Mon Dec 22 2025

Logo

White Logo

જ્યાં રસ્તો સીધો આકાશને અડતો હોય તેવો અહેસાસ: : માણો કચ્છના 'રોડ ટુ હેવન'ની સફર....

1 day ago
Author: Devyat Khatana
Video

કચ્છમાં શિયાળાની શરૂઆતની સાથે જ ગુજરાતના ગૌરવ અને વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષનાર ‘કચ્છ રણોત્સવ’ની પણ શરૂઆત થઈ ચૂકી છે. 3જી ડિસેમ્બરના રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રણોત્સવની શરૂઆત કરી હતી. રણોત્સવ આગામી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. રણોત્સવની મુલાકાત લેવા માટે દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ કચ્છ પહોંચે છે. કચ્છના મોટા રણના ખદિર બેટમાં આવેલા ધોરડો ગામ ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહી આકર્ષણનું કેન્દ્ર ધોરડો જ નહિ, પરંતુ રણોત્સવ સુધી પહોંચવા માટે પ્રવાસીઓ જે રસ્તા પરથી પસાર થાય છે તે રોડ પણ છે અને તે રોડનું નામ છે 'રોડ ટૂ હેવન'.  

૩૦ કિલોમીટરની અનોખી સફર 

કચ્છના સફેદ રણના મનમોહક નજારાને માણ્યા પહેલા જ લગભગ તમામ પ્રવાસીઓ 'રોડ ટુ હેવન'ની મુસાફરીનો આનંદ માણે છે. 'રોડ ટુ હેવન'ની કુલ લંબાઈ ૩૦ કિલોમીટર છે. આ રોડની સૌથી ખાસ વાત એ છે કે તેના પર મુસાફરી કરતી વખતે એવો અહેસાસ થાય છે કે જાણે તમે આકાશ તરફ જઈ રહ્યા હોવ, કારણ કે આ રોડ પર એક પણ વૃક્ષ નથી કે નથી સામે કોઈ બિલ્ડિંગ દેખાતી. રોડની બંને બાજુએ કાં તો કચ્છના રણમાં ભરાયેલું પાણી હોય છે અથવા સફેદ મીઠાની પથરાયેલી અફાટ ચાદર. જો કે ખાસ વાત એ છે કે હવે આ રોડને 'ટુ લેન' બનાવી દેવામાં આવ્યો  છે, જેના કારણે ડ્રાઈવિંગ કરવું સરળ છે.

અહી જોવા મળશે ફ્લેમિંગો

તે સિવાય અહીં જો બીજું કંઈ ખાસ દેખાય આવે તો તે છે માત્ર ફ્લેમિંગો. તેમની હાજરી આ સમગ્ર નજારાને વધુ મનમોહક બનાવી દે છે. 'રોડ ટુ હેવન' પર જનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયા બાદ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે તેને ઘણો પહોળો કરી દીધો છે. પ્રવાસીઓની સુરક્ષા માટે કેટલાક પોઈન્ટ્સ પણ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં રોકાઈને તેઓ ફોટોગ્રાફી કરી શકે છે.

અવિસ્મરણીય બની રહેશે સફર 

કચ્છમાં આવેલો 'રોડ ટુ હેવન' ખાવડાથી શરૂ થાય છે. આ રસ્તાનો શરૂઆતનો મોટો હિસ્સો જંગલી કાંટાળા વૃક્ષોવાળો છે, પરંતુ અચાનક ખાવડાથી થોડા કિલોમીટરનું અંતર કાપ્યા પછી 'રોડ ટુ હેવન'ની શરૂઆત થઈ જાય છે, જે એક અત્યંત અનોખી સફર પર લઈ જાય છે - એક એવી સફર જેને કદાચ જ કોઈ ભૂલી શકે. 'રોડ ટુ હેવન' સિંધુ ખીણની સભ્યતા સાથે જોડાયેલા પ્રાચીન નગર ધોળાવીરાને કચ્છની મુખ્ય ભૂમિ સાથે જોડે છે. રોડ ટુ હેવન જવાનો સૌથી ઉત્તમ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.