અમાન : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દેશની યાત્રા પર છે. આ દરમિયાન તેવો જોર્ડન પહોંચ્યા છે. જોર્ડનની રાજધાની અમાનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોર્ડનના વડાપ્રધાન જાફર હસને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જોર્ડન ઉપરાંત ઇથોપિયા અને ઓમાનની પણ મુલાકાત લેવાના છે. ભારતની આ મુલાકાતનો હેતુ આ દેશો સાથે રાજકીય, આર્થિક અને રાજદ્વારી સહયોગને આગળ વધારવાનો છે.
ભારત અને જોર્ડન રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી
પીએમ મોદી જોર્ડનમાં કિંગ અબ્દુલ્લા દ્રિતીય સાથે રૂબરૂ મુલાકાત કરશે. ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે. ભારત અને જોર્ડન રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા હોવાથી આ મુલાકાત ખાસ માનવામાં આવે છે. આ બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને રાજકીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
પેટ્રા શહેરની મુલાકાત લેશે
જયારે મુલાકાતના બીજા દિવસે પીએમ મોદી અને કિંગ અબ્દુલ્લા ભારત-જોર્ડન બિઝનેસ ફોરમને સંબોધિત કરશે. જેમાં બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ હાજરી આપશે. પીએમ મોદી જોર્ડનમાં ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે. ક્રાઉન પ્રિન્સ સાથે તેઓ ભારત સાથે પ્રાચીન વેપાર સંબંધોનું પ્રતીક એવા પેટ્રા શહેરની મુલાકાત લેશે.
પીએમ મોદી ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે
જોર્ડનની બાદ પીએમ મોદી 16 અને 17 ડિસેમ્બરે ઇથોપિયાની મુલાકાત કરશે. આ તેમની ઇથોપિયાની પ્રથમ મુલાકાત હશે. તેઓ વડાપ્રધાન અબીય અહેમદ અલીને મળશે. આ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્ર પર ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે.
ભારત-ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર મહત્વનો
પીએમ મોદી યાત્રાના અંતિમ તબક્કામાં 17 અને 18 ડિસેમ્બરના રોજ ઓમાનની મુલાકાત લેશે. આ તેમની ઓમાનની બીજી મુલાકાત હશે. ભારત અને ઓમાન રાજદ્વારી સંબંધોના 70 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. આ મુલાકાતમાં ભારત-ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કરાર બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને નવી ગતિ આપશે.