Tue Dec 16 2025

Logo

White Logo

દુબઈના તસ્કરને ઇશારે સાતારામાં ધમધમતી ડ્રગ્સ ફૅક્ટરીનો પર્દાફાશ: સાત પકડાયા : 38 કિલો લિક્વિડ એમડી, 8 કિલો એમડી અને કાચો માલ મળી 115 કરોડની મતા જપ્ત

1 day ago
Author: Yogesh C Patel
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દુબઈમાં બેસેલા ડ્રગ્સના મોટા તસ્કરને ઇશારે મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવવાની ફૅક્ટરી ધમધમતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ ફૅક્ટરી પર કાર્યવાહી કરી એમડી, લિક્વિડ એમડી અને કાચો માલ તેમ જ સાધનો મળી અંદાજે 115 કરોડ રૂપિયાની મતા જપ્ત કરી હતી. આ કેસમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-7ના અધિકારીઓ પકડી પાડેલા આરોપીઓની ઓળખ સલીમ અબ્દુલ હમીદ શેખ (32), રઈસ રિયાઝ શેખ (37), વિશાલ જગન્નાથ મોરે (32), કુરુવિલા ઓમેન ચેરિયન, કાયમ નઝર અબ્બાસ સૈયદ ઉર્ફે સદામ (29), રાજુકુલ ખાલીકુર રહમાન (30) અને હાવીજુલ ફકરુલ ઈસ્લામ (25) તરીકે થઈ હતી.

મુલુંડ પશ્ર્ચિમમાં 9 ડિસેમ્બરે પેટ્રોલિંગ પર હાજર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બે આરોપી સલીમ અને રઈસને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 136 ગ્રામ એમડી મળી આવ્યું હતું. ધરપકડ બાદ બન્નેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે વસઈ નજીકના નાયગાંવમાં રહેતા કુરુવિલાના કહેવાથી તેમણે પુણેમાં રહેતા વિશાલ પાસેથી આ ડ્રગ્સ ખરીદ્યું હતું. પુણેના રાવેત પરિસરમાં સૅન્ટોસા હોટેલ નજીક વિશાલ બન્નેને મળ્યો હતો.

નાયગાંવ અને પુણેથી કુરુવિલા અને વિશાલને તાબામાં લેવામાં આવ્યા હતા. સાતારા જિલ્લાના જાવળી તાલુકામાંના સાવરીગાંવમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતી વિશાલે આપી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે સાવરીગાંવના ખેતરમાં બાંધવામાં આવેલા કાચા મકાન પર રેઇડ કરી હતી. આ મકાનમાં એમડી બનાવવામાં આવતું હતું, જે દેશના વિવિધ રાજ્યોમાં સપ્લાય થતું હતું.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે દુબઈમાં બેસેલા તસ્કરને ઇશારે આ ફૅક્ટરી શરૂ કરવામાં આવી હતી. ખેતરના માલિક ગોવિંદ પાસેથી આરોપી સદામે સ્થાનિક એજન્ટની મદદથી મકાન ભાડે લીધું હતું. મકાનમાંથી 38 કિલો લિક્વિડ એમડી, આઠ કિલો પાઉડર સ્વરૂપે એમડી, કાચો માલ અને સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. ડ્રગના વેચાણમાંથી થતી મોટી આવકનો એક હિસ્સો દુબઈ મોકલવામાં આવતો હતો. આ રકમ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે થતો હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.