ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સે શા માટે હાથ જોડ્યા? ભૂલ સ્વીકારી કે પછી...
નવી દિલ્હીઃ ઈન્ડિગોના સંકટ પછી હવે એરલાઈનના વરિષ્ઠ અધિકારીઓ પર સરકારવતીથી આક્રમક કાર્યવાહીની તલવાર લટકી રહી છે. કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવીને ઈન્ડિગોને તેની કુલ ફ્લાઇટ્સ 10 ટકા ઘટાડવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈ કોર્ટે આકરી ઝાટકણી કાઢ્યા પછી હવે ડીજીસીએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે અને આવતીકાલ સુધીમાં વિસ્તૃત રિપોર્ટ આપવાની નોટિસ પણ આપી છે. રિપોર્ટમાં રદ્દ કરેલી ફ્લાઈટ, વિલંબ કેટલી થઈ સહિત અન્ય વિગતો પણ સામેલ કરવાનો આદેશ આપ્યો છે. આવતીકાલ સાંજ સુધીમાં રિપોર્ટ સાથે ડીજીસીએની ઓફિસ પહોંચવાનું જણાવ્યું છે.
બીજી મહત્ત્વની વાત રકીએ તો કેન્દ્ર સરકારના સખત વલણને લઈ એરલાઈને ઘૂંટણિયા ટેકવાની નોબત આવી રહી છે. આ મુદ્દે ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે દેશભરના લોકો પાસે માફી માંગી છે. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે સ્વીકાર કર્યો છે કે તેમની ભૂલના કારણે લોકોને પરેશાની થઈ હતી. હવે તેમની ટીમ યાત્રીઓને સારી સુવિધાઓ આપવા માટે મહેનત કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે, પરંતુ શું આ ભૂલને લોકો માફ કરશે? અત્યારે સુધીમાં લાખો લોકો ઈન્ડિગોના કારણે પરેશાન થયાં હતા.
ઈન્ડિગોને ફ્લાઈટ્સમાં 10 ટકા ઘટાડો કરવાનો આદેશ
નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ દ્વારા ઈન્ડિગોને તેની કુલ ફ્લાઈટ્સની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે તે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સને એરલાઇનની કામગીરીની સ્થિતિની સમીક્ષા કરવા માટે બોલાવ્યા હતા. મંત્રાલય દ્વારા ઈન્ડિગો પાસેથી વર્તમાન સ્થિતિ અંગેનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.
નવા ફ્લાઇટ ડ્યુટી નિયમો ઈન્ડિગોને ભારે પડ્યાં?
ખાસ કરીને વાત કરવામાં આવે તો નવા ફ્લાઇટ ડ્યુટી નિયમોના અમલીકરણ કરાયા તેના કારણે વિમાન સેવાઓમાં ભારે વિક્ષેપ પડ્યો તેને ધ્યાને રાખીને સમગ્ર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ દરમિયાન ઈન્ડિગોના સીઈઓ સરકાર પાસે બે હાથ જોડીને માફી માંગી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ ઈન્ડિગોના સીઈઓએ એવી બાંહેધરી પણ આપી છે કે, 6 ડિસેમ્બર સુધીમાં જેટલી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી તે દરેક યાત્રીઓને 100 ટકા રિફન્ડ આપી દેવામાં આવ્યું છે.
DGCAએ ક્રૂ ફેટિંગને રોકવા અમુક નિયમો બનાવ્યા
અત્યારે સુધીમાં ઈન્ડિયોની ફ્લાઈટ્સ રદ્દ થઈ તેમાં પાઇલટ અને ક્રૂ મેમ્બરની અછતના કારણે આ મુશ્કેલી ઊભી થઈ હતી તેવું ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સને એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું. પરંતુ આમાં કેટલી હકીકત છે તે એક પ્રશ્ન છે? આ પહેલા DGCA દ્વારા ક્રૂ ફેટિંગને રોકવા માટે નિયમો બનાવવામાં આવ્યાં હતાં.
આ નિયમ લાગુ થયો એટલા માટે પાઇલટ અને ક્રૂ મેમ્બર પાસેથી તેમના નક્કી કરેલા કલાકોથી વધારે કામ કરાવી શકાય નહીં. ઈન્ડિગોને આના માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ સ્ટાફની પૂરતી ભરતી કરવામાં આવી ન હતી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. હવે જોવાનું એ છે કે આ બાબતે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવ છે.