નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ અને કેરળના વાયનાડથી લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધી અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાના દીકરા રેહાને અવિવા બેગ સાથે સગાઇની જાહેરાત કરી છે. રેહાન અને અવિવાની સગાઇનો સમારોહ રાજસ્થાનના સવાઈ માધોપુર યોજાઈ શકે છે, અહેવાલ મુજબ ગાંધી પરિવાર સવાઈ માધોપુરની એક હોટેલમાં પહોંચી ગયો છે.
એક અહેવાલ મુજબ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા અને ગાંધી-વાડ્રા પરિવારના અન્ય સભ્યો દિલ્હીથી રોડ માર્ગે સવાઈ માધોપુર પહોંચ્યા છે. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન નજીક આવેલી હોટેલ શેરબાગમાં રેહાન અને અવિવાની સગાઈ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રણ દિવસ ઉજવણી થશે:
અહેવાલ મુજબ હોટેલમાં ત્રણ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધી-વાડ્રા પરિવાર ત્યાં જ નવા વર્ષની ઉજવણી કરશે. સગાઈ ક્યા દિવસે થશે એ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ સમગ્ર સમરોહ ખુબજ ખાનગી રહેશે.
અહેવાલો મુજબ રેહાન અને અવિવા સાત વર્ષથી રિલેશનશિપમાં છે. તાજેતરમાં જ રેહાને અવિવાને પ્રપોઝ કર્યું હતું. બંને પરિવારોએ સગાઇ માટે સંમતિ આપી છે, હવે પરિવારજનોની હાજરીમાં સગાઈ સમારોહ યોજાશે.
રેહાન વિઝ્યુઅલ આર્ટિસ્ટ:
નોંધનીય છે કે 25 વર્ષીય રેહાન વાડ્રા રાજકારણથી દુર રહે છે, તેને કળા ક્ષેત્રમાં વધુ રસ છે. તે ઇન્સ્ટોલેશન અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે, તેના આર્ટના પ્રદર્શનો પણ યોજાઈ ચુક્યા છે. તેને ફોટોગ્રાફીનો પણ શોખ છે.
રેહાન વાડ્રાએ પ્રારંભિક શિક્ષણ દિલ્હીમાં લીધું હતું, ત્યાર બાદ દેહરાદૂન અને લંડનમાં અભ્યાસ કર્યો હતો. અવિવા બેગનો પરિવાર વાડ્રા પરિવાર સાથે વર્ષોથી જોડાયેલો છે. અવિવાએ દિલ્હીમાં અભ્યાસ કર્યો હતો, તેણે મીડિયા કોમ્યુનિકેશન્સ અને જર્નાલિઝમમાં ડિગ્રી પણ મેળવી. અવિવા બેગને પણ ફોટોગ્રાફીનો શોખ છે.