Sat Dec 13 2025

Logo

White Logo

ઈઝરાયલ જવા માટે રૂપિયા ભેગા કરવા રાજકોટના : યુવકે પિતાને પતાવી દીધા

23 hours ago
Author: Mayurkumar Patel
Video

રાજકોટઃ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ પદાર્થ વડે માથામાં ઈજા થવા થવાથી મોત થયાનું સામે આવ્યા બાદ પોલીસ સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉઠાવ્યો હતો. મૃતકના સગા પુત્રએ ઈઝરાયલ જવા માટે રૂ. 70 લાકની વીમા પોલિસી પકવવા કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

શું છે મામલો ?

9 ડિસેમ્બરના રોજ રાજપરાથી ઢાંક ગામ તરફ જતા રસ્તે અકસ્માતમાં કાનાભાઈ મેરૂભાઈ જોગ (ઉં. 50)નું મૃત્યુ થયાની જાણ થતાં ભાયાવદર પોલીસ ટીમ ત્યાં પહોંચી તો મૃતક કાનાભાઇની લાશ અને બાઈક વાડીએ પડયા હતા અને ત્યાં સગો ભત્રીજો વિરમ ભૂતપભાઇ જોગ હાજર હતો, જેણે કાકાને અકસ્માત થતાં પોતે વાડીએ લાવ્યાનું કહ્યું, પણ પોલીસને શંકા ઉપજી હતી. બાદમાં કથિત અકસ્માત સ્થળે જઈને નિરીક્ષણ કરતા વાહન અકસ્માતને લગતા કોઇ નિશાન દેખાયા નહોતા. 

આ શંકાસ્પદ બનાવ મામલે ભાયાવદરના પીઆઈ પરમારની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ કર હાથ ધરવામાં આવી હતી. જેમાં સગા ભત્રીજા વિરમ ભૂપતભાઇ જોગએ જ તેના કાકાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી આગવીઢબે પૂછપરછ કરતા મૃતકના સગા દીકરા રામદે કાનાભાઇ જોગ સાથે મળીને કાવતરૂ રચી હત્યા બાદ તેને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે બન્નેની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરતા કબૂલ્યું કે, પુત્ર રામદેને ઇઝરાયેલ દેશમાં નોકરી કરવા માટે જવું હતું અને તેના માટે 16 લાખ રૂપિયા ખર્ચ થતો હોવાથી પૈસાની શોધમાં હતો.

આ દરમિયાન તેને ખબર પડી કે, એકાદ વર્ષ પહેલા તેના પિતાએ વીમો ઉતરાવ્યો હતો, જેમાં મૃત્યુ થાય તો 60-70 લાખ રૂપિયા મળે તેમ હતા. વળી, હાલ બીજું વીમા પ્રિમિયમ ભરવાનો સમય પણ થઇ ગયો હતો. જેથી તેણે મોટા બાપુના દીકરા વિરમ ભૂપતભાઇ જોગને એક લાખ રૂપિયા આપવા અને તે જીવે ત્યાં સુધી ભોજન-ખર્ચ આપવાની લાલચ આપી હતી. વિરમના પાંચેક વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતા અને પોતે એકલો જ રહેતો હોવાથી કાકાની હત્યા માટે તૈયાર થઈ ગયો હતો અને બન્નેએ પૂર્વાયોજીત કાવતરું ઘડીને હત્યાને અંજામ આપ્યા બાદ અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. 

હત્યાની યોજના અનુસાર 8 ડિસેમ્બરને વિરમે ઉંદર અને કીડી મારવાની દવાને ઠંડા પીણામાં ભેળવીને કાનાભાઈને પીવડાવી હતી. પરંતુ કાનાભાઈએ ઉલટી થતાં દવા બહાર નીકળી ગઈ હતી. જે બાદ રામદે જોગએ વિરમને પિતાને કુહાડી મારવાનો આદેશ આપ્યો હતો. 9 ડિસેમ્બરે વિરમ, કાનાભાઈ જોગને બાઈક પર રાખીને ખેતરમાં લઈ ગયો. ત્યાં દારૂ પીવડાવીને એક રૂમમાં સુવડાવી દીધા અને કુહાડીથી તેના માથા પર પ્રહાર કર્યો હતો. જે બાદ બંનેએ કાનાભાઈનું અકસ્માતમાં મોત થયાની કહાની ઘડી કાઢી હતી.

પોલીસની તપાસ અને આકરી પૂછપરછમાં આ કાવતરું સામે આવ્યું હતું. ભાયાવદર પોલીસે પુત્ર રામદે જોગ અને પિતરાઈ ભાઈ વિરમ જોગની ધરપકડ કરી હતી. પોલીસ હવે વીમા પોલિસી, પૈસાની લેવડ દેવડ અને ઘટનામાં સામેલ અન્ય બાબતોની તપાસ કરી રહી છે.