Sat Dec 13 2025

Logo

White Logo

પાકિસ્તાનની ફજેતીઃ : પુતિને શાહબાઝ શરીફને 40 મિનિટ રાહ જોવડાવી, વીડિયો વાયરલ

13 hours ago
Author: Himanshu Chavda
Video

અશ્ગાબાત: તુર્કમેનિસ્તાન ખાતે ઇન્ટરનેશનલ ફોરમ ફોર પીસ એન્ડ ટ્ર્સ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંના કાર્યક્રમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સહિતના ઘણા નેતાઓ ભાગ લેવા પહોંચ્યા હતા. જોકે, અહીંના કાર્યક્રમ વખતે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શાહબાઝ શરીફને મળવા માટે 40 મિનિટ રાહ જોવડાવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

પૂછ્યા વગર પહોંચી ગયા શાહબાઝ શરીફ

આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મળવા માટે 40 મિનિટ કરતાં વધુ સમય સુધી રાહ જોવાની નોબત આવી હતી. શાહબાઝ શરીફ લાંબા સમય સુધી ખુરશી પર બેસી રહ્યા હતા, પરંતુ પુતિન મળવા આવ્યા નહીં. પુતિનની રાહ જોઈને શાહબાઝ શરીફની ઘીરજ ખૂટી ગઈ હતી. આખરે તે ખુરશી પરથી ઊભા થઈને પુતિનને મળવા પહોંચ્યા હતા. આ સમયે વ્લાદિમીર પુતિનની તુર્કેઈના રાષ્ટ્રપતિ એર્દોગન સાથે બેઠક ચાલી રહી હતી.

શાહબાઝ શરીફ કોઈની પરવાનગી લીધા વગર સીધા એ રૂમમાં ઘૂસી ગયા હતા, જે રૂમમાં વ્લાદિમીર પુતિન અને એર્દોગનની બેઠક ચાલી રહી હતી. રૂમમાં ગયેલા શાહબાઝ શરીફ 10 મિનિટ બાદ રૂમમાંથી બહાર આવ્યા હતા. ખાસ વાત એ છે કે, શાહબાઝ શરીફ જ્યારે રૂમમાંથી બહાર આવ્યા ત્યારે પણ પુતિન અને એર્દોગન વચ્ચે વાતચીત ચાલુ જ હતી.

ઉલ્લેખનીય છે કે, તુર્કમેનિસ્તાન ખાતે શાહબાઝ શરીફ અને વ્લાદિમીર પુતિનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે એક રૂમમાં બે ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. પરંતુ લાંબા સમય સુધી પુતિન મળવા ન આવતા શાહબાઝ શરીફ થાકી ગયા હતા. તેમની સાથે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડાર અને અન્ય અધિકારીઓ પણ હાજર હતા. જોકે, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી લોકોએ પાકિસ્તાનના પીએમને શરમજનક હાલતમાં મૂકાવવું પડ્યું હોવાની પણ પ્રતિક્રિયા આપી હતી.