નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ સત્ર દેશના ભવિષ્ય અને વિકાસના મુદ્દાઓ પર કેન્દ્રિત થવું જોઈએ. વડાપ્રધાને વિપક્ષને તેમનું દાયિત્વ નિભાવવા અને ચર્ચામાં વાસ્તવિક મુદ્દાઓ ઉઠાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિપક્ષે ‘પરાજયની નિરાશામાંથી બહાર આવવું’ જોઈએ. આ સત્ર દરમિયાન સરકાર દ્વારા કુલ 14 જેટલા મહત્વના કાયદાકીય ખરડા (બિલ) રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, “દુર્ભાગ્યની વાત છે કે કેટલાક પક્ષો એવા છે જે પરાજયને પચાવી શકતા નથી. એક-બે પક્ષો તો એવા છે જે હારને જ આત્મસાત કરી શકતા નથી.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંસદનું આ સત્ર દેશ માટે શું વિચારી રહ્યું છે, શું કરવા માંગે છે અને શું કરવા જઈ રહ્યું છે, તેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે ‘વિપક્ષ પણ પોતાનું દાયિત્વ નિભાવે’ અને સાર્થક ચર્ચાઓમાં ભાગ લે.
Speaking at the start of the Winter Session of Parliament. May the session witness productive discussions. https://t.co/7e6UuclIoz
— Narendra Modi (@narendramodi) December 1, 2025
વડાપ્રધાને આ સંદર્ભે ખાસ કરીને બિહારના તાજેતરના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “મને તો લાગતું હતું કે બિહારના પરિણામોને આટલા દિવસો થઈ ગયા કે હવે સુધરી ગયા હશે, પરંતુ ગઈકાલે જે નિવેદનબાજી સાંભળી રહ્યો છું તેમની, તો લાગે છે કે પરાજયે તેમને પરેશાન કરી મૂક્યા છે.” આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે કેટલાક વિપક્ષી દળો હજી પણ ચૂંટણીની હારના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી.
PM મોદીએ તમામ પક્ષોને વિનંતી કરી કે શિયાળુ સત્ર પરાજયની હતાશાનું મેદાન ન બનવું જોઈએ, અને તે જ રીતે, તે ‘વિજયના અહંકાર’માં પણ પરિવર્તિત ન થવું જોઈએ. તેમણે જનપ્રતિનિધિઓને તેમનું દાયિત્વ યાદ કરાવ્યું. તેમણે કહ્યું કે સંતુલિત રીતે, જવાબદારી સાથે અને દેશની જનતાએ જે દાયિત્વ આપ્યું છે, તેને સંભાળતા આગળનું વિચારવું જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી કે સભ્યો સારા મુદ્દાઓને વધુ સારા બનાવવાની અને ખરાબ મુદ્દાઓ પર સાચી ટીપ્પણી કરવાની દિશામાં કામ કરશે, જેથી દેશના નાગરિકોના જ્ઞાનમાં વધારો થાય.
પીએમ મોદીએ કહ્યું હતું કે, “નાટક કરવા અને સૂત્રોચ્ચાર કરવા માટે ઘણી બધી જગ્યાઓ છે. તમે તે જગ્યાઓ પર કર્યું છે જ્યાં તમારો પરાજય થયો છે અને ફરીથી તે જગ્યાઓ પર કરશો જ્યાં તમારો પરાજય થવાનો છે. નકારાત્મકતા ક્યારેક રાજકારણમાં મદદ કરી શકે છે, પરંતુ હું અપેક્ષા રાખું છું કે તેઓ રાષ્ટ્ર નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.”
તેમણે કહ્યું કે “વિપક્ષ છેલ્લા 10 વર્ષથી જે રમત રમી રહ્યો છે તે હવે લોકોને સ્વીકાર્ય નથી. તેમણે પોતાની રણનીતિ બદલવી જોઈએ – હું તેમને કેટલીક ટિપ્સ આપવા તૈયાર છું. આ શિયાળુ સત્ર એટલા માટે પણ ખાસ છે કારણ કે અમારા નવા સભાપતિ ઉપલા ગૃહ (રાજ્યસભા)નું અધ્યક્ષપદ સંભાળશે. GST સુધારાઓથી લોકોને ફાયદો થયો છે, અને અમે આ સત્ર દરમિયાન આ સુધારાઓને આગળ વધારીશું.
છેલ્લા કેટલાક સત્રોથી, ગૃહનો ઉપયોગ ચૂંટણીના હેતુઓ માટે અથવા હાર પ્રત્યેની હતાશા વ્યક્ત કરવા માટે કરવામાં આવ્યો છે. મેં જોયું છે કે કેટલાક રાજ્યોમાં સત્તામાં રહેલા નેતાઓ લોકોના ગુસ્સા અને સત્તા વિરોધી લહેરને કારણે તે રાજ્યોની મુલાકાત પણ લઈ શકતા નથી. આવા પક્ષોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ.”