અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભરશિયાળે ચોમાસા જેવા માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજકોટ, ધોરાજી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છમાં કમોસમી વરસાદ થયો હતો. આ સાથે બનાસકાંઠા, વાવ-થરાદમાં પણ કમોસમી વરસાદ થયો છે. આ કમોસમી વરસાદથી જીરુ, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.
જીરુ, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. રાજકોટ શહેરમાં સાંજે 5 વાગ્યાથી કાલાવડ રોડ સહિત જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ધોરાજી પંથકમાં સાંજે 4 વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ગાજવીજ તેમજ ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ સાથે જેતપુર, ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. માવઠાના કારણે રાજકોટ શહેરમાં થર્ટી ફર્સ્ટના આયોજન પર પાણી ફરી વળ્યું હતું.
દ્વારકાના અનેક વિસ્તારમાં ઝરમર કમોસમી વરસાદ નોંધાયો
પોરબંદર શહેર સહિત ગ્રામ્ય પંથકના વિવિધ તાલુકાના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. દ્વારકા, કલ્યાણપુર અને આસપાસનાં ગામોમાં પણ ઝરમર કમોસમી વરસાદ નોંધાયો હતો. કચ્છ જિલ્લા મથક ભુજમાં બપોરના બે વાગ્યાની આસપાસ હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું જયારે મુંદરા તાલુકાના સમાઘોઘા, ગુંદાલા અને તેની આસપાસના વિસ્તારો,ગાંધીધામ સંકુલ તેમજ ભચાઉ પંથકમાં પણ વરસાદી ઝાપટું આવ્યું હતું.
હવામાન વિભાગે વરસાદના આંકડા જાહેર કર્યાં
આ ઉપરાંત રાપર તાલુકાના ભીમાસર, આડેસર, ખાંડેક, માંજુવાસ, ખેંગારપર, ગાગોદર સહિતના ગામોમાં માવઠું થયું હોવાના અહેવાલો મળ્યા હતા. કચ્છના હાજીપીર તરફના રણ કાંધી વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે રાજકોટમાં 6 એમએમ, દેવભૂમિ દ્વારકામાં 5 એમએમ, પોરબંદર 3 એમએમ, બનાસકાંઠાના વાવ તાલુકામાં 02 એમએમ અને કચ્છના રાપરમાં 1 એમએમ વરસાદ થયો છે.