Wed Jan 07 2026

Logo

White Logo

એક નજર ઈધર ભી…: ` : આરએએફ' મ્યુઝિયમ: સિંઘ ઈઝ કિગ

3 days ago
Author: Mumbaisamachar Team
Video

કામિની શ્રોફ

દેશના રક્ષણ માટે સામાન્યપણે થલ - જલ - વાયુ (આર્મી, નેવી અને એર ફોર્સ) કાર્યરત હોય છે. સામાન્ય સંજોગોમાં સુરક્ષા દળની ત્રણ પાંખથી આમ જનતા વાકેફ નથી થતી, પણ યુદ્ધ થાય ત્યારે આ ત્રણ દળના જાંબાઝ જવાનો ખુવાર થઈ જનતાની રક્ષા કરે છે.

1947 પહેલા આપણે બ્રિટિશ ગુલામી હેઠળ હતા ત્યારે બંને વિશ્વ યુદ્ધમાં આપણા અનેક જવાનો બ્રિટનને મદદરૂપ થયા હતા. કેટલાક ઈતિહાસકારોની દલીલ હતી કે ભારતીય જાંબાઝોના પીઠબળ વિના યુદ્ધમાં બ્રિટનનો વિજય ન થયો હોત.

બ્રિટનની રાષ્ટ્રીય હવાઈ સેવાનો વારસો જાળવી રાખવાના ઉદ્દેશ સાથે, રોયલ એર ફોર્સની ભવ્ય ગાથાથી અને એની સાથે સંકળાયેલા લોકોથી આવનારી પેઢીઓ વાકેફ થાય એ માટે `રોયલ એર ફોર્સ મ્યુઝિયમ'ની સ્થાપના કરવામાં આવી હતી. છેક 1931માં આ આઈડિયા મંજૂર થયો હતો, પણ એનો અમલ 1972માં થઈ શક્યો હતો. ઐતિહાસિક વિમાનોની જાળવણી તેમ જ હવાઈ તાકાતનો વિકાસ અને દેશસેવા માટે બલિદાન આપનારાઓની શૌર્યગાથાનું વર્ણન આ મ્યુઝિયમમાં જોવા મળે છે.

`આરએએફ મ્યુઝિયમ' તરીકે પ્રચલિત રોયલ એર ફોર્સ મ્યુઝિયમ લંડનના બાર્નેટ અને મિડલેન્ડ્સ એમ બે વિસ્તારમાં વિશાળ પ્રાંગણમાં ફેલાયું છે. લંડન શહેરમાં વિશાળ પરિસરના છ હેંગર (વિમાન રાખવાની - સાચવવાની જગ્યા)ના પથરાયેલા આ મ્યુઝિયમને આવરી લેવા માટે તો એક પુસ્તિકા લખવી પડે એટલી એની વિશાળતા છે. જોકે, પાંચેક કલાકમાં જે જોઈ શકાયું એમાં આપણા દેશ સંબંધિત બે મહત્ત્વની વાત જાણવા મળી એનો વિશેષ આનંદ થયો.

અર્જન સિંઘ - રોયલ એરફોર્સનો ભારતીય ઝળહળાટ:

મ્યુઝિયમમાં સહેલાણીઓની સંખ્યા સારી હતી, પણ એની વિશાળતાને કારણે ક્યાંય ભીડ- ટોળું નહોતું નજરે પડી રહ્યું. અમાં ગ્રુપ રસ પડે એ વિમાનની તલસ્પર્શી માહિતી મેળવતું હતું ત્યાં એક જગ્યાએ પંદરેક લોકો વર્તુળાકારે ગોઠવાઈ કોઈ વસ્તુ ઝીણવટથી નીરખી રહ્યા હોવાનો ખ્યાલ આવ્યો. અચરજ વધારે એ માટે થયું કે ત્યાં કોઈ આરએફનું પ્લેન કે એને સંબંધિત કોઈ અનન્ય સામગ્રી નહોતી. કુતૂહલવશ ત્યાં ગયા તો ખબર પડી કે 1938માં રોયલ એર ફોર્સની તાલીમ મેળવનારા ઈન્ડિયન એર ફોર્સના માર્શલ (પાયદળના ફિલ્ડ માર્શલને સમકક્ષ હોદ્દો) અર્જન સિંઘની તસવીર જોઈ એની સાથે લખાયેલું લખાણ બધા રસપૂર્વક વાંચી રહ્યા હતા. મ્યુઝિયમની તસવીરમાં નજરે પડતા આઠ એર ફોર્સ ઓફિસરમાંથી સાત બ્રિટિશર હતા અને એક ભારતીય - અર્જન સિંઘ હતા.

મ્યુઝિયમનું લખાણ આ પ્રમાણે છે:

આરએએફ કોલેજ કોર્નવેલ 1938 - 39ની બી સ્ક્વોડ્રન'ના ઓફિસરો જેમાં (ડાબે ઉપર) અર્જન સિંઘ છે.' કેપ્શનમાં માત્ર ભારતીય પાઈલટનું નામ છે. આગળ જણાવાયું છે કે ઈન્ડિયન એરફોર્સના ચુનંદા અધિકારીઓને યુદ્ધના સમયગાળામાં (વીસમી સદીમાં 11 નવેમ્બર 1918થી 1 સપ્ટેમ્બર 1939 સુધીનો સમયગાળો ઈન્ટરવોર પિરિયડ - યુદ્ધનો સમયગાળો) આરએએફ કોલેજ, કોર્નવેલમાં ટે્રઈનિંગ આપવામાં આવી હતી.

ઈન્ડિયન એરફોર્સની સ્ક્વોડ્રન નંબર વનમાં જોડાયા પછી અર્જન સિંઘ ભારતીય હવાઈ દળમાં ચીફ ઓફ ધ એર સ્ટાફ બન્યા હતા અને માર્શલની પદવી મેળવનારા એકમાત્ર ભારતીય એરફોર્સ ઓફિસર હતા.' બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રોયલ એરફોર્સમાં નેતૃત્વની મિસાલ કાયમ કરનારા અર્જન સિંઘને 1965ના યુદ્ધ વખતે પાકિસ્તાનના ઓપરેશન ગ્રેન્ડ સ્લેમ'નો જવાબ આપવા ભારતીય હવાઈ તાકાત કેટલી વારમાં તૈયાર થશે એવું પૂછવામાં આવતા બસ એક કલાકમાં' એવો જવાબ તેમણે આપ્યો હોવાની નોંધ છે. એમની બેમિસાલ વ્યૂહરચનાને કારણે પાકિસ્તાન પાસે અદ્યતન સાધન હોવા છતાં ભારત ચડિયાતું સાબિત થયું હતું. રક્ષણ માટે પ્રતિબદ્ધ ભારતીય ઓફિસરની નોંધ રોયલ એરફોર્સના મ્યુઝિયમે પણ લેવી પડી એ ગર્વની વાત છે.

નેટ - છોટા પેકેટ, બાદ ધમાકા:

1959માં રોયલ એર ફોર્સમાં દાખલ થયેલા આ બોમ્બરનું ભારતીય કનેક્શન રોચક છે. યુદ્ધમાં પાકિસ્તાનને હંફાવનાર નેટ વિમાન બ્રિટિશ કંપની દ્વારા ઉત્પાદિત હતું. ભારત - પાકિસ્તાન વચ્ચે 1965 અને 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાને કદમાં વિશાળ અને વજનમાં વધુ ભારેખમ અને શક્તિશાળી ગણાતા કેનેડિયન સેબર ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. જોકે, સરખામણીમાં ટચૂકડા લાગતા નેટ વિમાને પાકિસ્તાન એરફોર્સને ન કેવળ હંફાવી દીધું, પણ કરામતથી હતાશ કરી દીધું હતું.

નેટ વિમાનની વ્યૂહરચના અને બોમ્બિંગની કુશળતાએ ટચૂકડા નેટ વિમાનની ભવ્ય ગાથા રચી હતી. ઈન્ડિયન એર ફોર્સના પાઈલટોએ પાકિસ્તાનના પાઈલટ પાસે રહેલા વધુ તાકાતવર સેબર પ્લેનને નબળા સાબિત કર્યા હતા. ફાઈટર પ્લેનો વચ્ચે થતી આસમાની લડાઈ `ડોગ ફાઈટ' નામથી જાણીતી છે. આ મુકાબલા ઓછી ઊંચાઈએ થતા હોય છે. નેટ વિમાન વજનમાં હલકા અને કદમાં નાના હોવાથી એમને શોધવામાં પાકિસ્તાની પાઈલટોને મુશ્કેલી પડતી હતી.

1965ના યુદ્ધમાં આપણા નેટ વિમાન પાકિસ્તાનના સાત સેબર વિમાનને ધૂળધાણી કરવામાં સફળ રહ્યા હોવાની જાણકારી મ્યુઝિયમમાં હાજર એક સહેલાણીએ આપી. એ સહેલાણીના કાકા ભારતીય હવાઈ દળમાં હોવાથી એની પાસે આ ખાતરીલાયક માહિતી હતી. બાંગ્લાદેશ મુક્તિસંગ્રામ તરીકે જાણીતા ભારત - પાકિસ્તાન 1971 યુદ્ધમાં પણ આપણા નેટ વિમાન પાંચ પાકિસ્તાની સેબર પ્લેનનો ખાત્મો બોલાવી શક્યા હતા. બ્રિટિશ મ્યુઝિયમની મુલાકાત નિમિત્તે આપણી એરફોર્સની ભવ્ય અને ગૌરવશાળી કામગીરીથી વાકેફ થવાયું એના હરખનું વર્ણન કરવા શબ્દો ટૂંકા પડે.

સોપવિથ ટ્રાઈપ્લેન:

મ્યુઝિયમના સિંગલ સીટ ફાઈટર જેટની લાક્ષણિકતા ઊડીને આંખે વળગે એવી છે. સોપવિથ કંપનીનું યુદ્ધમાં વપરાયેલું આ પહેલું ટ્રાઈપ્લેન (એકની ઉપર એક એવી ત્રણ જોડી પાંખ ધરાવતું વિમાન) હતું. મ્યુઝિયમના એક વોલ્યુન્ટરે આપેલી જાણકારી અનુસાર આ ફાઈટર વિમાન કેનેડિયન પાઈલટ્સ ઉડાવતા હતા. આ વિમાનોની અલગ ઓળખ જળવાઈ રહે એ માટે વિમાનોને બ્લેક મારિયા',બ્લેક ડેથ', બ્લેક શીપ',બ્લેક રોજર' અને `બ્લેક પ્રિન્સ' જેવા નામ આપવામાં આવ્યા હતા.

યુદ્ધમાં આ પ્લેન ખૂબ જ અસરકારક સાબિત થયા હતા અને 1917માં ત્રણ મહિનામાં દુશ્મનના 87 વિમાનને ભોંયભેગા કરવામાં સફળ રહ્યા હતા. જર્મનો આ વિમાનથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે કંપનીને ટ્રાઈપ્લેન જેટ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો.

આ સિવાય આ મ્યુઝિયમમાં યુદ્ધ સંબંધિત અનેક ગાથા હાજર છે. યુદ્ધ વિનાશ જ નોતરે છે, પણ યુદ્ધસ્થ કથા રમ્યા: શું કામ કહેવાય છે એનો વધુ એકવાર પરચો થયો.