નવી દિલ્હી: કોંગ્રેસના લોકસભા સાંસદ ઈમરાન મસુદે પાર્ટી મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીના સંભવિત વડા પ્રધાનના ચહેરા તરીકે સમર્થન કર્યું હતું. આ સાથે તેમણે પ્રિયંકા ગાંધીની સરખામણી પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે કરી હતી. આ મુદ્દે રાજકીય ગરમાવો તેજ થયા બાદ રોબર્ટ વાડ્રાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. વાડ્રાએ જણાવ્યું હતું કે, અલગ-અલગ સમૂહો દ્વારા આવી અપેક્ષાઓ અને માંગણીઓ આવવી સ્વાભાવિક છે, પરંતુ હાલના તબક્કે દેશના વાસ્તવિક અને પાયાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ અનિવાર્ય છે.
ઇમરાન મસૂદના નિવેદન પર ભાજપ દ્વારા કરવામાં આવેલી ટીકાઓ અને પ્રિયંકા ગાંધી પર બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસા મુદ્દે મૌન રહેવાના આરોપો વચ્ચે રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે, "દરેક વ્યક્તિની પોતાની માંગ હોય છે. ઘણા લોકો ઈચ્છે છે કે પ્રિયંકા આગળ આવે તો કેટલાક મને પણ રાજકારણમાં આવવા કહે છે, પરંતુ આજે જરૂરિયાત એ છે કે જનતા સાથે જોડાયેલા પ્રશ્નોને પ્રાથમિકતા મળે. નેતૃત્વ અંગેની ચર્ચા કરતાં લોકહિતના કામો વધુ મહત્વના છે.
પ્રિયંકા ગાંધીની ક્ષમતા વિશે વાત કરતા રોબર્ટ વાડ્રાએ જણાવ્યું હતું કે પ્રિયંકાએ તેમના દાદી ઇન્દિરા ગાંધી, પિતા રાજીવ ગાંધી, સોનિયાજી અને ભાઈ રાહુલ ગાંધી પાસેથી ઘણું શીખ્યું છે. તેઓ જ્યારે પણ બોલે છે ત્યારે દિલથી બોલે છે. મને ખાતરી છે કે રાજકારણમાં તેમનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને તેઓ જમીનસ્તરના જરૂરી પરિવર્તન લાવવા માટે સક્ષમ છે. સમય આવ્યે આ પરિવર્તન ચોક્કસપણે જોવા મળશે."
બાંગ્લાદેશમાં થતી હિંસા અને ધાર્મિક વિભાજન અંગે પૂછાયેલા સવાલમાં વાડ્રાએ સ્પષ્ટ કર્યું હતું કે સમાજમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક વિભાજન ન હોવું જોઈએ. તેમણે દેશમાં એકતા અને ભાઈચારા પર ભાર મૂકતા કહ્યું કે, "હું જ્યારે પણ ધાર્મિક યાત્રાઓ પર જાઉં છું, ત્યારે વિવિધ ધર્મોના લોકોની ભાવનાઓ સમાન જોઉં છું. આપણે હિંદુ-મુસ્લિમની વિભાજનકારી રાજનીતિથી બચવું જોઈએ અને દેશની એકતાને સર્વોપરી રાખવી જોઈએ.