Thu Jan 01 2026

Logo

White Logo

US સાંસદોની પ્રતિબંધોની માંગ વચ્ચે મુનીરને 'રાજા જેવી સત્તા' : બન્યા CDF, ધરપકડમાંથી મુક્તિ

Islamabad   3 weeks ago
Author: Devayat Khatana
Video

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રાજકીય-સૈન્ય માળખામાં એક મોટો અને વિવાદાસ્પદ ફેરફાર આવ્યો છે. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને ઔપચારિક રીતે 'ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (CDF)'ના નવા અને શક્તિશાળી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે અમેરિકાના ૪૪ સાંસદોએ વિદેશ પ્રધાન માર્કો રુબિયોને પત્ર લખીને મુનીર અને અન્ય પાકિસ્તાની અધિકારીઓ વિરુદ્ધ માનવાધિકારના ઉલ્લંઘન બદલ તાત્કાલિક પ્રતિબંધો લાદવાની માંગ કરી છે. 

પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, મુનીરને આર્મી સ્ટાફના વડાની સાથે-સાથે CDF તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ CDF પદ પાછલા મહિને થલસેના, નૌસેના અને વાયુસેના વચ્ચે વધુ સારું સંકલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું હતું અને આ પદ માટેનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. આસિમ મુનીરની આ પદ પર નિમણૂક થવાથી હવે તેમની પાસે અસીમિત સત્તાઓ આવી ગઈ છે અને તેઓ પાકિસ્તાનના 'અનૌપચારિક રાજા' તરીકે ઉભરી આવ્યા છે. અગાઉ ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ મુનીરે પાકિસ્તાનમાં ભારત પર જીતનો ખોટો પ્રચાર કર્યો હતો, જેના કારણે વડાપ્રધાન શાહબાઝે તેમને ફિલ્ડ માર્શલ સુધીનો દરજ્જો આપ્યો હતો.

એક તરફ અમેરિકન સાંસદો મુનીરની મનમાની અને માનવાધિકારના ઉલ્લંઘન બદલ તેમના પર પ્રતિબંધોની માંગ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં તેમને સેનાના સર્વોચ્ચ કમાન્ડરનું પદ આપીને વધુ શક્તિશાળી બનાવવામાં આવ્યા છે. આ CDF પદ ચેરમેન, જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી (CJCSC)નું સ્થાન લેશે અને તે પદ નાબૂદ કરવામાં આવ્યું છે. મુનીરની આ ઐતિહાસિક પ્રમોશનને પાકિસ્તાનની રાજનીતિ અને સુરક્ષા પ્રણાલીમાં એક નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે, જ્યાં સેનાનો પ્રભાવ હવે વધુ મજબૂત અને નિર્ણાયક બની ગયો છે.

વિવાદિત પ્રમોશન 
મુનીરને થોડા મહિનાઓ પહેલા જ ફિલ્ડ માર્શલના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું, જે પાકિસ્તાનના ઇતિહાસમાં માત્ર બીજી વાર બન્યું છે. પાકિસ્તાનમાં સૌપ્રથમ આ પદ જનરલ અયૂબ ખાનને મળ્યું હતું, જેમણે ૧૯૬૫ના ભારત-પાક યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું. આ યુદ્ધમાં પણ પાકિસ્તાનને કારમી હાર મળી હતી, પરંતુ તેમ છતાં પાકિસ્તાને પોતાની બદનામી છુપાવવા માટે અયૂબ ખાનને સન્માનિત કર્યા હતા. ગયા મહિને સંસદ દ્વારા પસાર કરાયેલા નવા કાયદા અનુસાર, મુનીર આજીવન વર્દીમાં રહેશે અને તેમને ધરપકડમાંથી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત થશે. આ જ જોગવાઈને લઈને વિપક્ષ, ખાસ કરીને જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટીએ આકરી ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આટલા વ્યાપક અધિકારો અને સુરક્ષા આપવી એ લોકશાહી માળખાને નબળું પાડે છે.