Wed Jan 07 2026

Logo

White Logo

ભાત ભાત કે લોગ: : બાંગ્લાદેશમાં હિંદુ પક્ષની રચના: ભારતની પીડા ઘટાડશે કે વકરાવશે?

Dhaka   3 days ago
Author: Mumbaisamachar Team
Video

જ્વલંત નાયક
આજકાલ બાંગ્લાદેશથી અરાજકતા અને હિંદુ લઘુમતી પર થતા અત્યાચારોની ખબર નિયમિતપણે આપણને આવતી રહે છે. ગયા વર્ષે ભારત તરફી ગણાતા શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી. ત્યાર પછી ભારતનો આ પડોશી દેશ દિવસે દિવસે વધુને વધુ ભારત વિરોધી ખાસ કરીને કટ્ટર હિંદુ વિરોધી વલણ છતું કરી રહ્યો છે. બાંગ્લાદેશ માટે આ નવું નથી, કારણકે એની રચનાના મૂળમાં જ હિન્દુઓથી જુદા હોવાની ભાવના રહેલી છે. આ ભાવના હવે ઘણે અંશે કટ્ટરવાદમાં પરિવર્તિત થઇ ચૂકી છે. આ કટ્ટરવાદના મૂળિયાં બહુ જૂના છે. લગભગ સવાસો વર્ષ જેટલા જૂના.

બાંગ્લાદેશનો ધાર્મિક કટ્ટરવાદ સમજવા માટે ઇસ 1905માં તત્કાલીન વાઈસરોય લોર્ડ કર્ઝને પાડેલા બંગાળ રાજ્યના ભાગલા અને એના લાંબા ગાળાનાં પરિણામોને સમજવા પડે. આમ તો એ ભાગલા વહીવટી સરળતાના રૂપકડા ઓઠા હેઠળ થયા, પરંતુ એમાં આધાર તરીકે હિંદુ અને મુસ્લિમ પ્રજાની ડેમોગ્રાફી - વસ્તી વહેંચણી જ હતી. પશ્ચિમી પ્રદેશમાં જ્યાં હિન્દુઓ બહુમતીમાં હતા, એ વિસ્તારો પશ્ચિમ બંગાળ તરીકે ઓળખાયા. અને મુસ્લિમ પ્રજાની બહુમતીવાળા વિસ્તારોને સાથે રાખીને પૂર્વીય બંગાળ નામક નવું રાજ્ય બનાવી દેવાયું. અંગ્રેજોનો મૂળ હેતુ એક મોટું મુસ્લિમ રાજ્ય ઊભું કરવાનો જ હતો, જેથી હિંદુ-મુસ્લિમ પ્રજા વચ્ચે વૈમનસ્ય વધે અને બંગાળમાં એ સમયે પુરજોશમાં ઊભરી રહેલો રાષ્ટ્રવાદ નબળો પડી જાય. ભારતીયોએ બંગાળના ભાગલાનો પૂરજોશમાં વિરોધ કર્યો અને બંગ ભંગની વિરુદ્ધ ચળવળ શરૂ થઇ. રવીન્દ્રનાથ ટાગોરે ગીત લખી નાખ્યું… `આમાર સોનાર બાંગ્લા'. બંગાળીભાષી પ્રજાની અસ્મિતાસમું આ ગીત પ્રજાને હોઠે વસી ગયું.

આખરે ઇસ 1911માં બંગાળના બે ટુકડાઓ ફરી એક બન્યા. જોકે એ પછી પ્રજામાનસમાં જે તિરાડ પડી ગઈ, એ આજની તારીખે ય બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને પીડા આપે છે.

બંગાળના વિભાજન અને એકીકરણ વચ્ચેના સમયમાં એક નોંધનીય ઘટના બની. 30 ડિસેમ્બર, 1906ના દિવસે મુસ્લિમો માટેના રાજકીય પક્ષ તરીકે મુસ્લિમ લીગની સ્થાપના થઇ. પાછળથી આ જ મુસ્લિમ લીગે ભારત-પાકિસ્તાનના ભાગલામાં નિર્ણાયક ભૂમિકા ભજવી.

ફરી એક વાર ધર્મના આધારે બંગાળના ભાગલા થયા અને પૂર્વીય પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. એ પછી 1971માં એ બાંગ્લાદેશ નામના સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું. ટાગોરે રચેલું પેલું બંગાળી ગીત બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત બન્યું.

મુસ્લિમ હિતોને બહાને કટ્ટરવાદને પોષવામાં મુસ્લિમ લીગે પાછું વળીને ન જોયું. એ બધું સમજવા માટે ડાયરેક્ટ એક્શન ડે'નું એકમાત્ર ઉદાહરણ પૂરતું થઇ રહેશે. સ્વતંત્રતા અને વિભાજન બાદ બંગાળી ભાષા અને સંસ્કૃતિના અગાધ પ્રેમમાં ડૂબેલો આ દેશ ધીમે ધીમે ઇસ્લામિક કટ્ટરવાદીઓની ચુંગાલમાં ફસાતો ગયો. બીજી તરફ હિન્દુઓનો પક્ષ રજૂ કરે કે એમના મૂળભૂત અધિકારો માટે લડે એવો કોઈ રાજકીય પક્ષ દૂર દૂર સુધી દ્રષ્ટિગોચર નહોતો થતો. જેનું પરિણામ આજની પરિસ્થિતિરૂપે દેખાઈ રહ્યું છે. જો કે મુસ્લિમ લીગની સ્થાપનાના લગભગ એકસો વીસ વર્ષ પછી હિન્દુઓ સહિતની લઘુમતી પ્રજા માટે રચાયેલો એક પક્ષ બાંગ્લાદેશની ક્ષિતિજે ડોકાયો છે. એ છે બાંગ્લાદેશ માઈનોરિટી જનતા પાર્ટી'- (BMJP)

હિન્દુઓ સહિતની લઘુમતી પ્રજાઓ છેલ્લા ઘણા સમયથી દમનનો ભોગ બનતી હતી. શેખ હસીનાની અવામી લીગ અને ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી બીએનપીને લઘુમતીઓના હિત સાચવવા કરતા બહુમતી મુસ્લિમ વોટબેંક સાચવવામાં દેખીતી રીતે જ વધારે રસ હોવાનો. આખરે હિંદુ સમાજના કેટલાક નેતાઓએ પોતાનો રાજકીય પક્ષ રચવાનું નક્કી કર્યું.

22 સપ્ટેમ્બર 2017માં ઢાકાના નેશનલ પ્રેસ ક્લબમાં 101 સ્થાપક સભ્યો દ્વારા નવી પોલિટિકલ પાર્ટી શરૂ કરવામાં આવી હતી. શ્યામલ કુમાર રોય અધ્યક્ષ અને સુકૃતિ કુમાર મંડલ જનરલ સેક્રેટરી બન્યા. પાર્ટીનો મુખ્ય હેતુ ધાર્મિક અલ્પસંખ્યકો (ખાસ કરીને હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયો)નાં હિતોનું રક્ષણ કરવાનો હતો, પરંતુ બાંગ્લાદેશના ચૂંટણી કમિશને પાર્ટીને મંજૂરી જ આપી નહીં!

આખરે એપ્રિલ, 2025માં માંડ માંડ મંજૂરી મળી અને બાંગ્લાદેશમાં હિન્દુઓનાં હિતોની વાત કરતી સૌપ્રથમ પાર્ટી - બાંગ્લાદેશ માઈનોરિટી જનતા પાર્ટી (BMJP) અસ્તિત્વમાં આવી. પાર્ટીના હાલના અધ્યક્ષ સુકૃતિ કુમાર મંડલ એક અનુભવી રાજનેતા છે અને બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના અવાજ તરીકે જાણીતા છે.

પોલિટિકલ એજન્ડાની વાત કરીએ આ પાર્ટી બાંગ્લાદેશને એક ધરમનિરપેક્ષ દેશ બનાવવા માગે છે, જેમાં અલ્પસંખ્યકોને પણ પૂરતું પ્રતિનિધિત્વ મળતું હોય. પણ ખાટલે મોટી ખોડ એ છે કે બાંગ્લાદેશમાં ઝાઝા હિન્દુઓ બચ્યા નથી. કુલ 300 બેઠકો પૈકી માત્ર 40-45 જેટલી સીટ્સ ઉપર જ લઘુમતી પ્રજાનું પ્રભુત્વ છે, પરંતુ ઇસ્લામિક કટ્ટરવાદીઓના ડરને કારણે BMJPને હજી આટલા ઉમેદવારો ય નથી મળ્યા! તેમ છતાં પાર્ટી આગામી ચૂંટણીઓમાં ચાલીસેક સીટ્સ જીતવાની આશા ધરાવે છે. અત્યારે તો આ નવીસવી પાર્ટીને આર્થિક સમસ્યાઓ પણ નડી રહી છે. પાર્ટી ભવિષ્યમાં બીએનપી સાથે જોડાણની શક્યતાઓ તપાસી રહી છે. આગામી સમયમાં હિન્દુઓની આ પાર્ટી કેવુંક કાઠું કાઢે છે એ જોવાનું રસપ્રદ થઇ રહેશે.

ઘણાને ભારતની બીજેપી અને બાંગ્લા.ની બીએમજેપી બે ભગિની સંસ્થાઓ હોવાની શંકા જાય છે, પણ હાલ પૂરતી આવી કોઈ વાતને પુષ્ટિ મળતી નથી. ઊલટાનું `બીએમજેપી' ઈચ્છે છે કે ભારત સરકાર બદનામ થયેલા શેખ હસીનાને બદલે ખાલિદા ઝિયાની - હવેથી તારિક ઝિયાની પાર્ટી બીએનપીને સમર્થન આપે.

મિત્રનો દુશ્મન પણ મિત્ર હોઈ શકે!

શેખ હસીનાના કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધી ખાલિદા ઝીયા અનેકવિધ બીમારીઓ સામેની લડતમાં હારીને આ અઠવાડિયે જન્નતનશીન થયા, એ પછી ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર ખાલિદાની અંત્યેષ્ઠીમાં હાજરી આપવા ઢાકા ગયા છે. ત્યાં તેમણે બાંગ્લાદેશી રાજકારણમાં રાઈઝિંગ સ્ટાર ગણાતા તારિક રહેમાન ઉર્ફે તારીક ઝિયા સાથે મુલાકાત કરી. ભારતીય વિદેશમંત્રીની આ મુલાકાતને ઘણા બિગ પોલિટિકલ મુવ તરીકે જોઈ રહ્યા છે. 2026ના ફેબ્રુઆરીમાં બાંગ્લાદેશમાં ચૂંટણીઓ યોજાશે અને નવી સરકાર બનશે ત્યારે એ સરકાર સાથે ભારતની દોસ્તી હોય એ ખૂબ જરૂરી છે.

`બીએનપી'નો નેતા તારિક સરકાર બનાવે એવી પૂરી શક્યતા છે. આ તારિકભાઇ એટલે બેગમ ખાલિદા ઝિયાના પુત્ર અને રાજકીય વારસદાર.

હાલમાં દેશવટો ભોગવતા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના ભલે ભારતના મિત્ર હોય, પણ એમની પ્રતિસ્પર્ધી પાર્ટી `બીએનપી'નો નેતા પણ ભારતનો મિત્ર હોઈ જ શકે છે. સામાન્ય સંજોગોમાં દુશ્મનનો દુશ્મન મિત્ર હોવો જોઈએ, પરંતુ રાજકારણમાં મિત્રનો દુશ્મન પણ મિત્ર હોઈ શકે.

અને આમેય, આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં દુશ્મનને બૂટની એડી નીચે દબાવીને કાબૂમાં રાખવા માટે એના પર હુમલો કરવાની કે સીધા યુદ્ધમાં ઊતરવાની જરૂર ભાગ્યે જ પડે. મોટે ભાગે તો આ કામ મિત્ર બનીને જ કરાતું હોય છે.