દક્ષિણ-પૂર્વ એશિયાની સીમાઓ પર ફરી એકવાર યુદ્ધના પડઘમ સંભળાઈ રહ્યા છે. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો વર્ષો જૂનો સરહદ વિવાદ ફરી ભડકી ઉઠ્યો છે. ચાર મહિના પહેલાં, જુલાઈમાં, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી આ સંઘર્ષ પર વિરામ આવ્યો હતો. પરંતુ 7 ડિસેમ્બરથી બંને દેશો વચ્ચે સંઘર્ષ ફરી શરૂ થઈ ગયો હતો. જે આજે ચોથા દિવસે પણ ચાલું થાય છે. જેમાં આર્ટીલરી ફાયર, રોકેટ હુમલાઓ અને હવાઈ હુમલાઓ થયા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 13 સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે, જ્યારે 5 લાખથી વધુ લોકો સરહદની બંને બાજુથી સુરક્ષિત સ્થાનો તરફ ભાગી ગયા છે.
તાજેતરના અહેવાલો મુજબ, 800 કિલોમીટર લાંબી વિવાદિત સરહદ પર ભારે ગોળીબાર, તોપોની ગર્જના અને હવાઈ હુમલાઓ ચાલુ છે. મીડિયા અહેવાલો જણાવે છે કે થાઈલેન્ડે તેના F-16 જેટ્સનો ઉપયોગ કરીને કંબોડિયાના લશ્કરી લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે. તેના જવાબમાં, કંબોડિયાએ ડ્રોન અને BM-21 રોકેટ વડે વળતો હુમલો કર્યો છે. બંને દેશો એકબીજા પર સરહદનું ઉલ્લંઘન કરવા અને યુદ્ધવિરામ કરારનું ભંગ કરવાના આરોપો લગાવી રહ્યા છે.
કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયના મતે, થાઈલેન્ડના હુમલામાં એક બાળક સહિત 9 નાગરિકો માર્યા ગયા છે, જ્યારે થાઈલેન્ડે એક સૈનિકના મૃત્યુની પુષ્ટિ કરી છે. હાલ ચાર જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને અસરગ્રસ્ત પરિવારો કામચલાઉ શિબિરોમાં આશરો લઈ રહ્યા છે.
જુલાઈ 2025માં થયેલી પાંચ દિવસની લડાઈમાં 48 લોકો માર્યા ગયા હતા અને 3 લાખ લોકો વિસ્થાપિત થયા હતા. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના નેતાઓને અમેરિકામાં તેમના નિકાસ પર ઊંચા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. થાઈલેન્ડ અને કંબોડિયા બંને ઇલેક્ટ્રોનિક્સ અને કપડાં જેવા ઉત્પાદનો મોટા પાયે અમેરિકાને નિકાસ કરે છે, અને તેઓ નીચા ટેરિફ પર આધાર રાખે છે.
ટ્રમ્પની આ 'ટેરિફ ગન' એટલી અસરકારક સાબિત થઈ કે બંને દેશોએ ઝૂકવું પડ્યું અને શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. જોકે, વિશ્લેષકોનું માનવું છે કે આ શાંતિ ક્યારેય મજબૂત બની નહોતી, તે માત્ર સપાટી પરની શાંતિ હતી. દુશ્મનીના મૂળ ઊંડા હતા અને બંને પક્ષો વચ્ચે સતત પ્રચાર યુદ્ધ ચાલતું રહ્યું હતું.
નવેમ્બરમાં સરહદ પર થયેલા લેન્ડમાઈન વિસ્ફોટમાં એક થાઈ સૈનિકનો પગ કપાઈ ગયો અને આ ઘટના સંઘર્ષનું ટ્રિગર બની હતી. થાઈલેન્ડે કંબોડિયા પર નવી માઈન્સ બિછાવવાનો આરોપ લગાવ્યો, જેનો કંબોડિયાએ ઇનકાર કર્યો. તેના પરિણામે થાઈલેન્ડે યુદ્ધવિરામને સ્થગિત કરી દીધો. ત્યારબાદ 8 ડિસેમ્બરે કંબોડિયાના સૈનિકો દ્વારા થાઈ એન્જિનિયરિંગ ટીમ પર થયેલો ગોળીબાર આગમાં ઘી હોમવા જેવો સાબિત થયો.
થાઈ સેનાએ વળતી કાર્યવાહીમાં હવાઈ હુમલાઓ શરૂ કર્યા. બંને પક્ષો 15થી વધુ સ્થળોએ અથડાઈ રહ્યા છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે ટ્રમ્પનો કરાર કેટલો નાજુક હતો અને એક નાની ચિનગારીથી પરિસ્થિતિ વણસી ગઈ.
સંયુક્ત રાષ્ટ્ર (UN) અને યુરોપીયન યુનિયન (EU) એ બંને દેશોને સંયમ જાળવવાની અપીલ કરી છે, જ્યારે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક રેલીમાં દાવો કર્યો હતો કે 'હું તેને એક ફોન કોલથી ફરી રોકી દઈશ.' જોકે, થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચારવિરાકુલે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ હાલમાં કૂટનીતિના મૂડમાં નથી. થાઈલેન્ડની સ્પષ્ટ શરત છે કે કંબોડિયાએ પહેલા લેન્ડમાઈનનો ઉપયોગ બંધ કરવો પડશે.
આ સંઘર્ષ 1907ના ફ્રેન્ચ સંસ્થાનવાદી નકશા અને પ્રીહ વિહાર જેવા પ્રાચીન મંદિરોના વિવાદમાંથી ઉદ્ભવ્યો છે. જ્યાં સુધી કૂટનીતિ અને મજબૂત કરાર ન થાય ત્યાં સુધી, માત્ર એક નાજુક યુદ્ધવિરામ થોડા મહિનામાં લડાઈને ફરી શરૂ કરી શકે છે.