પહેલા બે રાઉન્ડમાં કોઈએ પણ નહોતો ખરીદ્યો. તેણે 75 લાખ રૂપિયાની મૂળ કિંમત રાખી હતી. તેને 2018માં દિલ્હીએ જ સૌથી પહેલાં ખરીદ્યો હતો. ત્યારે પૃથ્વીના સુકાનમાં ભારતે અન્ડર-19 વર્લ્ડ કપ જીતી લીધો હતો. ત્યારે પૃથ્વીની ગણના ભાવિ ક્રિકેટના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાં થતી હતી. જોકે સાત સીઝન સુધી દિલ્હી વતી રમનાર પૃથ્વીને 2025ની આઇપીએલ પહેલાં આ ટીમને હરાજી માટે છૂટો કરી દીધો હતો અને ત્યારે તેને એક પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો.

મંગળવારે બે વખત (પ્રારંભમાં નામની જાહેરાત વખતે અને પછી નામની ઝડપી જાહેરાતમાં) પૃથ્વીને કોઈએ પણ ખરીદવામાં રસ ન બતાવ્યો એટલે તે નિરાશ થઈ ગયો હતો. ત્યારે (રાત્રે 9.10 વાગ્યે) પૃથ્વીએ ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં ભાવુક થઈને ` ઇટ્સ ઓકે' એવું લખ્યું હતું અને એ સાથે દિલ તૂટ્યું હોય એવું ઇમોજી જોડ્યું હતું.

જોકે સાત જ મિનિટ બાદ પૃથ્વીને ત્રીજા રાઉન્ડમાં દિલ્હીના ફ્રૅન્ચાઇઝીએ 75 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદી લીધો હતો. ત્યાર બાદ ખુશખુશાલ પૃથ્વીએ અગાઉની પોસ્ટ ડીલીટ કરી નાખી હતી અને ઈશ્વરનો આભાર માનીને ગૉડ્સ પ્લાન એવું લખવાની સાથે સકારાત્મક ઇમોજી જોડ્યું હતું અને નવી પોસ્ટમાં ‘ હું મારા પરિવારમાં પાછો આવી ગયો' એવું લખ્યું હતું. આ પોસ્ટમાં પૃથ્વીની કૅપ્ટન અક્ષર પટેલ સાથેની જૂની તસવીર વેલકમ બૅકના સંદેશ સાથે બતાવવામાં આવી હતી.

દિલ્હી કૅપિટલ્સના કો-ઓનર કિરણ કુમાર ગ્રાંધીએ એક મુલાકાતમાં કહ્યું છે, ` દરેક ખેલાડીની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવે. પૃથ્વીને આ વખતે અમે મજબૂત વાપસી કરવાનો મોકો આપ્યો છે. ખુદ હું તેને દિલ્હીની જર્સીમાં રમતો જોવા ઉત્સુક છું. આશા રાખું છું કે આ વખતે તે આ તકને ગંભીરતાથી લેશે અને ટીમ માટે પોતાનું સર્વસ્વ આપશે.' અગાઉ દિલ્હી વતી પૃથ્વીએ 79 મૅચમાં કુલ 1,892 રન કર્યા હતા.