આપણામાંથી અનેક લોકોને બેંક કર્મચારીઓના રેઢિયાળ કારભારનો અનુભવ તો થયો જ હશે, અને ગણતરીના લોકોએ આ સમસ્યાની ફરિયાદ પણ લાગતા વળગતા લોકોને કરી હશે, પરંતુ પરિણામ શૂન્ય, મળે છે ખાલી આશ્વાસન. આ પરિસ્થિતિ ખરેખર પરેશાન કરી નાખનારી હોય છે અને જો તમને પણ આ સમસ્યા સતાવી રહી હોય તો આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસ વાંચી જજો કારણ કે અમે તમને અહીં આ સમસ્યાના રામબાણ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ…
એટીએમમાંથી પૈસા ના નીકળવા, ખોટા ચાર્જિસ લગાવવા, લોન કે પછી ક્રેડિટ કાર્ડ સંબંધિત અનેક સમસ્યા અંગે આપણામાંથી મોટાભાગના લોકો સૌથી પહેલાં બ્રાન્ચમાં ફરિયાદ કરે છે. ત્યાર પછી શરૂ થાય છે તેની ખરી પરિક્ષા, કારણ કે બેંક કર્મચારીઓ તમને એક ટેબલથી બીજા ટેબલ, બીજા ટેબલથી ત્રીજા ટેબલ એમ બસ ફેરવ્યા કરે છે અને સમસ્યાનું સમાધાન નથી મળતું. આવી સ્થિતિમાં અનેક લોકોને એવું લાગે છે કે જો બેંક જ ફરિયાદ નથી સાંભળતી તો કોને ફરિયાદ કરવી, આનો કોઈ ઉપાય નથી.
તમારી જાણકારી માટે કે બેંક એ તમારી ફરિયાદનું નિરાકરણ લાવવા માટેનો છેલ્લો વિકલ્પ નથી. જો બેંક કે પછી બેંકના કર્મચારી તમારી વાત નથી સાંભળતા તો તમે એની ફરિયાદ એક ઓફિશિયલ પ્લેટફોર્મ પર કરી શકો છો, જ્યાં તમારી સમસ્યાને ગંભીરતાથી સાંભળવામાં આવે છે અને કાર્યવાહી કરવામાં આવે છે.
સીએમએસ પર કરો સત્તાવાર ફરિયાદ
અહીં જે ઓફિશિયલ પ્લેટફોર્મની વાત કરી રહ્યા છીએ એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ગ્રાહકોની સુવિધા માટે એક કમ્પ્લેઈન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS) બનાવવામાં આવી છે. આ એક ઓનલાઈન પોર્ટલ છે, જ્યાં બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ સંબંધિત ફરિયાદ નોંધાવી શકાય છે. આ પોર્ટલની ખાસ વાત એ છે કે અહીં તમે સરકારી અને પ્રાઈવેટ બંને બેંકની ફરિયાદ કરી શકો છે. સીએમએસના પોર્ટલ આરબીઆઈની દેખરેખ હેઠળ આવી જાય છે.
આરબીઆઈ ખુદ લાવે છે સમસ્યાનું નિરાકરણ
આ કારણસર બેંક તમારી ફરિયાદને હળવાશમાં નથી લઈ શકતી અને ખોટા ચાર્જ, ટ્રાન્ઝેક્શન ફેલ થવું, પૈસા અટવાઈ જવા, લોન કે કાર્ડ સંબંધિત સમસ્યાના ઉકેલ માટે આ પ્લેટફોર્મ ખૂબ જ ઉપયોગ સાબિત થાય છે. જો બેંક ચોક્કસ નિર્ધારિત સમયમાં તમારી સમસ્યાનું સંતોષકારક સમાધાન આપવામાં નિષ્ફળ જાય છે તો આરબીઆઈ ખુદ વાતની નોંધ લે છે અને આ જ કારણે સીએમએસ ગ્રાહકો માટે એક મજબૂત હથિયાર બની ગયું છે.
કઈ રીતે કરશો ફરિયાદ?
આરબીઆઈના ઓફિશિયલ સીએમએસ પ્લેટફોર્મ પર ફરિયાદ કઈ રીતે કરશો, એની વાત પણ કરી જ લઈએ. સીએમએસ પર ફરિયાદ કરવા માટે તમારે અહીં નીચે જણાવેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે-
- સૌથી પહેલાં તો cms.rbi.org.inની વેબસાઈટ પર જવું પડશે
- આ સાઈટ પર લોગઈન કર્યા બાદ ફાઈલ અ કમ્પ્લેઈન્ટ પર ક્લિક કરો
- કેપ્ચા કોડ ભરીને તમારું નામ, મોબાઈલ નંબર રજિસ્ટર કરો.
- મોબાઈલ પર આવેલા ઓટીપીની વેરિફાઈ કરીને આગળનું સ્ટેપ ફોલો કરો
- અહીં તમારે સંબંધિક બેંકનું નામ પસંદ કરીને તમારી ફરિયાદ સ્પષ્ટ શબ્દોમાં લખવી પડશે
- તમે વળતરની માગણી કરી શકો છો
- તમામ વિગત ભર્યા બાદ રિવ્યૂ અને સબમિટ પર ક્લિક કરો
- જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમને એક કમ્પ્લેઈન્ટ નંબર મળશે
- આ નંબર સાથે તમે તમારી ફરિયાદનું સ્ટેટસ ચેક કરી શકશો.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.