Sat Dec 13 2025

Logo

White Logo

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શિવરાજ પાટીલનું અવસાન: રાષ્ટ્રપતિ, : વડા પ્રધાન સહિત મુખ્ય પ્રધાન ફડણવીસે આપી શ્રદ્ધાંજલિ

15 hours ago
Author: vipul vaidya
Video

લાતુર: 26/11 ના હુમલા દરમિયાન લોકસભાના સ્પીકર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન રહેલા વરિષ્ઠ કોંગ્રેસી શિવરાજ પાટીલનું શુક્રવારે સવારે મહારાષ્ટ્રના તેમના વતન લાતુર ખાતે અવસાન થયું હતું, એમ પરિવારના સૂત્રોએ માહિતી આપી હતી. 

90 વર્ષના પાટીલનું ટૂંકી માંદગી બાદ તેમના નિવાસસ્થાન ‘દેવઘર’ ખાતે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે. તેમના પરિવારમાં તેમના પુત્ર શૈલેષ પાટીલ, પુત્રવધૂ અર્ચના, (જેઓએ ગયા વર્ષે ભાજપની ટિકિટ પર લાતુર શહેરથી કોંગ્રેસના અમિત દેશમુખ સામે વિધાનસભાની ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા) અને બે પૌત્રીઓ છે.
પાટિલ તેમના છેલ્લા દિવસો સુધી કોંગ્રેસ અને નેહરુ-ગાંધી પરિવારના વફાદાર રહ્યા હતા અને પાંચ દાયકાથી વધુ સમયના જાહેર જીવન દરમિયાન અનેક મુખ્ય બંધારણીય અને પ્રધાન પદો પર રહ્યા હતા. 

2008માં કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે મુંબઈ પર દસ હથિયારધારી પાકિસ્તાન-પ્રશિક્ષિત આતંકવાદીઓ દ્વારા અભૂતપૂર્વ હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે 26 નવેમ્બરની રાત્રે તેઓ ત્રણ અલગ અલગ કપડાં પહેરેલા જોવા મળ્યા હતા, ત્યારે આ અનુભવી રાજકારણીને જાહેર અને મીડિયામાં ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

આ ટીકા અંગે પોતાનો બચાવ કરતા, તેમણે કહ્યું હતું કે લોકોએ કપડાંની નહીં, પણ નીતિની ટીકા કરવી જોઈએ. મુંબઈ હુમલાના ગંભીર પરિણામોને પગલે પાટીલના રાજકીય કારકિર્દી પર કલંક લગાવ્યું હતું અને કેન્દ્રીય પ્રધાનમંડળમાં તેમનું સ્થાન ડગમગી ગયું હતું, જેના કારણે 30 નવેમ્બર, 2008ના રોજ તેમણે રાજીનામું આપ્યું હતું. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, એનસીપી (એસપી)ના વડા શરદ પવાર, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય ઘણા લોકોએ પાટિલને શ્રદ્ધાંજલિ આપી હતી. 

12 ઓક્ટોબર, 1935ના રોજ જન્મેલા પાટીલે 1966થી 1970 દરમિયાન લાતુર નગરપાલિકાના પ્રમુખ તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી અને ત્યારબાદ બે ટર્મ માટે વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 1977થી 1979 દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર અને સ્પીકર સહિત મુખ્ય પદો સંભાળ્યા હતા.

ત્યારબાદ તેઓ સાત વખત લાતુર લોકસભા બેઠક જીત્યા અને 1991થી 1996 સુધી લોકસભાના 10મા સ્પીકર રહ્યા. 2004ની લોકસભા ચૂંટણીમાં તેઓ ભાજપના રૂપાતાઈ પાટિલ નિલંગેકર સામે હારી ગયા. તેઓ રાજ્યસભાના સભ્ય પણ હતા.

શરદ પવારે કહ્યું હતું કે પાટીલે મહારાષ્ટ્ર અને દેશ બંનેના રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમણે કોંગ્રેસની વિચારધારાને લોકોના પ્રશ્ર્નોના ઉકેલ માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા સાથે સુમેળમાં મિશ્રિત કર્યો હતો. ‘તેમણે જે પણ પદ સંભાળ્યું, તેમનું કાર્ય સતત સામાન્ય માણસ માટે ન્યાયને પ્રતિબિંબિત કરતું હતું,’ એમ એનસીપી (એસપી)ના વડાએ કહ્યું હતું.